માન્ચેસ્ટર : ઇંગ્લૅન્ડના વાયવ્ય ભાગમાં આવેલું પરગણું (county) અને શહેર. ભૌગોલિક સ્થાન : 53° 30´ ઉ. અ. અને 2° 15´ પ. રે. તે આટલાંટિક મહાસાગરના ફાંટા આયરિશ સમુદ્રથી પૂર્વ તરફ આશરે 55 કિમી. અંતરે અરવેલ નદી પર આવેલું છે. પરગણાનો સમગ્ર વિસ્તાર ઔદ્યોગિક શહેર માન્ચેસ્ટરને કેન્દ્રમાં રાખીને પથરાયેલો છે. આજે તે ઇંગ્લૅન્ડનાં આર્થિક ર્દષ્ટિએ મહત્વનાં ગણાતાં સ્થળો પૈકીનું એક છે. આયરિશ સમુદ્રમાં મળતી મર્સી નદીના મુખ સાથે તે માન્ચેસ્ટર જહાજી નહેર (Manchester Ship Canal) મારફતે જોડાયેલું છે. આ નહેરને કારણે માન્ચેસ્ટર ભૂમિસ્થિત બંદર બની રહેલું છે. દરિયાકિનારા પર ન હોવા છતાં તે બ્રિટનનાં મોટાં બંદરો પૈકીનું એક ગણાય છે. માન્ચેસ્ટર શહેર ઉપરાંત બૃહદ માન્ચેસ્ટરમાં બોલ્ટન, બરી, ઓલ્ડહામ, સેલ, રૉશડેલ, સૅલફર્ડ, સ્ટૉકપૉર્ટ અને વિગાન જેવાં નગરો આવેલાં છે. ઔદ્યોગિક નગરો પૈકીના નાનામાં નાના નગરની વસ્તી લગભગ 60,000 જેટલી, જ્યારે બીજાં બે નગરોની વસ્તી તેનાથી બમણી છે. બૃહદ માન્ચેસ્ટરમાં નજીવી ખેતભૂમિ છે, ઘણોખરો ભાગ તો બાંધકામથી રોકાયેલો છે. બ્રિટનમાં વસ્તીના સંદર્ભમાં જોતાં, તે બૃહદ લંડન અને બર્મિંગહામ (પશ્ચિમ મિડલૅન્ડ્ઝ) જેવાં મહાનગરો પછીના ક્રમે આવે છે. 1974માં તેને બૃહદ માન્ચેસ્ટરનો દરજ્જો મળેલો છે. તે અગાઉ તેનો મોટાભાગનો વિસ્તાર લૅંકેશાયર પરગણામાં ગણાતો હતો.

માન્ચેસ્ટર
ભૂમિલક્ષણો : બૃહદ માન્ચેસ્ટરની ઉત્તરે લૅંકેશાયર, પૂર્વમાં યૉર્કશાયર અને ડર્બીશાયર, દક્ષિણે ચેશાયર તથા પશ્ચિમમાં મર્મીસાઇડ આવેલાં છે. તે પૂર્વ-પશ્ચિમ 50 કિમી. અને ઉત્તર-દક્ષિણ 40 કિમી. વિસ્તરેલું છે. તેનો કુલ વિસ્તાર 1,285 ચોકિમી. જેટલો થાય છે. તેના ઉત્તર અને પૂર્વ ભાગો ટેકરાળ છે. ઉત્તર તરફ આશરે 450 મીટર ઊંચી રોઝેનડેલ ટેકરીઓ તથા પૂર્વ તરફ પેનાઇન હારમાળા છે. ટેકરીઓના તળભાગ ગ્રિટ ખડકોથી બનેલા છે, જ્યારે ટેકરીઓની ધાર પર કોલસાધારક ખડકો છે. પશ્ચિમ તરફ 200 મીટર ઊંચી ડુંગરધારો વિગાન થઈને આગળ ચાલી જાય છે. પેનાઇન હારમાળામાંથી નીકળીને આવતી અહીંની મુખ્ય નદી મર્સી આયરિશ સમુદ્રમાં ઠલવાય છે.
આબોહવા : અહીંની આબોહવા ઓછા તાપમાનવાળી, નરમ રહે છે. વાતાવરણ વાદળછાયું અને ભેજવાળું રહે છે. વર્ષના મોટાભાગના ગાળા માટે ગરમ પશ્ચિમિયા પવનો વાય છે. શિયાળામાં પણ અહીં વાદળો જોવા મળે છે. દક્ષિણ તરફ આવેલા રિંગવે ખાતે મધ્ય શિયાળા અને મધ્ય ઉનાળાનાં સરેરાશ તાપમાન અનુક્રમે 3° સે. અને 16° સે. જેટલાં રહે છે. રિંગવે ખાતે સરેરાશ વાર્ષિક વરસાદ લગભગ 800 મિમી. અને બોલ્ટન ખાતે 1,200 મિમી. જેટલો પડે છે.
