માવળંકર, પુરુષોત્તમ ગણેશ (જ. 3 ઑગસ્ટ 1928, અમદાવાદ) : જાણીતા સમાજસેવક, કેળવણીકાર અને નીડર સાંસદ. પિતા ગણેશ વાસુદેવ માવળંકર સ્વાતંત્ર્યસેનાની, અગ્રણી ધારાશાસ્ત્રી, ભારતની પ્રથમ લોકસભાના અધ્યક્ષ તથા રાષ્ટ્રકુટુંબના પ્રથમ ભારતીય અધ્યક્ષ તરીકે ભારતમાં અને ભારત બહાર જાણીતા બનેલા. માતા સુશીલા સ્વાતંત્ર્યસેનાની હોવા ઉપરાંત લોકસભાનાં પૂર્વસભ્ય હતાં. ‘પી. જી.’ અથવા ‘અણ્ણાસાહેબ’ નામથી મિત્રવર્તુળમાં જાણીતા બનેલા પુરુષોત્તમભાઈનું સમગ્ર શિક્ષણ અમદાવાદમાં થયેલું. 1945માં ચી. ના. વિદ્યાલયમાંથી મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી 1949માં અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીની બી. એ.ની પદવી તથા 1951માં રાજ્યશાસ્ત્ર, ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિષયો સાથે તે જ યુનિવર્સિટીની એમ. એ.ની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ 1951–54ના ગાળામાં વિશ્વવિખ્યાત લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સ ઍન્ડ પૉલિટિકલ સાયન્સ ખાતે સંસદીય સંસ્થાઓ વિશે સંશોધનકાર્ય કર્યું. તે પૂર્વે 1949માં અમદાવાદની એલ. ડી. આટર્સ કૉલેજમાં ફેલો તરીકે અને 1949–51 દરમિયાન તે જ સંસ્થામાં વ્યાખ્યાતા તરીકે અધ્યાપન કર્યું હતું. લંડનથી પાછા આવ્યા બાદ 1968 સુધી ફરી તે જ સંસ્થામાં રાજ્યશાસ્ત્રના પ્રાધ્યાપક (1954 –60), વિભાગના વડા (1960–68) તથા સંસ્થાના આચાર્ય(1960–68)પદ પર સેવાઓ આપી. 1954–68ના ગાળામાં ગુજરાત યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્ર વિભાગમાં અનુસ્નાતક-કક્ષાએ રાજ્યશાસ્ત્ર વિષયમાં અધ્યાપનકાર્ય કર્યું.
કેળવણી-ક્ષેત્રે પુરુષોત્તમભાઈની કારકિર્દી નોંધપાત્ર રહી છે (1963–93). તેઓ ગુજરાત યુનિવર્સિટી, મુંબઈ યુનિવર્સિટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (વડોદરા), ગુજરાત કૃષિ યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી (વલ્લભવિદ્યાનગર), જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (નવી દિલ્હી) વગેરે સાથે કોઈ ને રીતે સંકળાયેલા રહ્યા છે. 1962–68 દરમિયાન તેઓ વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ(U. G. C.)ની એક ખાસ સમિતિના સભ્ય રહેલા.
સમાજસેવાના ક્ષેત્રે પણ તેઓ ઘણી સંસ્થાઓમાં સક્રિય રહ્યા છે, જેમાં રમતગમતની સંસ્થાઓ, પત્રમિત્ર સંસ્થા (લીગ ઑવ્ પેનફ્રેન્ડ્ઝ), ભારત સ્કાઉટ્સ ઍન્ડ ગાઇડ્ઝ ઍસોસિયેશન, બહેરા-મૂંગાની શાળા, ગુજરાત વિદ્યાસભા જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે. ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિએ નવી દિલ્હી ખાતેની જવાહરલાલ યુનિવર્સિટીની કૉર્ટમાં તેમની સભ્ય તરીકે નિમણૂક કરી હતી (1991–93), 1979–82 દરમિયાન જિનીવા ખાતેની ઇન્ટરપાર્લમેન્ટ યુનિયનના સભ્યપદે તથા ઇન્ટરનેશનલ પાર્લમેન્ટરી યુનિયન(પાર્લમેન્ટરી ડૉક્યુમેન્ટેશન)ના અધ્યક્ષપદે પણ તેમણે કામ કર્યું હતું. 1994–96ના ગાળામાં નવી દિલ્હી ખાતેના ઇન્ડિયન પબ્લિક એડમિનિસ્ટ્રેશનની કારોબારી સમિતિમાં તેઓ ચૂંટાયા હતા.
