માવળંકર, ગણેશ વાસુદેવ (જ. 27 નવેમ્બર 1888, વડોદરા; અ. 27 ફેબ્રુઆરી 1956, અમદાવાદ) : વિખ્યાત ધારાશાસ્ત્રી, સ્વાતંત્ર્યસેનાની અને ભારતની લોકસભાના પ્રથમ અધ્યક્ષ. માતાનું નામ ગોપિકાબાઈ. તેમનું સમગ્ર કુટુંબ મૂળે રત્નાગિરિ જિલ્લાના માવલંગે ગામનું. પેશવાકાળ દરમિયાન તેમાંનાં ઘણાં કુટુંબો વિવિધ ગામના મુખી–‘ખોત’ના હોદ્દા ભોગવતા હતા. આ કુટુંબનાં અમુક જૂથો, વડોદરાના ગાયકવાડ રાજવીઓ સાથેના સંપર્કો અને કામગીરીના કારણે ગુજરાતમાં વડોદરામાં અને પાછળથી અમદાવાદ આવીને વસેલાં, આમાં માવળંકર કુટુંબ પણ સામેલ હતું.
પિતા રત્નાગિરિ જિલ્લામાં મુનસફ તરીકે નોકરી કરતા, તેથી પ્રારંભિક શિક્ષણ તે જિલ્લામાં વિવિધ સ્થળે અને બાકીનું શાલેય શિક્ષણ વડોદરામાં લીધું. 1904માં મૅટ્રિક્યુલેશનની પરીક્ષા ઉત્તીર્ણ કરી. 1908માં અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી વિજ્ઞાનના વિષયો સાથે બી.એ. થયા અને વર્ગના સૌથી તેજસ્વી વિદ્યાર્થી તરીકે દક્ષિણા ફેલો નિમાયા. ત્યારબાદ મુંબઈ જઈ કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો, પ્રથમ અને દ્વિતીય એલએલ.બી.માં સમગ્ર મુંબઈ યુનિવર્સિટીમાં તેમણે પ્રથમ સ્થાન મેળવ્યું.
કારકિર્દીના પ્રારંભે સર્વન્ટ્સ ઑવ્ ઇન્ડિયા સોસાયટીમાં જોડાયા અને પછી ધારાશાસ્ત્રી તરીકેની કારકિર્દીનો આરંભ કર્યો. એ સાથે જ જાહેરજીવનનાં કાર્યોમાં રસ લેવાની શરૂઆત કરી. અમદાવાદમાં વકીલાત શરૂ કરવા સાથે 1916માં ગુજરાત સભામાં જોડાયા અને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે પ્રાથમિક પરિચય થયો. 1917માં તેમણે ખેડા જિલ્લાના સત્યાગ્રહમાં ભાગ લીધો. તે અરસામાં ગાંધીજીના પરિચયમાં આવ્યા. 1919માં તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કાઉન્સિલના સભ્ય નિમાયા. 1920માં પ્રથમ પત્ની કાશીબાઈનું અવસાન થયું અને માતાના આગ્રહને વશ થઈ 1921માં મનોરમાબાઈ ઉર્ફે સુશીલાબહેન સાથે તેમણે બીજું લગ્ન કર્યું.