અર્થતંત્ર : બૃહદ માન્ચેસ્ટર ઇંગ્લૅડનો આગળ પડતો ઔદ્યોગિક વિસ્તાર ગણાય છે. માન્ચેસ્ટર, બરી, બોલ્ટન, ઓલ્ડહામ, રૉશડેલ, વિગાન, સ્ટૉકપૉર્ટ, સૅલફર્ડ, ક્લેટન, ક્રમ્પસાલ, કેરિંગટન વગેરે અહીંનાં મહત્વનાં ઔદ્યોગિક મથકો છે. અહીં સુતરાઉ, તેમજ કૃત્રિમ (નાયલૉન, રેયૉન, ટેરિલીન) કાપડ-ઉદ્યોગ વિકસ્યો છે. તૈયાર પોશાકો, રેઇનકોટ, રંજકો અને રસાયણો, રબરનાં સાધનો, કાપડઉદ્યોગ માટેનાં યંત્રો, યાંત્રિક સાધનો, પ્લાસ્ટિક, વીજ-ઇજનેરી માલસામાન, કોલસા-ભઠ્ઠીઓ, ડીઝલ-એંજિનો, ઘંટીઓનાં યાંત્રિક સાધનો, કેબલ, કાગળ, તમાકુ, કોલસો, ખાદ્યપેદાશો તથા કમ્પ્યૂટરનું ઉત્પાદન લેવાય છે. ટ્રૅફર્ડ ખાતે તેલ રિફાઇનરી છે. આયાત કરેલી ખાદ્યસામગ્રી પર પ્રક્રિયા કરવાના એકમો, લોટ તથા મુરબ્બા બનાવવાના એકમો પણ છે. જોકે સુતરાઉ કાપડ-ઉત્પાદનમાં ક્રમશ: ઘટાડો થતો ગયો છે.
માન્ચેસ્ટર બ્રિટનનું પ્રમુખ નાણાકીય અને વેપારી મથક છે. આ બાબતમાં તે લંડન પછીના ક્રમે આવે છે. અહીં બૅંક ઑવ્ ઇંગ્લડનાં મોટાં કાર્યાલયો તેમજ બીજી લગભગ બધી જ બૅંકોની સુવિધા છે. વીમા, હિસાબ, વિતરણ, શેરબજારનાં કાર્યાલયો પણ છે. આ ઉપરાંત અહીં સ્થાનિક તેમજ કેન્દ્ર સરકારની કચેરીઓ પણ છે.
બૃહદ માન્ચેસ્ટર ઔદ્યોગિક વિસ્તાર હોવાથી અહીં ખેતી માટે ખુલ્લી જમીનો જોવા મળતી નથી. માત્ર ટેકરીઓવાળા ઉત્તર અને પૂર્વ ભાગોમાં કેટલાક ખેડૂતો દુધાળાં ઢોર રાખે છે; કેટલાક ડુક્કર, ઘેટાં અને મરઘાં પાળે છે; અમુક ભાગોમાં ફૂલો અને શાકભાજી પણ થાય છે. સુતરાઉ કાપડ-ઉદ્યોગની જેમ કોલસાના ખાણકાર્યમાં પણ ઘણો ઘટાડો થતો ગયો છે.
પરિવહન-સંદેશાવ્યવહાર : બૃહદ માન્ચેસ્ટરનાં બધાં શહેરો રેલ અને બસની સુવિધાથી અન્યોન્ય તેમજ બ્રિટનનાં લગભગ બધાં જ શહેરો સાથે જોડાયેલાં છે. રિંગવે ખાતે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે. બ્રિટનમાં તે હીથ્રો અને ગેટવીક પછીના ત્રીજા ક્રમે આવતું, વ્યસ્ત રહેતું હવાઈ મથક ગણાય છે. અહીંથી વર્ષભર લાખો લોકોની અવરજવર રહે છે. માન્ચેસ્ટર આયરિશ સમુદ્ર સાથે નહેર (માન્ચેસ્ટર જહાજી નહેર) મારફતે જોડાયેલું ભૂમિસ્થિત બંદર છે. આ બંદરેથી વાર્ષિક આશરે 1.5 કરોડ મેટ્રિક ટન માલની હેરફેર થતી રહે છે. તે સંદેશાવ્યવહાર અને પ્રકાશનનું મથક પણ છે. અહીં બી.બી.સી. દૂરદર્શન સ્ટુડિયો, રેડિયોનું મુખ્ય અને સ્થાનિક મથક તેમજ વ્યાપારી રેડિયો મથક આવેલાં છે. માન્ચેસ્ટર, બોલ્ટન અને ઓલ્ડહામ ખાતેથી દૈનિક પત્રો બહાર પડે છે.
