માર્ટિનિક : પૂર્વ કૅરિબિયન સમુદ્રમાં આવેલા વેસ્ટ ઇન્ડિઝના ભાગરૂપ લઘુ ઍન્ટિલ્સ (Lesser Antilles) ટાપુજૂથની વિન્ડવર્ડ દ્વીપશૃંખલાનો ઉત્તરનો ટાપુ. ભૌગોલિક સ્થાન : 14° 40´ ઉ. અ. અને 60° 50´ પ. રે.ની આજુબાજુનો વિસ્તાર તે આવરી લે છે. આજે તે રાજ્ય સમાન દરજ્જો ધરાવતું ફ્રાન્સનું સંસ્થાન છે. આ ટાપુ ઉત્તર-દક્ષિણ 80 કિમી. લાંબો તથા પૂર્વ-પશ્ચિમ 35 કિમી. પહોળો છે, તેમજ તે લગભગ 1,128 ચોકિમી.નું ક્ષેત્રફળ ધરાવે છે.
ભૂપૃષ્ઠ અને જળપરિવાહ : સરેરાશ 900 મીટર ઊંચું ડુંગરાળ ભૂપૃષ્ઠ ધરાવતા આ ટાપુ પર મુખ્યત્વે જ્વાળામુખી ખડક-બંધારણ ધરાવતા પર્વતો પથરાયેલા છે. આમ તેની ભૂસ્તરીય રચનામાં જ્વાળામુખી-પ્રક્રિયાએ ઘણો મહત્વનો ભાગ ભજવ્યો છે. તેનું સર્વોચ્ચ શિખર માઉન્ટ પેલી (Mt. Pelee, 1397 મી.) છે. તે એક સક્રિય જ્વાળામુખી છે. તે જ્વાળામુખી ઈ. સ. 1902માં અચાનક વિસ્ફોટ પામતાં તેમાંથી નીકળેલા ગરમ લાવા નીચે સેન્ટ પિયરી (Saint Pierre) નામનું શહેર દટાઈ ગયું હતું અને આશરે 40,000 લોકો મૃત્યુ પામ્યા હતા. માત્ર એક જ વ્યક્તિ ત્યારે બચી જવા પામેલી !
મધ્ય નૈર્ઋત્યમાં લેઝાર્ડ (Lezarde) નદીએ સપાટ મેદાનની રચના કરી છે. તે ‘લૅમેન્ટિનના મેદાન’ (Lamentin Plain) તરીકે ઓળખાય છે. આ સિવાય આ ટાપુના કિનારે સાંકડાં મેદાનો પથરાયેલાં છે. આ ટાપુ પર બીજી નાની નાની અનેક નદીઓ છે. આ પૈકીની થોડીક નદીઓ જળપરિવહનની ર્દષ્ટિએ અગત્યની છે.
આબોહવા અને કુદરતી વનસ્પતિ : આ ટાપુ ઉષ્ણકટિબંધીય ગરમ આબોહવા ધરાવતા અક્ષાંશોમાં આવેલો છે; પણ સમુદ્રની અસરને લીધે અહીંની આબોહવા નરમ છે. અહીંનું સરેરાશ વાર્ષિક તાપમાન 26° સે. રહે છે. ખાસ કરીને ઈશાનકોણીય વ્યાપારી પવનોથી તેના ઉત્તરીય ઊંચા ડુંગરાળ ભાગો 4,000થી 5,000 મિમી. જેટલો વરસાદ મેળવે છે, પણ દક્ષિણ તરફ જતાં વરસાદનું પ્રમાણ ઘટીને 1,000 મિમી. જેટલું થઈ જાય છે. વળી ઑગસ્ટથી ઑક્ટોબર દરમિયાન વાતો વંટોળ (hurricane) આ ટાપુ પર ભારે નુકસાન પહોંચાડે છે.
