માર્કોની, ગુલ્યેલ્મૉ (જ. 1874, બોલોન્યા, ઇટાલી; અ. 1937) : પ્રસિદ્ધ ઇટાલિયન સંશોધક, વિજ્ઞાની અને ઇલેક્ટ્રિકલ ઇજનેર. તેણે જગતને બિનતારી (wireless) સંચારની અણમોલ ભેટ આપી છે.
માર્કોની વિદ્યાર્થી-અવસ્થાથી જ જિજ્ઞાસુ હતા. જોકે તેઓ બોલોન્યા યુનિવર્સિટીની પ્રવેશ-પરીક્ષામાં નિષ્ફળ ગયેલા. ત્યારપછી તેમણે જાતે વૈજ્ઞાનિક અભ્યાસ આગળ ધપાવ્યો. ઓગણીસમી સદીના એક ભૌતિકવિજ્ઞાની હાન્રિખ હર્ટ્ઝ(Hertz)ની વિદ્યુતચુંબકીય તરંગો વિશેની શોધખોળોમાં માર્કોનીને ખૂબ રસ પડ્યો અને 1894થી તેમણે આ ક્ષેત્રનો પ્રાયોગિક અભ્યાસ શરૂ કર્યો. તેમના પ્રારંભના પ્રયોગો પોતાના ઘરની નજીકમાં રેડિયો-તરંગો મોકલવા પૂરતા મર્યાદિત હતા.
ઇટાલિયન સરકારે આ યુવાન વિજ્ઞાનીના પ્રયોગોમાં રસ દાખવ્યો નહિ, એટલે માર્કોની ઇંગ્લૅન્ડ ગયા અને ત્યાં બિનતારી ટેલિગ્રાફી માટેનું મંજૂરીપત્ર (લાઇસન્સ) મેળવ્યું. આર્થિક મદદ મળતાં તેમણે આ અંગે એક લિમિટેડ કંપનીની સ્થાપના કરી. માર્કોનીએ કરેલી શોધખોળ પહેલાં ટેલિગ્રાફના સંદેશાઓ વાહક તાર દ્વારા જ મોકલી શકાતા હતા. માર્કોનીની પદ્ધતિ બિનતારી (wireless) હતી. 1899માં બ્રિટિશ યુદ્ધજહાજોએ આ બિનતારી ટેલિગ્રાફીનો ઉપયોગ શરૂ કર્યો. ડિસેમ્બર 1901માં માર્કોનીએ એક ઇતિહાસ સર્જ્યો, જ્યારે તેઓ સૌપ્રથમ વાર આટલાન્ટિક મહાસાગરને પેલે પાર વાયરલેસ સંદેશાવ્યવહાર સ્થાપવામાં સફળ થયા. આમ ખૂબ દૂરનાં અંતરોએ મૉર્સ-કોડ(Morse code)ની મદદથી બિનતારી ટેલિગ્રાફીનો ઉપયોગ શરૂ થયો. આ એક અગત્યનું ટૅકનૉલૉજિકલ આગેકદમ હતું. માર્કોનીની બિનતારી ટેલિગ્રાફીએ મધદરિયે ડૂબતાં જહાજોમાંથી જીવન બચાવવામાં પણ ખૂબ મદદ કરી.
ગુલ્યેલ્મૉ માર્કોનીએ 1909માં અન્ય એક વિજ્ઞાની કાર્લ ફર્ડિનાન્ડ બ્રાઉન સાથે ભાગીદારીમાં જગપ્રસિદ્ધ નોબેલ પારિતોષિક પ્રાપ્ત કર્યું. તેમના પ્રારંભના પ્રયોગો રેડિયો-તરંગો પર આધારિત હતા, જે અંગે શક્તિશાળી ટ્રાન્સમિટરો પણ તેમણે બનાવેલાં; પરંતુ 1920 બાદ માર્કોનીએ ટૂંકા રેડિયો-તરંગો અને સૂક્ષ્મ તરંગો (microwaves) પર ધ્યાન કેન્દ્રિત કર્યું. માર્કોની અને કાર્યકરોએ સૌપ્રથમ વાર 1932માં માઇક્રોવેવ ટેલિફોન ટાવર બાંધ્યું હતું. તેમને નોબેલ પારિતોષિક બાદ અન્ય સન્માન પણ પ્રાપ્ત થયાં હતાં. જોકે માર્કોનીને ‘બિનતારી સંચારના પિતા’ ગણવામાં આવે છે, પરંતુ તેમના જ સમય દરમિયાન ભારતમાં જગદીશચન્દ્ર બોઝે રેડિયો ટ્રાન્સમિટર અને રિસીવરનો વિકાસ કર્યો હતો, તે ભુલાવું જોઈએ નહિ. આજના યુગમાં વિશ્વવ્યાપી ધોરણે ‘HAM radio’ નામે ઓળખાતી સંદેશાવ્યવહાર પદ્ધતિ પ્રચલિત છે. ‘HAM’ શબ્દ હર્ટ્ઝ, આર્મસ્ટ્રૉંગ અને માર્કોનીના પ્રથમ અક્ષરો લઈને બનાવવામાં આવેલો છે.
કમલનયન ન. જોશીપુરા