મારુતિ, ભુજંગરાવ ચિતમપલ્લી

July, 2025

મારુતિ, ભુજંગરાવ ચિતમપલ્લી (જ. 5 નવેમ્બર 1932, સોલાપુર) : ‘અરણ્યઋષિ’ તરીકે જાણીતા પ્રકૃતિ અને વન્યજીવરક્ષણ માટે કાર્યરત મરાઠી લેખક.

તેમનું પ્રારંભિક શિક્ષણ ટી. એમ. પોર સ્કૂલ અને નૉર્થકોટ ટૅકનિકલ હાઈસ્કૂલ, સોલાપુરમાં થયું. ત્યાંની દયાનંદ કૉલેજમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું. 1958માં કોઇમ્બતૂરની સ્ટેટ ફૉરેસ્ટ સર્વિસ કૉલેજમાં દાખલ થયા અને 1960માં સ્નાતક થયા. એ  પછી તેઓ મહારાષ્ટ્ર રાજ્ય વનવિભાગમાં જોડાયા. 1990માં નિવૃત્તિ સમયે તેઓ ડેપ્યુટી ચીફ ફૉરેસ્ટ કન્ઝર્વેટરના પદે હતા. નોકરીનાં અંતે પછીનાં એમ 65 વર્ષ તેમણે જંગલમાં વિતાવ્યાં છે.

ભુજંગરાવ ચિતમપલ્લી મારુતિ

વિદર્ભનાં જંગલો અને તેમાં વસતા વન્યજીવો તેમના કાર્ય માટે પ્રેરણા બન્યા હતા. તેમણે કર્નાલા પક્ષી અભયારણ્ય, નવેગાંવ રાષ્ટ્રીય ઉદ્યાન અને નાગજીરા વન્યજીવ અભયારણ્ય વગેરે અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોના વિકાસ માટે આપણું વહીવટી યોગદાન નોંધપાત્ર બની રહ્યું. તેમણે રાજ્ય વન્યજીવન સંરક્ષણ સલાહકાર સમિતિ અને મરાઠી અભ્યાસક્રમ સમિતિ(ઔરંગાબાદ)ના સભ્ય તરીકે સેવા આપી હતી. તેઓ મહારાષ્ટ્ર પ્રવાસન વિકાસ નિગમના ડિરેક્ટર પણ હતા. તેઓ સોલાપુરમાં આયોજિત 83મા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનના પ્રમુખ હતા.

પ્રકૃતિ અને વન્યજીવોના સંપર્કથી તેમના પ્રત્યે પ્રેમ વધ્યો. એમણે સમાજમાં જનજાગરણનું કાર્ય કર્યું. એમણે આદિવાસી સમુદાયોમાંથી શબ્દો મેળવી આ શબ્દોનો મરાઠી ભાષામાં સમાવેશ કર્યો. આથી મરાઠી શબ્દભંડોળ વધુ સમૃદ્ધ બન્યું. એમણે અંગ્રેજી શબ્દ ‘રુકરી’ (કાગડાઓની વસાહત) માટે ‘કાકાગર’ શબ્દ આપ્યો અને ‘હેરોનરી’ (બગલા અને સારસો માટે સંવનનસ્થળ) માટે ‘સારંગાગર’ શબ્દ આપ્યો. ‘રોસ્ટિંગ પ્લેસ’ માટે મરાઠીમાં ‘રાતનિવારા’ શબ્દ પ્રયોજ્યો. લૅન્યના કૈમારા છોડ માટે ‘રાયુમિનયા’ અને ગોલ્ડન શાવર ટ્રી માટે ‘અમલતાશ’ શબ્દ બનાવ્યા. આ ઉપરાંત એમણે આદિવાસી સંસ્કૃતિ, પ્રકૃતિનાં રહસ્યો અને વન્યજીવોના જીવન અંગે દસ્તાવેજીકરણ કર્યું. તેમણે મરાઠી ભાષામાં વૈજ્ઞાનિક શબ્દાવલીનો વિસ્તાર કર્યો. તેમણે આપેલા પક્ષીઓ, પ્રાણીઓ અને વૃક્ષો અંગેના કોશો આજે અનિવાર્ય સંદર્ભો બન્યા છે. તેમના પ્રયત્નોથી મહારાષ્ટ્ર સરકારે સત્તાવાર રીતે ‘પક્ષી સપ્તાહ’ને રાજ્ય કાર્યક્રમ તરીકે જાહેર કર્યો છે.

એમણે 84 વર્ષની ઉંમરે કાલિદાસ સંસ્કૃત યુનિવર્સિટી, રામટેકમાં પર્યાવરણ અંગેનો પ્રમાણપત્ર કોર્સ પૂર્ણ કર્યો. તેમણે સંસ્કૃત સાહિત્યનું અધ્યયન કર્યું. તેઓ જર્મન અને રશિયન ભાષા પણ શીખ્યા છે.

એમણે વન્યજીવ, વન અને વનીકરણ વિશે મરાઠી ભાષામાં 18થી વધારે પુસ્તકો લખ્યાં છે, જેમાં ‘પક્ષી જાય દિગંતરા’ બેસ્ટ સેલર બન્યું હતું. ‘જંગલાચી દુનિયા’, ‘ચકવચંદન’, ‘નીલવંતી’, ‘રણવતા’ તેમનાં જાણીતાં પુસ્તકો છે.

તેમણે આપેલ પર્યાવરણીય અને સાહિત્યિક પ્રદાન માટે તેમને ઘણા પ્રતિષ્ઠિત પુરસ્કારો પ્રાપ્ત થયા છે. તેમના ‘રાનવાટા’ પુસ્તકે મહારાષ્ટ્ર રાજ્ય સાહિત્ય પુરસ્કાર, ભૈરુ રતન દમાણી સાહિત્ય પુરસ્કાર તેમજ મૃણ્મયી સાહિત્ય પુરસ્કાર મળ્યા છે. ‘જંગલાચં દેણં’ને મહારાષ્ટ્ર રાજ્ય સાહિત્ય પુરસ્કાર અને વિદર્ભ સાહિત્યસંઘ પુરસ્કાર મળ્યા છે. ‘રાતવા’ પુસ્તકને મહારાષ્ટ્ર રાજ્ય સાહિત્ય પુરસ્કાર પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત તેમને વિંદા કરંદીકર લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ (2016), ફી ફાઉન્ડેશન પુરસ્કાર (1991), અખિલ ભારતીય મરાઠી વિજ્ઞાન પરિષદ સન્માન (1996), મહારાષ્ટ્ર ફાઉન્ડેશનનો ગૌરવ પુરસ્કાર (2003), વેણુ મેનન લાઇફટાઇમ એચીવમેન્ટ પુરસ્કાર (2007), નાગભૂષણ પુરસ્કાર (2008), વસુંધરા સન્માન (2009) અને ભારતીય વિદ્યાપીઠ જીવનસાધના પુરસ્કાર(2013)થી સન્માનિત કરવામાં આવ્યા છે. ભારત સરકાર દ્વારા 2025માં તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. પુણેમાં આવેલી એડ-વૅન્ચર ફાઉન્ડેશને 2006થી મારુતિ ચિતમપલ્લીના નામે ‘નિસર્ગ મિત્ર ઍવૉર્ડ’ શરૂ કર્યો છે.

અનિલ રાવલ