લાવાની ફળદ્રૂપ જમીનો અને ભારે વરસાદને લીધે અહીંનું વનસ્પતિજીવન અત્યંત સમૃદ્ધ છે. ટાપુના ભાગમાં જંગલો છવાયેલાં છે. દક્ષિણના દરિયાકાંઠે ગીચ ચેર(mangrove)નાં વૃક્ષો પથરાયેલાં જોવા મળે છે, જ્યારે ડુંગરાળ ઢોળાવો ઉષ્ણકટિબંધીય વર્ષા-જંગલોથી આચ્છાદિત છે. અહીંનાં વનોમાં મુખ્યત્વે તાડ, રોઝવુડ, લૉગવુડ, મૅહોગની, બ્રેડફ્રૂટ (breadfruit), ઑલિન્ડર (olidner), ફર્ન (fern) વગેરે વૃક્ષો અને ઑર્કિડ્ઝ (orchids) ફૂલો જોવા મળે છે. મર્યાદિત વન્ય જીવોમાં સસલાં, કબૂતર, નોળિયા, કાચિંડા વગેરેનો સમાવેશ થાય છે. જંગલોમાં વ્યાપારી ધોરણે લાકડાં મેળવવાની પ્રવૃત્તિ થાય છે. અહીંના દરિયામાંથી માછલાં તથા મીઠા જળમાં થતા સોનૈયા (prawns) પકડવામાં આવે છે. સ્થાનિક લોકો તેનો ખાવામાં ઉપયોગ કરે છે.
અર્થતંત્ર : આ ટાપુમાં બજારલક્ષી અર્થતંત્રનો વિકાસ થયો છે. તે મુખ્યત્વે ખેતપેદાશો અને પ્રવાસન-પ્રવૃત્તિ પર અવલંબિત છે. અહીં ખેતપેદાશો પર આધારિત ઉદ્યોગો (agro-industries) વિકાસ પામ્યા છે; ખાસ કરીને કેળાં, અનેનાસ અને બીજાં ઉષ્ણકટિબંધીય ફળોની ખેતી અને નિકાસ અગત્ય ધરાવે છે. વળી શેરડી, કૉફી, કોકો વગેરે વ્યાપારી પાકો પણ ઉગાડવામાં આવે છે. શેરડીમાંથી રમ (rum) તથા ખાંડ બને છે. રમ અહીં બીજા ક્રમે આવતી નિકાસની ચીજ છે. રતાળુ (yams) અને કસાવા (cassava) – આ બંને કંદમૂળના પાકો છે, જેનો અહીંના લોકો મુખ્ય ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ઈ. સ. 1980ના ચક્રવાત(hurricane)થી અહીંની કેળાંની બાગાયતોને ભારે નુકસાન થયું હતું.
ખુશનુમા આબોહવા ધરાવતો તથા લીલી વનરાજિથી ભરપૂર રમણીય ર્દશ્યોથી છવાયેલો આ ટાપુ સૃષ્ટિ-સૌંદર્યથી સમૃદ્ધ છે અને તેથી તે પર્યટકોને માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેલો છે.
આ ટાપુ પર સડકમાર્ગોનું પ્રમાણ સારું છે. વળી તે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પણ ધરાવે છે. અહીં મુખ્યત્વે ફ્રાન્સ, યુ.એસ. અને કૅનેડાના પ્રવાસીઓને જહાજમાં લાવવાનો વ્યવસાય (cruiseship business) ચાલે છે. આમ પ્રવાસન-ઉદ્યોગમાંથી અનેક લોકોને રોજી મળે છે.
આ ટાપુ મુખ્યત્વે ફ્રાન્સ સાથે વ્યાપારી સંબંધો ધરાવે છે અને તેની ભાગની નિકાસો ફ્રાન્સ માટેની હોય છે. ફ્રાન્સની આર્થિક સહાયથી અહીં ખાસ કરીને ખાદ્ય પદાર્થોનું પ્રક્રમણ કરવું, રમ (દારૂ) ગાળવો, સ્થાનિક બજાર માટે વપરાશી માલનું ઉત્પાદન કરવું વગેરે જેવી હળવી ઔદ્યોગિક પ્રવૃત્તિઓ વિકાસ પામી છે. વળી કાચા ખનિજતેલની આયાત કરીને તેનું શુદ્ધીકરણ કરવા માટે રિફાઇનરી પણ અહીં સ્થાપવામાં આવી છે.
વસ્તી અને વસાહતો : આ ટાપુમાં મિશ્રજાતિના આશરે 3,69,000 (1992) લોકો વસવાટ કરે છે. તેમાં મ્યુલૅટ્ટો (Mulatto) જાતિના લોકોનું પ્રમાણ વધારે છે. પાટનગર ફૉર્ટ-દ-ફ્રાન્સ (Fort-de-France) (1,00,000 વસ્તી) આ ટાપુના પશ્ચિમના રક્ષિત કિનારા પર આવેલું બંદર છે. વળી લે મોર્ન રોગ (Le Morne Rouge), સેન્ટ પિયરી (St. Pierre), ગ્રૉસ-મોર્ન (Gros-Morne), સેન્ટ જોસેફ (St. Joseph), લા ટ્રિનિટે (La Trinite´), સેન્ટ મેરી (Sainte-Marie), લે રૉબર્ટ (Le Robert), લે મૅરિન (Le Marin) વગેરે અન્ય વસાહતો છે. આ ટાપુની સત્તાવાર ભાષા ફ્રેન્ચ છે, આમ છતાં સ્થાનિક લોકો બહોળા પ્રમાણમાં ક્રેયોલ (Creole) ભાષા બોલે છે. આ ટાપુ પર ઉત્તમ પ્રકારની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તેમજ હૉસ્પિટલો છે. વળી તેના ઊંચા ડુંગરાળ ભાગોમાં કેટલાંક સ્વાસ્થ્યકેન્દ્રો પણ સ્થાપવામાં આવ્યાં છે.
ઐતિહાસિક ભૂમિકા : ઈ. સ. 1502માં કોલંબસે નવી દુનિયાની તેની ચોથી સફર ખેડી, ત્યારે આ ટાપુ પર કૅરિબ (Carib) ઇન્ડિયનોને વસેલા જોવા મળ્યા હતા. ઈ. સ. 1635માં પિયરી બેલેઇન દ એસ્નામ્બુક (Pierre Belain d’Esnambuc) નામની ફ્રેન્ચ વ્યક્તિએ અહીં વસાહત (colony) સ્થાપી. તેણે ફૉર્ટ-દ-ફ્રાન્સના સ્થળને પાટનગર બનાવેલું. ઈ. સ. 1674થી આ ટાપુ ફ્રાન્સની સત્તા નીચે આવ્યો, પણ ત્યારપછી ઈ. સ. 1762માં તે એક વર્ષ સુધી બ્રિટિશ હકૂમત નીચે રહ્યો. વળી ફરીથી બે વાર નેપોલિયનના યુદ્ધ-સમયે (ઈ. સ. 1794થી 1802 અને 1809થી 1814 સુધી) તે બ્રિટન હસ્તક આવ્યો. નેપોલિયનની પ્રથમ પત્ની મહારાણી જોસેફાઇનનો જન્મ માર્ટિનિકના ત્રોઇસ-લેત્સ ખાતે થયેલો. ઈ. સ. 1848માં ગુલામીપ્રથા નાબૂદ થતાં અહીંના આશરે 74,000 ગુલામોએ સ્વાતંત્ર્ય મેળવ્યું હતું.
બીજા વિશ્વયુદ્ધ પછી આ ટાપુને ફ્રાન્સનું દરિયાપારનું સંસ્થાન બનાવવામાં આવ્યું. 1958માં માર્ટિનિકની પ્રજાએ દરિયાપારના સંસ્થાન તરીકે તેને રહેવા દેવાનું સ્વીકાર્યું છે. અહીંની પ્રજા તેમના ત્રણ પ્રતિનિધિઓને ફ્રેન્ચ નૅશનલ એસેમ્બ્લીમાં મોકલે છે. ફ્રાન્સના અન્ય વહીવટી વિભાગોની જેમ જ અહીં પણ લોકો દ્વારા ચૂંટાયેલી જનરલ કાઉન્સિલ દ્વારા વહીવટ ચાલે છે. આ ટાપુ પરના લોકોની બેરોજગારી તથા અતિવસ્તીની સમસ્યાના નિવારણ માટે ફ્રેન્ચ સરકારે જરૂરી પગલાં લીધાં છે. હવે અહીંના સ્થાનિક લોકો અને સામ્યવાદીઓ આ ટાપુના સ્વાતંત્ર્ય માટે પ્રયત્ન કરી રહ્યા છે.
બીજલ પરમાર