માલવિયા, કે. ડી. (જ. 1894, અલ્લાહાબાદ; અ. 22 ઑગસ્ટ 1944, અલ્લાહાબાદ) : સ્વાતંત્ર્યસેનાની, સ્વાતંત્ર્ય પૂર્વે ઉત્તર પ્રદેશના અગ્રણી કૉંગ્રેસ નેતા, જહાલ વક્તા તથા રાષ્ટ્રવાદી પત્રકાર. આખું નામ કપિલદેવ માલવિયા. પિતા સુખદેવ સોનીનો વ્યવસાય કરતા હતા. માતાનું નામ ઠાકુરદેવી હતું. તેમનું બી. એ. અને એલએલ. બી. સુધીનું સમગ્ર શિક્ષણ અલ્લાહાબાદમાં થયું. નાનપણથી લશ્કરમાં દાખલ થવાની આકાંક્ષા હતી, પરંતુ દહેરાદૂન ખાતે યોજાયેલ ભરતી-મેળામાં પસંદગી પામ્યા નહિ. તેથી 1915માં રાષ્ટ્રીય કૉંગ્રેસમાં જોડાયા. 1916માં અલ્લાહાબાદ અને આસપાસનાં નગરોમાં મહાત્મા ગાંધીની જાહેર સભાઓના આયોજનમાં અગ્રણી ભૂમિકા ભજવી. પંડિત મોતીલાલ નહેરુ અને ઍની બેસંટથી તેઓ ખૂબ પ્રભાવિત થયા. તેઓ થિયોસૉફિકલ સોસાયટીમાં જોડાયા તથા પંડિત મોતીલાલ નહેરુના સ્વરાજ્ય-પક્ષના સક્રિય કાર્યકર બન્યા. સ્થાનિક સ્વરાજ્યની ચળવળમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી. ‘મર્યાદા’ તથા ‘અભ્યુદય’ – આ બે હિંદી સામયિકોમાં રાષ્ટ્રવાદી વિચારસરણીથી ભરપૂર લેખો તેઓ લખતા રહ્યા. 1919માં ‘રોલૅટ ઍક્ટ’ વિરુદ્ધની ઝુંબેશમાં પણ તેઓ અગ્રણી રહ્યા. જલિયાંવાલા બાગના હત્યાકાંડ પછી હિંદીમાં ‘પંજાબરહસ્ય’ અને અંગ્રેજીમાં ‘ઓપન રિબેલિયન ઇન ધ પંજાબ’ – એ બે પુસ્તકો પ્રકાશિત કર્યાં (1919), જેમાં બ્રિટિશ શાસનની નિર્મમતા અને ક્રૂરતા પર પ્રકાશ પાડ્યો. અસહકારિતાની ચળવળમાં ભાગ લેવા બદલ 1921માં તેમણે કારાવાસની નવ માસની કઠોર સજા ભોગવી.
તેઓ 1915માં કૉંગ્રેસમાં જોડાયા ત્યારથી તેના પૂર્ણ સમયના કાર્યકર બન્યા, જેના પેટે તેમને માસિક રૂા. 100નું માનાર્હ વેતન અપાતું હતું. આ બાબતને લઈને 1924માં જાહેર વિવાદ જાગ્યો, જેને કારણે તેમણે ત્યારથી સક્રિય રાજકારણમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને અલ્લાહાબાદમાં વકીલાત શરૂ કરી. ટૂંકસમયમાં આ વ્યવસાયમાં તેમની નામના વધી, જેને લીધે પંડિત મોતીલાલ નહેરુ અને સર તેજબહાદુર સપ્રુ જેવા તે જમાનાના અગ્રણી વકીલો તેમને મહત્વના કેસો આપવા લાગ્યા. 1925–27 દરમિયાન બચાવ પક્ષના વકીલ તરીકે તેમણે કાકોરી કાવતરા કેસના આરોપીઓની તરફેણમાં ન્યાયાલયમાં યશસ્વી રજૂઆત કરી. 1928–29 દરમિયાન અલ્લાહાબાદમાં ફાટી નીકળેલ કોમી રમખાણોની તપાસ કરવા માટે ઉત્તર પ્રદેશ કૉંગ્રેસ સમિતિએ જે તપાસસમિતિ નીમી હતી તેના તેઓ પ્રમુખ નિમાયા હતા. સમયાન્તરે તેમની અલ્લાહાબાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખપદે વરણી થઈ અને આ પદ પરની તેમની કામગીરી પ્રશંસાને પાત્ર ઠરી.
તેઓ નાતજાતમાં માનતા ન હતા, અંધશ્રદ્ધા પર આધારિત પરંપરાઓ અને રીતિરિવાજોનો તેઓ વિરોધ કરતા હતા. સમાજસુધારણાના હિમાયતી હતા. તેઓ પછાત કોમોનાં બાળકો માટે શહેરમાં રાત્રિશાળાઓ ચલાવતા હતા. તેમનાં સંતાનોના લગ્નસંબંધો તેમણે જ્ઞાતિ બહાર બાંધતાં જ્ઞાતિએ તેમને જ્ઞાતિબહાર કર્યા હતા.
કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ ખાતાના ભૂતપૂર્વ પ્રધાન કેશવદેવ માલવિયાના તેઓ મોટા ભાઈ હતા.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે