મામેરું : ગુજરાતી કવિ પ્રેમાનંદરચિત આખ્યાન. રચનાસાલ 1683. મધ્યકાળના શ્રેષ્ઠ આખ્યાનકવિ લેખાતા પ્રેમાનંદે ભક્ત-કવિ નરસિંહના કેટલાક કટોકટીભર્યા જીવનપ્રસંગોને આખ્યાનબદ્ધ કર્યા છે. નરસિંહ-પુત્રી કુંવરબાઈના સીમંત-પ્રસંગનું પ્રેમાનંદે રચેલું ‘કુંવરબાઈનું મામેરું’ એ ભક્તની અચલ પ્રભુશ્રદ્ધા તથા ભગવાનની ભક્તાધીનતા દર્શાવતું મનોરમ આખ્યાનકાવ્ય છે, જેમાં પુરોગામીઓનો ઠીક ઠીક પ્રભાવ ઝિલાયો છે.
ભાઈ-ભાભી સાથે રહેતા નરસિંહ ભાભીનું મહેણું સાંભળી, વનમાં જઈ, અપૂજ શિવલિંગનું પૂજન કરી, ભગવાન શંકરના સાક્ષાત્કાર બાદ વિષ્ણુદર્શન – રાસલીલાદર્શન પામીને ભૂલોકમાં આવે છે. ‘વૈષ્ણવજન’ બનેલા નરસિંહ સંસારી બન્યા છતાં પ્રભુભક્તિમાં તલ્લીન રહે છે. પત્ની-પુત્રનાં મૃત્યુના શોકને આ ભક્ત ભક્તિપ્રેરિત સમાધાન દ્વારા (‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રીગોપાળ’) વિસારી દે છે. થોડા સમય બાદ પુત્રી કુંવરબાઈના સીમંત પ્રસંગે કેવળ ભક્તિની મૂડી લઈને પુત્રીના સાસરે જતાં નરસિંહ ઉપહાસ પામે છે, પરંતુ ભક્તની સ્તુતિને પરિણામે સ્વયં પ્રભુ આવીને કુંવરબાઈનું મામેરું પૂરી ભક્તનું ગૌરવ વધારે છે, એની ભક્તિને સુપ્રતિષ્ઠિત કરે છે; એવું આખ્યાન-વસ્તુ છે.
પ્રસ્તુત આખ્યાનમાં પ્રેમાનંદની ઉત્તમ કવિપ્રતિભાનો પરિચય થાય છે. અહીં નરસિંહની ભક્ત તથા પિતા તરીકેની ભૂમિકા સરસ રીતે ઊપસી આવી છે. પુત્રીનું મામેરું કરવાના પ્રસંગે ભક્ત નરસિંહ પ્રભુશ્રદ્ધાજન્ય નિશ્ચિંતતા અનુભવે છે. ‘ત્રિકમજી ત્રેવડમાં રહેજો, દ્રવ્ય તણું છે કામ જી’ અને ‘મોસાળું હરિ નહિ કરે તો ઉપહાસ એનો થાશે રે’ એવા એના ઉદગારોમાં ભક્તનો અસલ મિજાજ દેખાય છે. ભક્ત તરીકેની એની ખૂબી એ છે કે એ સૌને વિશ્વાસ સંપડાવે છે. પોતે સાધુ-પિતાની મશ્કરીમાં નિમિત્ત બની છે, એથી ગમગીની અનુભવતી ભક્તપુત્રી કુંવરબાઈનું પાત્ર ઊર્મિશીલ બન્યું છે. નિર્ધન નરસિંહની ટીખળ કરતાં કુંવરબાઈનાં સાસરિયાં દ્વારા અહીં પ્રેમાનંદે પરપીડનવૃત્તિવાળા મનુષ્યસ્વભાવનું આલેખન કર્યું છે. ભક્તવત્સલ, ભક્તિવશ પ્રભુ અહીં પહેરામણીની યાદીને (પથરા સહિત) પૂરેપૂરા વફાદાર રહીને ભક્તને ગૌરવાન્વિત કરે છે.
અહીં રસસ્વામી પ્રેમાનંદ હાસ્ય, કરુણ, અદભુત, ભક્તિશાંત એમ વિવિધ રસોના નિરૂપણમાં સાચો કલાકાર પુરવાર થયો છે. નરસિંહ પરની પ્રભુકૃપાના વિવિધ પ્રસંગો વિસ્મયાનુભવ દ્વારા અદભુત રસનો આસ્વાદ કરાવે છે. સાસરિયાંનાં મહેણાંથી વ્યથિત નમાઈ કુંવરબાઈના પાત્રમાં કરુણની સેર અનુભવાય છે. નરસિંહની વહેલના વર્ણનમાં ભક્તનું ગૌરવ જાળવીને ભરપૂર હાસ્ય પીરસનાર પ્રેમાનંદ નાગરોની પામરતા-લોલુપતા-પ્રાકૃતતાને હાસ્યપાત્ર દર્શાવીને નાટ્યહાસનો – બેવડા હાસ્યનો પરિચય કરાવીને ભક્ત અને ભક્તિનું સાદ્યંત ગૌરવ કરે છે. શ્રોતા-વાચકને હાસ્યમાંથી કરુણમાં અને કરુણમાંથી ભક્તિને આશ્રયે લઈ જતા પ્રેમાનંદે નરસિંહના પાત્રમાં ભક્તિરસની ભીતર ભક્તિતત્વપૂત શાંતરસની સૂક્ષ્મ સેર પણ ગૂંથી લીધી છે.
પરંપરાગત હોવા છતાં કલાનો પુટ પામેલાં કેટલાંક વર્ણનો – નરસિંહની વહેલ, નગરજનો, પિતાપુત્રીનું મિલન, ઈશ્વરસ્તુતિ કરતા ભક્ત, નાગર સ્ત્રીઓના શણગાર તથા પહેરામણીમાં કલાસર્જકની ઝીણવટભરી ચોકસાઈ છે. વળી, દુનિયાદારીના જાણતલ પ્રેમાનંદે કરેલા વિવિધ ઘટનાઓના નિરૂપણમાં લોકમાનસ કેવું હોય એનો અંદાજ મળી રહે છે. અહીં એણે તત્કાલીન ગુજરાતના સમાજચિત્રને – ગુજરાતી પરિવારની લાક્ષણિકતાઓને આબાદ પારખીને નિરૂપી છે.
કવિએ અહીં પુરોગામીઓના પ્રચલિત ઢાળનો – લયનો વધુ સબળતાથી ઉપયોગ કરી, એમાં વૈવિધ્ય આણી લયસૌંદર્યનો ચમત્કૃતિભર્યો આસ્વાદ કરાવ્યો છે. સંસ્કૃત, તળપદા શબ્દપ્રયોગો દ્વારા કથનની અસરકારકતા સાધીને, કાવ્યપ્રસંગની જરૂરિયાત અનુસાર વિવિધ અલંકારો અને પ્રાસાનુપ્રાસનું આયોજન સૂઝપૂર્વક કર્યું છે.
આમ, પ્રેમાનંદે ‘મામેરા’ના કથાનકમાં પરંપરાની સાચવણીની સાથે પોતીકાપણું જાળવીને સર્જક-કલાકારની પ્રતિભાનાં દર્શન કરાવ્યાં છે.
આરતી ત્રિવેદી