લોકો : 1991 મુજબ બૃહદ માન્ચેસ્ટર અને માન્ચેસ્ટર શહેરની વસ્તી અનુક્રમે 24,99,400 અને 4,04,900 જેટલી છે. મધ્ય માન્ચેસ્ટરમાં વધારે-પડતી ગીચ વસ્તી થઈ જવાથી લોકો આજુબાજુનાં પરાંઓમાં વસવા ગયા છે. ભારત, પાકિસ્તાન, વેસ્ટ ઇન્ડિઝમાંથી ગયેલા લોકો માન્ચેસ્ટર, બોલ્ટન, ઓલ્ડહામ, રૉશડેલ તેમજ અન્ય નાનાં નગરોમાં સ્થાયી થયા છે. અહીંના મોટાભાગના લોકો પ્રૉટેસ્ટંટ છે; તે પૈકીના ઘણાખરા ઇંગ્લૅડના ચર્ચ પ્રત્યે આસ્થા ધરાવે છે. રોમન કૅથલિકની સંખ્યા લઘુમતી કોમોમાં મુખ્ય છે. પંદરમી સદીમાં બાંધેલું ચર્ચ ઑવ્ ઇંગ્લૅન્ડ કેથીડ્રલ અહીં આવેલું છે, જ્યારે રોમન કૅથલિક કેથીડ્રલ સાલફૉર્ડ ખાતે આવેલું છે. માન્ચેસ્ટર અને બોલ્ટનમાં યહૂદી કોમની પકડ મજબૂત છે. અન્ય કોમોમાં હિન્દુ, મુસ્લિમ અને શીખ લોકોનો સમાવેશ થાય છે.
ઓગણીસમી સદીમાં જ્યારે માન્ચેસ્ટર ઔદ્યોગિક અને વેપારી મથક બન્યું ત્યારની ઘણી ઇમારતો મધ્ય માન્ચેસ્ટરમાં આજે પણ જોવા મળે છે. તે પૈકી 1877માં બાંધેલો ભવ્ય ટાઉનહૉલ વિશેષ ઉલ્લેખનીય છે. અગાઉ વેપારઉદ્યોગની જરૂરિયાતને પહોંચી વળવા બનાવેલી કેટલીક ઇમારતો હવે અન્ય ઉપયોગમાં લેવાય છે. રૉયલ એક્સચેન્જ જે બ્રિટનનું કાપડ-ઉદ્યોગનું વેપારી મથક હતું તે હવે થિયેટર તરીકે વપરાય છે. 1827ની સિટી આર્ટ ગૅલરી અને 1899ની જૉન રાયલૅન્ડ્ઝ લાઇબ્રેરી અહીંના સ્થાપત્યના અગત્યના નમૂનાઓ ગણાય છે અને આ શહેરના તે વખતના વિપુલ વૈભવની યાદ અપાવે છે. ફ્રી ટ્રેડ હૉલ એ બીજી એક એવી જાણીતી ઇમારત છે, જે અગાઉના સમયમાં મુક્ત વેપારની ચીજોની ઝડપી હેરફેર માટે ઉપયોગમાં લેવાતી હતી. આજનો ફ્રી ટ્રેડ હૉલ તો 1950માં બાંધવામાં આવેલો છે.

