માલતી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા એપોસાયનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Echitis caryophyllata syn. Aganosma caryophyllata G. Don છે. તે વેલ સ્વરૂપે થાય છે, પરંતુ તેનું જરા વધારે કૃંતન (pruning) કરવાથી તેને છોડ તરીકે પણ ઉછેરી શકાય છે. પર્ણો મોટાં, લંબગોળ અને થોડી અણીવાળાં હોય છે. પુષ્પો સફેદ રંગનાં, તારા આકારનાં અને અત્યંત સુગંધિત (સુગંધ કંઈક અંશે લવિંગની સુગંધ સાથે સામ્ય દર્શાવે છે) હોય છે. પુષ્પો ચોમાસામાં ઝૂમખામાં બેસે છે. આ વેલ કોઈ પણ આધાર ઉપર ચડી જાય છે અને ઝડપથી વૃદ્ધિ પામે છે.
E. rubro venosa નામની જાતિનાં પર્ણો ઘેરો ગુલાબી રંગ ધરાવે છે. તેની શિરાઓ અને પર્ણદંડ આછા ગુલાબી રંગનાં હોય છે. પર્ણોના રંગને લીધે આ વેલ ખૂબ આકર્ષક લાગે છે. E. caryophyllata કરતાં તેનાં પર્ણો સહેજ મોટાં હોય છે અને પુષ્પો તેની સાથે સામ્ય દર્શાવે છે.
બંને જાતિઓનું પ્રસર્જન દાબકલમ અને કટકારોપણ દ્વારા થાય છે. તે કાયમ લીલીછમ રહે છે અને તેના ઉછેરમાં સામાન્ય ખાતર-પાણી પૂરતાં થઈ પડે છે. તે શોભન-વનસ્પતિ તરીકે ઉદ્યાનોમાં વવાય છે.
આયુર્વેદ અનુસાર તે કફ, પિત્ત, મુખરોગ, વ્રણ, કુષ્ઠ, કૃમિ અને વહેતા કાનના દર્દને મટાડનાર છે. તેની જડ જંગમ વિષનાશક અને વમનકારક છે. તેનાં પુષ્પ નેત્રને હિતકારી છે. તેનાં પર્ણો કફ અને પિત્તનાશક છે.
મ. ઝ. શાહ