1920થી ’22 દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠમાં કાયદાના પ્રાધ્યાપક બન્યા. આ અરસામાં પંઢરપુરના મંદિરમાં સત્યાગ્રહ દ્વારા હરિજનોને મંદિરપ્રવેશ અપાવવામાં તેમણે દરમિયાનગીરી કરી. 1921થી ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસમાં સક્રિય કામગીરી આરંભી અને અમદાવાદ ખાતે કૉંગ્રેસની બેઠક મળી ત્યારે ગુજરાત કૉંગ્રેસના મંત્રી તરીકે કામગીરી કરી અને બેઠકના અંતે માત્ર 24 કલાકમાં જ સમગ્ર બેઠકનું સરવૈયું તેમજ હિસાબ-કિતાબ રજૂ કરી સૌને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા. આ ઉપરાંત ખાદી, અસ્પૃશ્યતા-નિવારણ અને રાષ્ટ્રીય શિક્ષણની પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય બન્યા. 1922–23માં અસહકારની લડતમાં ભાગ લેવા તત્કાલ પૂરતો વ્યવસાય છોડી દીધો. જે લડત બાદ ફરી શરૂ કર્યો. 1927માં ગુજરાતમાં આવેલા ભારે પૂરનાં રાહતકાર્યોમાં જોડાયા. 1930માં અને ’35માં અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ રહ્યા. 1937માં ધારાશાસ્ત્રી તરીકેની કામગીરી છોડી રાષ્ટ્રીય સેવાના ક્ષેત્રમાં ઝંપલાવ્યું. અને મુંબઈ ધારાસભા(લેજિસ્લેટિવ એસેમ્બલી)માં ચૂંટાયા. ધારાસભ્ય તરીકે ગૃહની નિયમ-ઘડતર સમિતિના સભ્ય બન્યા અને બી. જી. ખેર પ્રધાનમંડળ સાથેના ઘનિષ્ઠ સંબંધોને કારણે હરિજન મંદિરપ્રવેશ, શિક્ષણસુધારણા, ભૂમિધારા ખરડો તથા ગુજરાત-મહારાષ્ટ્રમાં દારૂબંધી જેવા જાહેર હિતના નિર્ણયો લેવડાવવામાં પ્રધાન ભૂમિકા ભજવી. આ દરમિયાન તેમને ધારાગૃહના અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા. 1939માં પ્રધાનમંડળ વિખેરાવા છતાં તટસ્થ વ્યક્તિ તરીકે તેઓ આ હોદ્દા પર ચાલુ રહ્યા. ત્યારબાદ સવિનય કાનૂનભંગ અને ‘હિંદ છોડો’ લડતમાં જોડાયા અને અનેક વાર જેલવાસ વેઠ્યો.
લગભગ 1935ના અરસામાં તેમણે દૂરંદેશીભર્યું કામ હાથ ધર્યું. તેમને લાગ્યું કે ગુજરાતમાં ઉચ્ચશિક્ષણની દેશહિતને વરેલી બિનસરકારી સંસ્થાઓ ઊભી કરવી આવશ્યક છે. તે ર્દષ્ટિએ 100 રૂ.ના સભ્યો બનાવી અમદાવાદ એજ્યુકેશન સોસાયટી સ્થાપી, વસ્ત્ર-ઉદ્યોગના અગ્રણીઓ પાસેથી ઉદાર સખાવતો મેળવી શિક્ષણ- સંસ્થાઓ ઊભી કરવાની પહેલ કરી. તેના અનુસંધાનમાં સરદાર વલ્લભભાઈ પટેલના અધ્યક્ષપદે ‘ગુજરાત વિશ્વવિદ્યાલય મંડળ’ યોજીને તે દ્વારા ગુજરાતમાં પહેલી યુનિવર્સિટીની રચનાનો પાયો નાંખ્યો, જે ‘ગુજરાત યુનિવર્સિટી’ તરીકે જાણીતી બની. આમ શિક્ષણક્ષેત્રે ઊજળું અને અજોડ કામ તેમણે પાર પાડ્યું.