મધ્યસ્થ ગ્રંથાલય, માન્ચેસ્ટર
1851માં શરૂ થયેલી ઓવેન્સ કૉલેજમાંથી ફેરવાઈને વિક્ટૉરિયા યુનિવર્સિટી બનેલી, તે હવે માન્ચેસ્ટર યુનિવર્સિટી તરીકે ઓળખાય છે. સાલફૉર્ડ યુનિવર્સિટી 1967માં શરૂ થઈ છે તે પણ ઍડવાન્સ્ડ ટૅક્નૉલૉજીની કૉલેજમાંથી ફેરવાયેલી છે. અહીંની માન્ચેસ્ટર ગ્રામર સ્કૂલ બ્રિટનની માધ્યમિક શાળાઓ પૈકી ખૂબ જાણીતી છે. રૉયલ નૉર્ધર્ન કૉલેજ ઑવ મ્યૂઝિકનું મૂળ મથક પણ માન્ચેસ્ટર છે. અહીં આવેલાં ઘણાં ઑરકેસ્ટ્રા પૈકી વ્યાવસાયિક ‘હૅલી ઑરકેસ્ટ્રા’ દુનિયાભરમાં ખૂબ જાણીતું છે. અહીંનાં અન્ય જોવાલાયક સ્થળોમાં માન્ચેસ્ટર, બોલ્ટન, બ્રમાલ હૉલ, બીલે હિલપાર્ક મ્યુઝિયમ, રૉશડેલ કો-ઑપરેટિવ મ્યુઝિયમ, રોઝેનડેલ ટેકરીઓ, હૉલિથવુડ અને ચેથામ હૉસ્પિટલનો સમાવેશ થાય છે.
સૉકર અહીંની ખૂબ જ લોકપ્રિય રમત છે. ફૂટબૉલની રમત પણ એટલી જ જાણીતી છે. માન્ચેસ્ટરમાંનું ઓલ્ડ ટ્રૅફર્ડ, લૅંકેશાયર પરગણાની ક્રિકેટ ક્લબનું મુખ્ય મથક છે. આંતરરાષ્ટ્રીય ટેનિસ ટુર્નામેન્ટ માન્ચેસ્ટર ખાતે રમાય છે. અન્ય રમતગમતોમાં ગૉલ્ફ, ઘોડદોડ, કબૂતર-દોડ, સ્નૂકર, તરણ, ટેબલ-ટેનિસ અને કુસ્તીનો સમાવેશ થાય છે.
વહીવટ : 1986માં રૂઢિચુસ્ત પક્ષની સરકારે બૃહદ માન્ચેસ્ટરની કાઉન્ટી કાઉન્સિલ રદ કરી. સ્થાનિક સરકારની સત્તા 10 મહાનગર વહીવટી વિભાગોમાં વહેંચી નાખી. આ વિભાગો જ શિક્ષણ, ગૃહબાંધકામ, પુસ્તકાલયો, આયોજન, ઉદ્યાનો અને મનોરંજનની કાળજી રાખે છે. બોલ્ટન, બરી, માન્ચેસ્ટર, ઓલ્ડહામ, રૉશડેલ, સાલફૉર્ડ, સ્ટૉકપૉર્ટ, ટેમસાઇડ, ટ્રૅફર્ડ અને વિગાન આ મહાનગરનાં મુખ્ય વહીવટી મથકો છે. બૃહદ (greater) માન્ચેસ્ટર પોલીસદળ એ લંડન બહારનું મોટામાં મોટું પોલીસદળ છે. માન્ચેસ્ટરમાં તાજની અદાલત (Court of the Crown) છે.
ઇતિહાસ : બૃહદ માન્ચેસ્ટરના ઉત્તર ભાગમાં આવેલા બોલ્ટન નજીકના હોલકોમ્બે મૂર ખાતેથી પ્રાગૈતિહાસિક કાળના મધ્યપાષાણયુગીન માનવના અવશેષો મળી આવેલા છે. રોમનોએ માન્ચેસ્ટર ખાતે મૅમુસિયમ અથવા મૅન્કુનિયમ નામનો કિલ્લો બાંધેલો. તે કાળમાં આ કિલ્લામાંથી ઘણાં નગરો તરફ માર્ગો જતા હતા. 1972માં કૉક્સિયમમાં લોખંડ ગાળવાની ભઠ્ઠીઓ હતી તે પુરાતત્ત્વવિદોએ ઉત્ખનનકાર્ય દ્વારા શોધી કાઢ્યું છે.
અગાઉના સમયમાં આ વિસ્તાર મર્સિયાના સામ્રાજ્યનો એક ભાગ હતો, પછીથી ડેનેલૉ અને તે પછીથી આ પ્રદેશ વેસેક્સનો ભાગ રહેલો. નૉર્મનોના વિજય બાદ અહીંનાં શહેરો–નગરોમાં બજારો વિકસતાં ગયાં. સુધારાનો યુગ આવતાં બોલ્ટન અને માન્ચેસ્ટરમાં પ્યુરિટનવાદી મથકો ઊભાં થતાં ગયાં, ત્યારે આ પ્રદેશ રોમન કૅથલિક ધર્મ પાળતો હતો. સત્તરમી સદીના મધ્યકાળ દરમિયાન થયેલા આંતરવિગ્રહ વખતે માન્ચેસ્ટર અને બોલ્ટન લોકશાહીમાં માનતાં હતાં, જ્યારે વિગાન મૂડીવાદને સમર્થન આપતું હતું.
