માર્ક, ફ્રાન્ઝ (જ. 8 ફેબ્રુઆરી 1880, મ્યૂનિક, જર્મની; અ. 1916, વેર્ડુમ) : પશુપંખીઓનાં ચિત્રો ચીતરનાર અભિવ્યક્તિવાદી જર્મન ચિત્રકાર. પિતા વિલ્હેમ માર્ક પણ ચિત્રકાર હતા. 1898માં 17 વરસની ઉંમરે ફિલસૂફીનો અભ્યાસ કરવા માટે મ્યૂનિક યુનિવર્સિટીમાં જોડાયા. 2 વરસના અભ્યાસ બાદ એક વરસ લશ્કરમાં સેવા આપી. 1901માં તેઓ મ્યૂનિકની એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટમાં ચિત્રકલાના અભ્યાસ માટે જોડાયા. 1902માં પૅરિસની મુલાકાત દરમિયાન મોને, માને અને અન્ય પ્રભાવવાદી ચિત્રકારોનાં ચિત્રોનો પ્રભાવ ઝીલ્યો અને જાપાની કાષ્ઠછાપચિત્રો (woodcut prints) એકઠાં કર્યાં; આને પરિણામે માર્કનાં તે પછીનાં ચિત્રોમાં આછા અને ઊઘડતા રંગોનો ઝોક વધ્યો; તેમ છતાં પ્રભાવવાદથી ઊલટું, માર્કે રંગ-વિભાજન(splitting up)ની પ્રક્રિયા અજમાવી નહિ અને સપાટ રંગલેખન દ્વારા દ્વિપરિમાણી અસર ઉદભવે એ રીતે પ્રાણીઓનાં સાદાં સ્વરૂપો ચીતરવા માંડ્યાં. 1907માં પૅરિસની બીજી મુલાકાત દરમિયાન ગોગાં અને વાન ગોઘનાં ચિત્રોનો પરિચય કેળવ્યો અને તેની અસર રૂપે તે પછી તેમના તુલિકાસંચાલનમાં ગતિશીલતા, લય અને તણાવ પ્રવેશ્યાં. 1908 પછીનાં માર્કનાં ચિત્રોમાં પ્રાણીઓ મુખ્ય વિષય બની રહ્યાં. માનવ-આકૃતિઓ સદંતર અર્દશ્ય થઈ ગઈ. નિસર્ગ-ચિત્રણ પણ પ્રાણીઓની પૃષ્ઠભૂમિકારૂપે જ ચાલુ રહ્યું. આ માટે માર્કે ખુલાસો કરેલ કે મનુષ્યમાત્ર ભ્રષ્ટ અને ઈશ્વરવિમુખ (ungodly) છે. પ્રાણીઓ શુદ્ધ, સાત્વિક અને સુંદર છે; મનુષ્યમાં આ તત્વોનો અભાવ છે. આ જ્ઞાન માર્કને પ્રેરણા દ્વારા લાધેલું.
1909માં માર્ક મ્યૂનિક છોડી બેવેરિયાના સિન્ડેલ્સ્ડોર્ફ નગરમાં જઈ વસ્યા. માણસોના અતિશય પગપેસારાથી ઊગરી જવાથી સુરક્ષિત રીતે સુંદર રહેલી ત્યાંની પ્રકૃતિને પોતાની ચિત્રકલામાં રજૂ કરવાની તેમની નેમ હતી. 1910માં તેમની મુલાકાત અગત્યના એક અન્ય અભિવ્યક્તિવાદી જર્મન ચિત્રકાર ઑગસ્ટ માકે સાથે થઈ અને ટૂંકા ગાળામાં જ તેમની સાથે ગાઢ મૈત્રી બંધાઈ. 1911માં તેઓ જર્મન અભિવ્યક્તિવાદી ચિત્રકારોના જૂથ ‘દર બ્લો રાઇટર’ના સભ્ય બન્યા અને વાસિલી કેન્ડિસ્કી સાથે તે જૂથના મુખપત્રના સહ-સંપાદનની જવાબદારી સંભાળી. એ જ વર્ષે તેઓ ન્યૂ આર્ટિસ્ટ્સ એસોસિયેશન ઑવ્ મ્યૂનિકના સભ્ય પણ બન્યા અને માકે સાથે બર્લિનની મુલાકાત લીધી અને ધનાઢ્ય ઉદ્યોગપતિ કોહલરને મળ્યા. કોહલરે તેમને 200 માર્ક આપ્યા અને બદલામાં તે પછીનાં વરસમાં થનારા ચિત્રસર્જનનો અડધો ભાગ માંગ્યો. પહેલી વાર માર્કને પોતાની કલાના પુરસ્કર્તા મળ્યા. વિખ્યાત અભિવ્યક્તિવાદી ચિત્રકાર કેન્ડિન્સ્કી સાથેની માર્કની વધતી જતી મૈત્રી ઘણી ફળદાયી નીવડી. કેન્ડિન્સ્કીની અસર નીચે માર્કે ચિત્રોમાં પ્રાણીઓને વધુ સરળ સ્વરૂપ આપ્યું. રેખાઓ ઓછી કરી તથા પ્રાણી અને પશ્ચાદભૂમિના રૂઢ નિસર્ગને રૂઢ શૈલીમાં આલેખી તેમનાં પ્રાસંગિક અને વ્યક્તિગત લક્ષણોનો લોપ કર્યો. રંગોનાં પ્રતીકાત્મક સૂચનો અંગે તેમણે વ્યક્તિગત સિદ્ધાંત તારવી કાઢ્યા. 1912માં માકે સાથે માર્કે પૅરિસની મુલાકાત લીધી અને દરીં વ્લૅમિન્ક તથા દલોનેનાં ચિત્રોથી પ્રભાવિત થયા. એ કલાકારોનાં ચિત્રોમાં જોવા મળતી રંગોની શુદ્ધતા તથા પરસ્પરવિરોધી પ્રકૃતિના રંગોની સહોપસ્થિતિ જેવી લાક્ષણિકતા માર્કની ચિત્રશૈલીમાં પણ પ્રવેશી. 1913 પછીનાં ચિત્રોમાં અર્ધઅમૂર્ત (semi-abstract) આલેખન તરફ તેમનો ઝોક જોવા મળે છે.
1914માં પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં માર્ક સ્વેચ્છાએ ભારે ઉત્સાહ સાથે લશ્કરમાં જોડાયા. માર્કની માન્યતા અનુસાર એ યુદ્ધ ભ્રષ્ટ દુનિયાની શુદ્ધિ માટે અતિઆવશ્યક હતું. 2 વરસ પછી 1916માં યુદ્ધ લડતાં લડતાં રણમોરચે તેઓ બેર્ડુમ નજીક મૃત્યુ પામ્યા. તેમનું અત્યંત પ્રખ્યાત ચિત્ર ‘અવર ઑવ્ ધ, બ્લૂ હૉર્સિઝ’ (1911) જોશીલા રંગોમાં આલેખાયેલું છે અને તે મિનેએપોલિસના વૉકર આર્ટ સેન્ટરમાં પ્રદર્શિત છે.
અમિતાભ મડિયા