મારિન, જૉન (જ. 23 ડિસેમ્બર 1870, ન્યૂ જર્સી, અમેરિકા; અ. 2 ઑક્ટોબર 1953, મેઇન, અમેરિકા) : મૅનહૅટન અને મેઇન(Maine)ના વિસ્તારને નિરૂપતાં અભિવ્યક્તિવાદી જળરંગી ચિત્રો માટે જાણીતો અમેરિકન ચિત્રકાર અને છાપચિત્રકાર (print-maker). તેણે થોડો સમય ડ્રાફ્ટ્સમૅનશિપ કર્યા પછી ફિલાડેલ્ફિયામાં પેન્સિલ્વેનિયા એકૅડેમીમાં ચિત્રકલાનો અભ્યાસ કર્યો. આ પછી 1905માં તેણે યુરોપયાત્રા કરી. 1910માં ન્યૂયૉર્ક પાછા ફરી ઘનવાદ અને જર્મન અભિવ્યક્તિવાદથી પરિચિત થયો.
સામાન્યતયા જળરંગો પારદર્શક રીતે વાપરીને ઋજુ અસરો ઉપજાવવા માટે હોય છે; પણ મારિનનાં જળરંગી ચિત્રો ન્યૂયૉર્ક નગરની ઊંચી ઇમારતો અને વિરાટ પ્રસારને બળૂકી રીતે રજૂ કરે છે. મારિન જળરંગો પર અપૂર્વ કાબૂ ધરાવતો હતો. ‘ધ સિંગર બિલ્ડિંગ’ અને ‘ધ લોઅર મેનહૅટન’ મારિનની શ્રેષ્ઠ કૃતિઓ ગણાય છે.
મારિને મેઇન (Maine) ટાપુઓના સમુદ્રકાંઠાનાં ર્દશ્યો પણ જળરંગો વડે ચીતર્યાં છે. આ ચિત્રો અર્ધમૂર્ત (semiabstract) છે.
અમિતાભ મડિયા