માયકૉવ્સ્કી, વ્લાદિમિર (જ. 19 જુલાઈ 1893, બકાદાદી, કુતૈસી; અ. 14 એપ્રિલ 1930) : રશિયન કવિ અને નાટ્યકાર. પિતા કૉન્સ્તાન્તિનોવિચ. માતાનું નામ ઍલેક્ઝાન્દ્રા, પિતા વનસંરક્ષક હતા. પ્રારંભની કેળવણી કુતૈસીમાં. પિતાના મૃત્યુ બાદ માતા અને બહેનો સાથે મૉસ્કોમાં સ્થળાન્તર. અહીં સહપાઠીઓ સાથે રહી ક્રાન્તિકારી તરીકેની પ્રાથમિક તાલીમ લીધી. બૉલ્શેવિકો સાથે જોડાઈને મૉસ્કોના શ્રમજીવીઓ વચ્ચે કામગીરીનો પ્રારંભ. ભૂગર્ભ મુદ્રણપ્રવૃત્તિને કારણે કેદ. 3 વાર ધરપકડ. જેલમાં જ પહેલાં કાવ્યો લખવાં શરૂ કર્યાં. આ પછી પક્ષનું કામ છોડી ફરી ચિત્રકલા, શિલ્પ અને સ્થાપત્યની મૉસ્કો કૉલેજમાં અભ્યાસ આદર્યો. મિત્રો સાથે રહી ભવિષ્યવાદના આંદોલનનો ખરીતો તૈયાર કર્યો. ભવિષ્યવાદી પ્રવૃત્તિઓને કારણે કૉલેજમાંથી તેને રુખસદ મળી. ત્યાં તેને ફરજિયાત લશ્કરી સેવા માટેનો આદેશ થયો. ઑક્ટોબર સામાજિક ક્રાંતિમાં તેણે એકદમ સક્રિય ભાગ ભજવ્યો. નાટકો અને ફિલ્મ માટે પટકથાઓ લખવાના પ્રયત્નો કર્યા. લૅટવિયાની પહેલી વિદેશયાત્રા કરી. ત્યારબાદ વારંવાર જર્મની-ફ્રાન્સની યાત્રા કરી. અમેરિકામાં જઈ ત્યાં ઠેર ઠેર કાવ્યવાચનો કર્યાં. છેવટે પોતાના જ અભ્યાસ-ખંડમાં મૉસ્કો ખાતે રિવૉલ્વરથી આત્મહત્યા કરી. યુ.એસ.એસ.આરે. એના સાહિત્યને રાજ્યની અસ્કામત તરીકે જાહેર કર્યું. તેના મૃત્યુની દશાબ્દીએ એના જન્મસ્થળને ‘માયકૉવ્સ્કી’ નામ અપાયું અને સાદોવો ટ્રાયમ્ફાલાનાયા ચોક ‘માયકૉવ્સ્કી ચોક’ તરીકે જાહેર થયો.
રશિયન સાહિત્યક્ષેત્રે માયકૉવ્સ્કી એક મોટી ઘટના છે. એની કૃતિઓ 34 ભાષાઓમાં અનૂદિત થઈ છે અને 32 જેટલા દેશોમાં પ્રકાશિત થઈ છે. એના વિપુલ સાહિત્યરાશિમાં ઊર્મિકાવ્યો, દીર્ઘકાવ્યો, કટાક્ષકાવ્યો, નાટકો, વિવેચનલેખો, ચરિત્રનોંધો અને આત્મકથાનો સમાવેશ થાય છે. ચિત્રકલાની જેમ કાવ્યકલાને પણ એણે હસ્તગત કરેલી. એની નવલકથાનો પ્રભાવ પણ ઓછો નથી. ‘ધ બાથ હાઉસ’ કે ‘મિસ્ટરી-બૂફ’ એનાં ખ્યાતિ પામેલાં નાટકો છે; છતાં એણે સાચું કહ્યું છે કે ‘હું કવિ છું અને એમાં જ હું વધારે રસપ્રદ છું.’
આજે એની કવિતાને બે અભિગમથી જોવાય છે. કેટલાક એની ક્રાંતિ પૂર્વેની ભવિષ્યવાદી રચનાઓને વજન આપે છે, જેમાં પ્રતીકોની ભાવઘનતાની, નવા શબ્દોની, નવા લયોની અને અભિવ્યક્તિની નવી સામગ્રીની શોધ ધ્યાન ખેંચે છે. ‘ક્લાઉડ ઇન પેન્ટ્સ’, ‘ધ બૅકબોન ફ્લૂટ’, ‘વૉર ઍન્ડ પીસ’, ‘મૅન’ વગેરે આ પ્રકારની રચનાઓ છે. કેટલાક એની ક્રાંતિ સાથે સંકળાયેલી અને ક્રાંતિવાદની રચનાઓને વજન આપે છે. ભવિષ્યવાદમાં ક્યારેય નહોતી એવી સામાજિક હેતુપરકતા, સક્રિય માનવતાવાદી કાકુઓ અને ઉત્કટ સામાજિક પ્રતિમાનો આ રચનાઓમાં હાજર છે. ‘જુબિલી’, ‘સેરગેઈ યેસેનિન’, ‘બ્લૅક ઍન્ડ વ્હાઇટ’, ‘ફાઇન’, ‘અલાઉડ ઍન્ડ સ્ટ્રેટ’ વગેરે આ પ્રકારની રચનાઓ છે.
રશિયન ક્રાંતિએ કવિને સમાજવાદી કલાનું અને અંતહીન ઉન્મેષોનું એક જગત સંપડાવી આપ્યું છે. સમર્થ વર્ણનશક્તિ એ આ કવિનું ઉજ્જ્વળ પાસું છે. સમગ્ર જગત પર પ્રભાવ પાડનારી, ઉગ્રવાદી સામાજિક પરિવર્તનો સાથે સંકળાયેલી ઐતિહાસિક ક્રાંતિ સાથેના અનુસંધાન સાથે આ કવિએ સમાજવાદી ક્રાંતિના આદર્શોને અંકે કર્યા છે અને ક્રાંતિકારી પરિવર્તનો અંગેની એની સમજે એની સર્જનાત્મક સૃષ્ટિમાં પ્રાપ્ત પ્રેરક બળ બનીને કામ કર્યું છે. વિજયો અને અભાવો સાથેનું ગૃહયુદ્ધ, વૉલ્ગા પ્રદેશનો દુષ્કાળ, સ્થાનાન્તર સામેનો સંઘર્ષ, ઊગતા સોવિયેત રાજ્યને ગૂંગળાવવાના મૂડીવાદી દેશોના પ્રયત્નો, લેનિનનું જીવનકાર્ય, સમાજવાદને ઘડતાં લોકોની શ્રમસિદ્ધિઓ, ધાર્મિક ઝનૂનનાં આંધળાં પરિબળોનો પ્રતિકાર, વિદેશના પ્રવાસો વગેરે એની કવિતામાં સુરેખ રીતે પ્રતિબિંબિત થયાં છે. એની ‘આઈ, માયસેલ્ફ’ આત્મકથા મહત્વની છે.
ચન્દ્રકાન્ત ટોપીવાળા