માલાબો : ઇક્વેટૉરિયલ ગિનીનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 3° 45´ ઉ. અ. અને 8° 47´ પૂ. રે. તે પશ્ચિમ આફ્રિકામાં ગિનીના અખાતમાં આવેલા બિયોકો ટાપુ પર આવેલું છે અને અહીંનું અગત્યનું બંદર છે. આ બંદરેથી કેળાં, ઇમારતી લાકડું, કેકાઓ, સિંકોના છાલ, કૉફી, કોલાફળ અને પામ-તેલની નિકાસ થાય છે. અહીંના મોટાભાગના લોકો આયાત-નિકાસની કંપનીઓમાં કામ કરે છે. માલાબો નજીક હવાઈ મથક આવેલું છે.
1827માં બ્રિટિશ વેપારીઓ અને વસાહતીઓએ આ સ્થળ વસાવેલું. બ્રિટિશ લોકો તેને ક્લેરન્સ ટાઉન અથવા પૉર્ટ ક્લેરન્સ કહેતા. 1844માં સ્પેને તેનો કબજો લઈ લીધેલો. તેઓ તેને સાન્ટા ઇસાબેલ કહેતા. 1973 સુધી તે સ્પેનના કબજામાં રહેલું. 1973માં ઇક્વેટૉરિયલ ગિની સ્પેનથી સ્વતંત્ર થયું. પછીથી તેને માલાબો નામ અપાયેલું છે. 1992 મુજબ તેની વસ્તી 35,000 જેટલી છે.
ગિરીશભાઈ પંડ્યા