1946માં તેઓ કેંદ્રીય ધારાસભા(લેજિસ્લેટિવ એસેમ્બલી)ના અધ્યક્ષ બન્યા. 1947 પછી કેંદ્રીય ધારાસભા ભારતીય સંસદમાં રૂપાંતરિત થતાં 17 નવેમ્બર, 1947ના રોજ તેઓ તેના અધ્યક્ષ બન્યા અને એ રીતે સ્વતંત્ર ભારતની કેંદ્રીય ધારાસભાના પ્રથમ અધ્યક્ષનું પદ પ્રાપ્ત કરવાનું ગૌરવ તેમને પ્રાપ્ત થયું. 1952ની પ્રથમ ચૂંટણી બાદ પણ આ સ્થાન તેમના ફાળે જ રહ્યું. તેમની લોકસભાના અધ્યક્ષ તરીકેની કારકિર્દી દરમિયાન ગૃહના કામકાજ માટે ‘બિઝનેસ એડવાઇઝરી કમિટી’ની અને ‘ગવર્નમેન્ટ એશ્યૉરન્સ કમિટી’ની રચના થયેલી. પ્રથમ સમિતિ દ્વારા ગૃહની કાર્યવહીમાં શિસ્ત અને સિદ્ધાંતનિષ્ઠ ર્દઢતાનો વિકાસ થયો, જ્યારે બીજી સમિતિ દ્વારા મંત્રીઓ વિવિધ કામો અંગે જે ખાતરી ગૃહને આપે તેનો અમલ થાય તે જોવાની કાર્યનીતિ નક્કી થઈ. આ ઉપરાંત મંત્રીમંડળ હેઠળ કાર્ય કરતા લોકસભાના સચિવાલયને અધ્યક્ષની હકૂમત હેઠળ આણી તેને વધુ નિષ્પક્ષ અને બિનરાજકીય બનાવ્યું. આ કાર્યો દ્વારા મજબૂત સંસદીય પરિપાટીની સ્થાપના કરી તેઓ ‘ભારતીય સંસદના શિલ્પી’ બની રહ્યા. આ જ કારણોસર જવાહરલાલ નહેરુએ તેમને ‘ભારતની લોકસભાના પિતા’ તરીકે ઓળખાવેલા. આ કારકિર્દી દરમિયાન કૉમનવેલ્થ પાર્લમેન્ટરી ઍસોસિયેશનની બેઠકોમાં ભાગ લેવા 1948, 1950, 1952 અને 1953માં વિદેશપ્રવાસ ખેડી ભારતનું પ્રતિનિધિત્વ કરી સંસદીય પ્રણાલીનું રૂડું ચિત્ર ઉપસાવ્યું.
આ સિવાય વિવિધ ક્ષેત્રે તેમની સક્રિય કામગીરી અવિરત ચાલુ જ રહી. આઝાદીના પ્રારંભે બંધારણસભાના સભ્ય રહ્યા, ગાંધી સ્મારક નિધિ અને કસ્તૂરબા સ્મારક નિધિમાં સક્રિય કામગીરી બજાવી. નૅશનલ રાઇફલ ઍસોસિયેશનના તેઓ સ્થાપક-વડા રહ્યા. ગુજરાત અને અમદાવાદની સામાજિક, શૈક્ષણિક અને રાજકીય પ્રવૃત્તિઓ ઉપરાંત તેમણે ઑલ મહારાષ્ટ્ર કૉન્ફરન્સના સમર્થક તરીકે તેમજ ધુલિયા સત્કાર્યોત્તેજક સભા અને જાંભુળ ખાતેના સમર્થ રામદાસ મંદિરના ટ્રસ્ટી તરીકે પણ કામગીરી બજાવી. આમ મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચેની સાંસ્કૃતિક સંપર્ક-કડીઓની કામગીરીને પણ તેમણે ન્યાય આપ્યો.
વ્યક્તિગત જીવનમાં તેઓ ‘ભગવદ્ગીતા’થી પ્રભાવિત હતા. તેમની નિયમિત ડાયરી ‘કાંહી પાઉલે’ નામથી મરાઠીમાં અમદાવાદ મહારાષ્ટ્ર સમાજની પત્રિકામાં ક્રમશ: પ્રસિદ્ધ થઈ હતી. ધારાશાસ્ત્રી તરીકેનાં સંસ્મરણો આલેખતું પુસ્તક ‘માય લાઇફ ઍટ ધ બાર’ (1955) અંશત: જીવનકથાનક પણ છે. જેલજીવન દરમિયાન કહેવાતાં અસામાજિક તત્ત્વોના પરિચયને કારણે તેમના જીવનમાં ડોકિયું કરતાં અનુભવેલાં સ્પંદનો ‘માનવતાનાં ઝરણાં’ નામથી પ્રકાશિત થયેલાં. પૂરી પ્રામાણિકતા, ન્યાયોચિત નિર્ણયો, અનુભવજન્ય દૂરંદેશી, ઉત્કટ દેશદાઝ, સૂઝભરી સેવાવૃત્તિ અને સૌજન્યભર્યું વ્યક્તિત્વ પ્રજાજીવનમાં યાદગાર નીવડે એ માટે પ્રજાએ તેમને ‘દાદાસાહેબ’ના સન્માનની નવાજેશ કરેલી.
કુંદનલાલ જ. ધોળકિયા