1972માં અમદાવાદ શહેરની લોકસભાની બેઠકની પેટાચૂંટણીમાં સ્વતંત્ર ઉમેદવાર તરીકે લોકસભા માટે તેઓ પ્રથમ વાર ચૂંટાયા હતા. માર્ચ 1977માં લોકસભાની ગાંધીનગર બેઠક પર ફરીવાર સ્વતંત્ર ઉમેદવાર તરીકે તેઓ ચૂંટાયા હતા. જૂન, 1975માં દેશમાં કટોકટી જાહેર થયા પછી લોકસભાની બેઠકોમાં તેમણે નીડરતાથી દેશને લગતી સમસ્યાઓ વિશે 24 જેટલાં જે ભાષણો કર્યાં હતાં તેને લીધે તેમને માત્ર ભારતમાં જ નહિ, પરંતુ વિશ્વમાં પણ ખ્યાતિ પ્રાપ્ત થઈ હતી. આ બધાં જ ભાષણો ગ્રંથરૂપે ‘નો સર’ શીર્ષક હેઠળ અંગ્રેજી, ગુજરાતી, હિંદી અને મરાઠીમાં પ્રકાશિત થયાં છે. 1979માં શ્રેષ્ઠ સાંસદ તરીકે તેમને ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. 1996માં અમદાવાદ નગરપાલિકાએ તેમને ‘નગરભૂષણ’નો ઍવૉર્ડ પણ એનાયત કર્યો હતો.
1954–97 દરમિયાન અમદાવાદની પણ વિશ્વફલક પર પણ ખ્યાતિ પામેલી હૅરલ્ડ લાસ્કી ઇન્સ્ટિટ્યૂટના તેઓ સ્થાપક-નિયામક રહ્યા છે. તેઓ ‘અભ્યાસ’ નામક શિક્ષણ, સાહિત્ય અને સંસ્કારને વરેલું સામયિક ચલાવતા હતા. વળી ગુજરાતી સાપ્તાહિક ‘નિરીક્ષક’ તથા હિંદી માસિક ‘રાષ્ટ્રવીણા’ના સંપાદકમંડળમાં પણ તેમણે કાર્ય કર્યું છે. અમદાવાદથી પ્રકાશિત થતાં તથા બહારગામનાં કેટલાંક વૃત્તપત્રોમાં દેશવિદેશના રાજકીય પ્રવાહો પર તેમણે લખેલી કટારો તેમના વિચારોની નિખાલસતા તથા નીડરતાનો પરિચય આપે તેવી રહી છે.
પુરુષોત્તમભાઈએ અનેક વાર વિદેશની યાત્રા ખેડી છે, જેમાં ગ્રેટ બ્રિટન (1951); પશ્ચિમ યુરોપના દેશોના સાંસદોની મુલાકાતો (1954), અમેરિકા, કૅનેડા, ઇજિપ્ત, ગ્રીસ, પશ્ચિમ જર્મની (1958–59); સિંગાપુર, મલેશિયા અને થાઇલૅન્ડ (1968); ઑસ્ટ્રેલિયા વગેરેનો સમાવેશ થાય છે.
ઉત્તમ વક્તા તરીકે પણ તેમણે દેશવિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કરી છે.
તેમને તેમનાં જાહેર સેવાનાં કાર્યોમાં તેમનાં સુશીલ પત્ની પૂર્ણિમાબહેનનો પણ સતત સહકાર સાંપડતો રહ્યો છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે