માયોસીન રચના : તૃતીય જીવયુગના પાંચ કાલખંડ પૈકીનો એક, તથા તેના ચોથા ક્રમમાં આવતો વિભાગ. ભૂસ્તરીય ઇતિહાસના કાળક્રમમાં તેના ખડકસ્તરોની જમાવટ આજથી ગણતાં 2 કરોડ વર્ષ અગાઉથી શરૂ થયેલી અને 1 કરોડ 20 લાખ વર્ષ અગાઉ પૂરી થયેલી હોવાથી તેનો કાળગાળો 80 લાખ વર્ષ સુધી રહેલો ગણાય. તેની નીચે ઑલિગોસીન રચના અને ઉપર પ્લાયોસીન રચના રહેલી છે (જુઓ સારણી). ‘માયોસીન’ શબ્દની વ્યુત્પત્તિ mio (greek, meion) એટલે ‘ઓછું’ અને cene એટલે ‘અર્વાચીન’ કરતાં તેનો અર્થ ‘ઓછું અર્વાચીન’ એવો થાય છે. સર ચાર્લ્સ લાયલે 1833માં તૃતીય જીવયુગના મધ્ય પેટાવિભાગ માટે, તેમાં આજે જોવા મળતાં જીવન-સ્વરૂપો પૈકીનાં 18 %થી થોડાં ઓછાં મળી આવેલાં હોવાથી, આ પર્યાય પ્રયોજેલો.
પ્રારંભિક માયોસીન સ્તરો પરથી જણાય છે કે, ઇયોસીન કાળમાં થયેલા દરિયાઈ અતિક્રમણની જેમ જ તેના પછીથી વિસ્તૃત દરિયાઈ અતિક્રમણ થાય છે અને દુનિયાભરના મહાસાગરોનો બહોળા પ્રમાણમાં કાયાકલ્પ થાય છે. તેને પરિણામે યુરોપથી તુર્કસ્તાન સુધી, સાયરેનાઇકા(લિબિયા)થી ઇજિપ્ત પર થઈને (જ્યાં ગ્લોબિજેરીનાયુક્ત માર્લખડકોની રચના થાય છે) ઈરાન સુધી, ભારતથી શ્રીલંકા, મોઝામ્બિક ખાડી અને ઝાંઝીબાર સુધીના વિસ્તાર પર દરિયાઈ અતિક્રમણ થાય છે. ઈસ્ટ ઇન્ડિઝનું દરિયાઈ અતિક્રમણ ન્યૂઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયાને પણ અસર કરે છે. કૅલિફૉર્નિયા-ઑરેગૉન-વૉશિંગ્ટનના વિસ્તારો પર પણ આવી જ અસર પહોંચે છે. મધ્ય માયોસીન ગિરિનિર્માણ ભૂસંચલનને અનુસરીને યુરોપમાં સ્ટિરિયન ગિરિનિર્માણ, કૅલિફૉર્નિયામાં ઝૂમાન ગિરિનિર્માણ અને ઈસ્ટ ઇન્ડિઝમાં ટર્શ્યરી-વિક્ષેપ થાય છે; પરિણામે હ્રૉનનું અગ્રઊંડાણ (foredeep), સ્વિસ મૉલાસ (molasse) નિક્ષેપો, ઉત્તર ઑસ્ટ્રિયામાં ઊંડા જળનો વિશિષ્ટ ખડકપ્રકાર, મધ્ય અમેરિકામાં મોટા પ્રમાણમાં પાર્થિવ નિક્ષેપક્રિયા, ભારતમાં મધ્ય માયોસીન વખતે દરિયાઈ સપાટીથી સિંધુગંગાના મેદાની વિસ્તારના ઊંચકાવાનો પ્રારંભ, ઉત્થાન પામતા હિમાલયની દક્ષિણે (વાનર અને માનવના અવશેષો સહિત) નિયોજિન કાળની પાર્થિવ શિવાલિક નિક્ષેપક્રિયા, અગ્નિ એશિયામાં બાંદા ચાપ(Banda Arc)થી માંડીને સેલિબિઝ થઈને ફિલિપાઇન્સ સુધીની વળાંકવાળી પર્વત હારમાળાનું ઉત્થાન જેવી અગત્યની ઘટનાઓ પૃથ્વીના પટ પર અસ્તિત્વમાં આવે છે. અંતિમ માયોસીન વખતે, પ્રથમ દરિયાઈ અતિક્રમણની યાદ અપાવતું બીજું દરિયાઈ અતિક્રમણ જુદી જુદી કક્ષાઓમાં થયેલું જોવા મળે છે. તેની અસરો યુરોપ, કૅલિફૉર્નિયા અને ઈસ્ટ ઇન્ડિઝમાં દેખાય છે. છેવટે માયો-પ્લાયોસીન વખતે દરિયાઈ પીછેહઠ શરૂ થાય છે. આ વખતે થતું ગિરિનિર્માણ ભૂમિઉત્થાનમાં પરિણમે છે, જેનાથી ભૂપૃષ્ઠરચનાના આકારોમાં ફેરફારો અને ઉત્તરધ્રુવીય ખંડીય ભૂમિસંધાન થાય છે.
માયોસીન દરમિયાન દરિયાઈ સંજોગો હેઠળ અમુક જઠરપદી (gastropod) સમૂહોનું ઝડપી વિતરણ અને વૈવિધ્યીકરણ થતાં તે સંખ્યાબંધ સ્વરૂપોમાં ફેરવાય છે, તો અગાઉનાં અન્ય સુસ્થાપિત જઠરપદી (દા.ત., ટુરીટેલા) ચાલુ રહે છે; ઑલિગોસીન સંજોગો હેઠળ તૈયાર થયેલાં મોટાં પેક્ટન જેવાં દ્વિપુટ લેમેલિબ્રૅન્ક વિસ્તરે છે; ઑઇસ્ટર મોટું કદ પ્રાપ્ત કરે છે. સાગરગોટાના જુદા જુદા પ્રકારોનું વૈવિધ્યકરણ થતાં ઘણી સંખ્યામાં તે જોવા મળે છે. ડાયઍટમ, પરવાળાં, સિફેલોપૉડ, ક્રસ્ટૅસિયા, કીટકો અને મોટી દંતરચનાવાળી શાર્ક તત્કાલીન મહત્વનાં બની રહે છે. દૂરતટીય નાનાં ફોરામિનિફર સમૃદ્ધ થાય છે; મોટાં ફોરામિનિફર અટકી જાય છે; લેપિડોસાઇક્લિના અને માયોજિપ્સિના આગળ પડતાં જણાય છે અને તેમનું અયનવૃત્તીય સમુદ્રોમાં પુનર્વિસ્તરણ થાય છે, પરંતુ માયોસીનની સમાપ્તિની સાથે સાથે તેમનો વિલોપ થાય છે. દરિયાઈ સંજોગ હેઠળ નભતાં સસ્તન પ્રાણીઓ [સીલ, કાન અને મત્સ્યપુચ્છ સહિતની સીલ (sea-lion), વૉલરસ, વહેલ વગેરે] ઉત્ક્રાંતિ પામતાં જઈ, સંસ્કરણ પામતાં જઈ, અર્વાચીન ઓપવાળાં બનતાં જાય છે. ઉંદરવર્ગ(ઉંદર, સસલાં, ખિસકોલી વગેરે)ને બાદ કરતાં, ભૂમિ પર, બે કે ત્રણ સિવાય બધાં જ પારખી શકાય એવાં સસ્તન પ્રાણીવર્ગોનું અસ્તિત્વ દેખાય છે. યુરોપ-એશિયામાં હરણ, જરખ, પ્રારંભિક જિરાફ અને ગાય વર્ગનાં પ્રાણીઓનો સમાવેશ થાય છે. ઍમ્ફિસિયૉન (bear-dog) આગળ પડતું તરી આવે છે. મેસ્ટોડોન્ટ પ્રથમ વાર ઉત્તર અમેરિકામાં પ્રસરે છે. ઘાસનાં મેદાનો વિસ્તર્યાં હોવાથી વૃક્ષનાં પર્ણોનો ચારો કરતાં પ્રાણીઓની સરખામણીએ ભૂમિ ચારો કરતાં પ્રાણીઓનું પ્રાધાન્ય વધતું જાય છે. ખાસ કરીને ઘોડા અને ઊંટ ઉત્ક્રાંત થતાં જઈ ઝડપી પ્રસાર પામે છે. માત્ર ઑસ્ટ્રેલિયા, દક્ષિણ અમેરિકા અને માડાગાસ્કરનાં સસ્તન પ્રાણીઓ અન્ય ભાગોથી છૂટાં પડી ગયાં છે. પ્રાચીન રેડવુડ (સિક્વોઇયા-મેટાસિક્વોઇયા) ચીન અને કૅલિફૉર્નિયામાં સમૃદ્ધિ પામે છે. સેનોઝોઇક યુગની વધતી જતી ઠંડી આબોહવાને કારણે વનસ્પતિ-પ્રકારો પૅસિફિક કિનારીના ઉત્તર-દક્ષિણ લંબાયેલા પર્વતોની ધારે ધારે ઊગતા જઈ વિષુવવૃત્ત તરફ ખસતા જાય છે. જોકે કેટલીક ઉપજાતિઓ મલયેશિયા અને કૅરિબિયન વિસ્તારોમાં કે જ્યાં અવરોધો નડ્યા ત્યાં ખસવાને બદલે એકત્રીકરણ પામે છે; પરંતુ જ્યાં પર્વતો પૂર્વ-પશ્ચિમ લંબાયેલા છે ત્યાં માયોસીન – મધ્યસમુદ્રીય વિસ્તારની વનસ્પતિ ખસી શકતી નથી; પણ આજની વનસ્પતિની પુરોગામી બની રહે છે. આ વનસ્પતિ-સમૃદ્ધિએ તો ખેતીના અને માનવસંસ્કૃતિના વિકાસમાં ઘણો મહત્વનો ફાળો આપેલો છે. (અન્ય માહિતી માટે જુઓ, તૃતીય જીવયુગ.)
ભૂસ્તરીય કાળક્રમમાં માયોસીનની સ્થિતિ
યુગ | કાળ/કાળખંડ | વર્ષ (વ.પૂ.) |
0 વર્ષ | ||
ચતુર્થ જીવયુગ | અર્વાચીન | |
(ક્વાર્ટર્નરી) | પ્લાયસ્ટોસીન | |
16 (20) લાખ વર્ષ | ||
પ્લાયોસીન | ||
1 કરોડ 20 લાખ વર્ષ | ||
તૃતીય | માયોસીન | |
2 કરોડ વર્ષ | ||
જીવયુગ | ઑલિગોસીન | |
(ટર્શ્યરી) | ઇયોસીન | |
પેલિયોસીન | ||
6.5 કરોડ વર્ષ | ||
મધ્ય જીવયુગ | ||
(મેસોઝોઇક) | ||
22.5 કરોડ વર્ષ | ||
પ્રથમ જીવયુગ | ||
(પેલિયોઝોઇક) | ||
57 કરોડ વર્ષ | ||
પ્રી – કૅ મ્બ્રિ ય ન યુગ | ||
પૃથ્વીની ઉત્પત્તિ | 460 કરોડ વર્ષ |
ગિરીશભાઈ પંડ્યા