મધ્યયુગ બાદ અહીંના સ્થાનિક લોકો કાપડ બનાવતા થયા. 17મી સદી દરમિયાન બરી, ઓલ્ડહામ અને રૉશડેલમાં ઊની કાપડ અને માન્ચેસ્ટરમાં લિનન બનતું હતું. આ જ ગાળા દરમિયાન માન્ચેસ્ટરમાં નવા ઉદ્યોગો ઊભા થતા ગયા. કાપડ-ઉત્પાદન અને કોલસાના ખાણકાર્યનું મહત્ત્વ વધતું ગયું.
અઢારમી સદીમાં અને ઓગણીસમી સદીના પ્રારંભમાં બધાં જ શહેરો વચ્ચે માર્ગ-બાંધકામ થયું, તેથી માન્ચેસ્ટરથી લંડનનો મુસાફરી-સમય જે 1772માં સાડા ચાર દિવસનો થતો હતો તે 1824માં માત્ર 11⁄2 દિવસનો થઈ ગયો. આ જ ગાળામાં અહીં નહેરનું નિર્માણકાર્ય પણ થયું અને 1830માં માન્ચેસ્ટર–લિવરપુલ રેલમાર્ગ પણ શરૂ થયો.
1819માં માન્ચેસ્ટરમાંના સેન્ટ પીટર્સફિલ્ડ ખાતે પીટરલૂ હત્યાકાંડની ઘટના બનેલી. તેમાં કોઈ રાજકીય દેખાવો ટાણે કોઈ એક વક્તાને પકડવા દળ મોકલવામાં આવેલાં, તે વખતે 11 લોકોની હત્યા થઈ અને સેંકડો ઘાયલ થયેલા.
સમય જતાં યંત્રોમાં સુધારો થતાં, માન્ચેસ્ટરનો કાપડ-ઉદ્યોગ વિકસ્યો અને ઝડપથી વિસ્તર્યો. 1827 સુધીમાં બ્રિટનની 50 % સાળ માન્ચેસ્ટર અને સ્ટૉકપૉર્ટમાં હતી. 1860–70માં અમેરિકી આંતરવિગ્રહ દરમિયાન અહીં કપાસની ખૂબ તંગી વરતાયેલી. ઘણા કારીગરોને નોકરીઓ ગુમાવવી પડેલી. લોકો ખૂબ મુશ્કેલીમાં મુકાયેલા; પરંતુ, તે પછીથી અહીં રસાયણો, વીજ-ઇજનેરી, રબર વગેરે જેવા જુદા જુદા ઉદ્યોગો એક પછી એક વિકસતા ગયા. બહારથી ઘણા લોકો અહીં આવ્યા. 1894માં માન્ચેસ્ટર જહાજી નહેર શરૂ થઈ, તેથી માન્ચેસ્ટર વાયવ્ય ઇંગ્લડનું ભૂમિબંદર બની રહ્યું.
વીસમી સદીના પૂર્વાર્ધકાળમાં માન્ચેસ્ટરમાં કાપડઉદ્યોગ-ક્ષેત્રે ઉત્પાદન ધીમે ધીમે ઘટતું ગયું, પરંતુ શહેરમાં બીજા ઘણા ધંધાઓ વિકસતા જવાથી અર્થતંત્રમાં ઓટ આવી નહિ. વસ્તીના લોકો અન્યત્ર ગયા નહિ. 1801માં તેની વસ્તી 79,000 હતી, તે 1931માં 7,80,000 થઈ હતી. બીજા વિશ્વયુદ્ધ બાદનાં વર્ષોમાં બૃહદ માન્ચેસ્ટરનું સ્વરૂપ બદલાઈ ગયું. બૉંબમારાથી તારાજ થયેલા વિભાગોનું પુનર્નિર્માણ થયું, ઝૂંપડપટ્ટીઓને સાફ કરીને ત્યાં ઊંચી ઇમારતો બંધાઈ. અહીંથી કાપડ-વેપાર તો ઘટતો જ ગયો તેમજ ખાણકાર્યનો પણ લગભગ અંત આવ્યો; તેમ છતાં નવા ઉદ્યોગ સ્થપાતા ગયા છે અને આ પરગણું ઇંગ્લૅંડનું એક પ્રમુખ ઔદ્યોગિક, નાણાકીય અને વ્યાપારી મથક બની રહેલું છે.
ગિરીશભાઈ પંડ્યા