મારમરાનો સમુદ્ર : વાયવ્ય તુર્કીમાં આવેલો આંતરખંડીય સમુદ્ર. ભૌગોલિક સ્થાન : 40° 40´ ઉ. અ. અને 28° 0´ પૂ. રે. તે તુર્કીના એશિયાઈ અને યુરોપીય ભાગોને જુદા પાડે છે. તે ઈશાનમાં બૉસ્પરસની સામુદ્રધુની દ્વારા કાળા સમુદ્ર સાથે તથા નૈર્ઋત્યમાં ડાર્ડેનલ્સની સામુદ્રધુની દ્વારા ઈજિયન સમુદ્ર સાથે જોડાયેલો છે. ઈશાનથી નૈર્ઋત્ય દિશામાં લંબાયેલા આ સમુદ્રની લંબાઈ 280 કિમી. જેટલી છે, જ્યારે નૈર્ઋત્યમાં તેની વધુમાં વધુ પહોળાઈ આશરે 80 કિમી. જેટલી છે. તેનો કુલ વિસ્તાર 11,472 ચોકિમી. છે. તેની સરેરાશ ઊંડાઈ 494 મીટર, જ્યારે મહત્તમ ઊંડાઈ 1,225 મીટર છે. તેની જળસપાટી પર વેગીલા પ્રવાહો વહેતા નથી, પરંતુ ભરતીની થોડીઘણી અસર વરતાય છે. તેના જળની સરેરાશ ક્ષારતા 22 PPT જેટલી છે, પરંતુ ડાર્ડેનલ્સના છેડા નજીક ક્ષારતાનું પ્રમાણ મહત્તમ રહે છે. ઉત્પત્તિ તેમજ વયના સંદર્ભમાં જોતાં તે તૃતીય જીવયુગના અંતિમ ચરણ અને પ્લાયસ્ટોસીન કાલખંડના પ્રથમ ચરણ દરમિયાન આશરે 25 લાખ વર્ષ પૂર્વે પોપડાના સંચલનને કારણે તૈયાર થયેલો છે. આ આખોય વિસ્તાર ભૂકંપને પાત્ર છે.

મારમરા સમુદ્રનું ભૌગોલિક સ્થાન
મારમરાનો સમુદ્ર સ્પષ્ટપણે બે ટાપુસમૂહોમાં વહેંચાયેલો છે. એક સમૂહ ઇસ્તંબુલ નજીક ઈશાનભાગમાં પ્રિન્સ ટાપુઓ અથવા કિઝિલ એડલરના ટાપુઓના નામથી ઓળખાય છે. આ ટાપુઓ મોટેભાગે સહેલાણીઓના મથક તરીકે ઉપયોગમાં લેવાય છે. મારમરાના ટાપુઓના નામથી જાણીતો બીજો ટાપુસમૂહ નૈર્ઋત્યમાં કપિદાગી યારીમદાસી દ્વીપકલ્પથી થોડાક અંતરે આવેલો છે. અહીં ગ્રૅનાઇટ, સ્લેટ અને વિશેષે કરીને તો સંગેમરમર(આરસપહાણ)ના ખડકો મળે છે, જે પ્રાચીન સમયથી ખોદી કાઢીને ઉપયોગમાં લેવાતા રહ્યા છે. મરમર(આરસ)ના પથ્થરો પરથી જ આ સમુદ્રનું નામ ‘મારમરાનો સમુદ્ર’ એવું પડેલું છે. અહીંના કિનારા પર આવેલાં નગરો કૃષિમથકો તેમજ ઔદ્યોગિક મથકો બની રહેલાં છે; આ નગરો સહેલગાહ માટેનાં મથકો પણ બની રહેલાં છે. તુર્કીનું મોટામાં મોટું શહેર ઇસ્તંબુલ બૉસ્પરસની સામુદ્રધુની અને મારમરાના સમુદ્રના જોડાણ પર, તેના બંને કાંઠાઓ પર વસેલું છે. ઇસ્તંબુલ એ ભૂમધ્ય સમુદ્ર અને એશિયા ખંડ વચ્ચે ઘણું મહત્વનું વ્યૂહાત્મક સ્થાન ધરાવતું સ્થળ છે.
ગિરીશભાઈ પંડ્યા