માધ્યમિક શિક્ષણ બૉર્ડ : માધ્યમિક શિક્ષણની ગતિવિધિનું નિયમન કરતું ગુજરાત રાજ્યનું તંત્ર. ગુજરાતમાં (2000માં) ધોરણ 8, 9 અને 10નું શિક્ષણ માધ્યમિક શિક્ષણ (secondary education) ગણાય છે. એ પછીનાં ધોરણ 11 અને 12 મળી ઉચ્ચતર માધ્યમિક (higher secondary) શિક્ષણ ગણાય છે.
ગુજરાત સરકારે 1972માં માધ્યમિક શિક્ષણ ધારો પસાર કર્યો. બે વર્ષમાં ધારાની કલમોનું અર્થઘટન કરતા વિનિયમો બનાવ્યા, તે 1974થી અમલમાં આવ્યા.
માધ્યમિક શિક્ષણ ધારા હેઠળ ગુજરાત માધ્યમિક શિક્ષણ બૉર્ડની રચના થઈ. એ પછીથી માધ્યમિક શાળાઓ સ્થાપવા, નવા વર્ગો શરૂ કરવા, આચાર્ય તથા શિક્ષકોની નિમણૂક કરવા, અભ્યાસક્રમો ઘડવા, પાઠ્યપુસ્તકો તૈયાર કરાવવાં વગેરે શૈક્ષણિક બાબતો નક્કી કરવાની સત્તા માધ્યમિક શિક્ષણ બૉર્ડને સોંપાઈ. આ બધી બાબતો બૉર્ડની ભલામણ અને સૂચનો અનુસાર સરકારનું શિક્ષણખાતું હાથ ધરે છે.
રચના અને બંધારણ : માધ્યમિક શિક્ષણધારા તથા વિનિયમો અનુસાર સરકારે માધ્યમિક શિક્ષણ બૉર્ડની રચના કરી છે. એ બૉર્ડ સ્વતંત્ર અને સ્વાયત્ત છે, અને એ રીતે સંસ્થાપિત મંડળ (body corporate) છે.
બૉર્ડની રચનામાં લગભગ 50 સભ્યોનો સમાવેશ કરાયેલો છે. બૉર્ડના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની નિમણૂક સરકાર પોતે કરે છે. તે ઉપરાંત શિક્ષણ-કમિશનર; શિક્ષણ-નિયામક; કૃષિ-નિયામક; પ્રાથમિક શિક્ષણ મંડળના અધ્યક્ષ; રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના અધ્યક્ષ; ગુજરાત શૈક્ષણિક સંશોધન અને પ્રશિક્ષણ સમિતિ(GCERT)ના અધ્યક્ષ; માનવશક્તિ, રોજગાર અને તાલીમ મંડળના અધ્યક્ષ; શિક્ષણ મંત્રાલયના ઉપસચિવ-કક્ષાના અધિકારી; રાજ્ય પરીક્ષા બૉર્ડના અધ્યક્ષ; પ્રાવૈધિક (technical) પરીક્ષા બૉર્ડના અધ્યક્ષ વગેરે પોતાના હોદ્દાની રૂએ સભ્ય ગણાય છે. આ સિવાય કેટલાક સભ્યો ચૂંટણી દ્વારા લેવાય છે, જેમાં રાજ્યની યુનિવર્સિટીઓની ઍકેડેમિક કાઉન્સિલમાંથી ચૂંટાયેલા સભ્ય, સામાન્ય માધ્યમિક શાળાઓના આચાર્યોમાંથી ચૂંટાયેલા સભ્યો, ઉત્તર બુનિયાદી શાળાઓના આચાર્યોમાંથી ચૂંટાયેલા સભ્યો, સામાન્ય માધ્યમિક શાળાઓના શિક્ષકોમાંથી ચૂંટાયેલા સભ્યો, ઉત્તર બુનિયાદી શાળાઓના શિક્ષકોમાંથી ચૂંટાયેલા સભ્યો, તાલીમી કૉલેજોના આચાર્યોમાંથી ચૂંટાયેલા સભ્યો, સોસાયટી ધારા હેઠળ રજિસ્ટર થયેલા શાળાસંચાલક મંડળના ચૂંટાયેલા પ્રતિનિધિ; સાર્વજનિક ટ્રસ્ટ ધારા નીચે નોંધાયેલા શાળા-સંચાલક મંડળના ચૂંટાયેલા પ્રતિનિધિ, શાળાઓનાં વાલીમંડળોના પ્રમુખોના પ્રતિનિધિ, વિધાનસભાના સભ્યોએ તેમનામાંથી ચૂંટેલા પ્રતિનિધિ આદિનો સમાવેશ થાય છે. વિજ્ઞાન, ઉદ્યોગ કે વાણિજ્યનું જ્ઞાન ધરાવતી કે વ્યાવહારિક અનુભવ ધરાવતી વ્યક્તિઓમાંથી કેટલીકને પ્રતિનિધિ રૂપે રાજ્ય સરકાર બૉર્ડ પર નિયુક્ત કરે છે. એ રીતે આમાં બધા મળીને પચાસ જેટલા સભ્યોનું માધ્યમિક શિક્ષણ બૉર્ડ બને છે.
બૉર્ડના ચૂંટાયેલા તથા નિયુક્ત થયેલા સભ્યોની મુદત સામાન્ય રીતે ત્રણ વર્ષની હોય છે. પરંતુ રાજ્ય સરકાર તે વધારીને ચાર વર્ષની કરી શકે છે.
નિયમાનુસાર દર વર્ષે બૉર્ડની ઓછામાં ઓછી ત્રણ બેઠકો મળવી જોઈએ. કોઈ પણ બે બેઠકો વચ્ચે ચાર માસથી ઓછો સમયગાળો રહેવો જોઈએ. જરૂર જણાય તો અધ્યક્ષ ખાસ કે વધુ બેઠકો બોલાવી શકે છે. સભ્યોમાંથી ત્રીજા ભાગના સભ્યો જો વિનંતી કરે તો અધ્યક્ષે 21 દિવસમાં ખાસ બેઠક બોલાવવી પડે છે.
બૉર્ડની સત્તા અને ફરજો : માધ્યમિક શિક્ષણ બૉર્ડ માધ્યમિક શિક્ષણના ક્રમબદ્ધ વિકાસ, શિક્ષણનાં ધોરણો, રાજ્યની શિક્ષણનીતિનો સમન્વય અને શૈક્ષણિક આયોજન તેમજ વ્યવસ્થા અંગે સરકારને સલાહ આપે છે. આ ઉપરાંત વિવિધ કક્ષાના અભ્યાસક્રમો બૉર્ડ તૈયાર કરે છે અને તે પ્રમાણે પાઠ્યપુસ્તકો તૈયાર કરાવી રાજ્ય સરકારને તેમની ભલામણ કરે છે. બૉર્ડ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શિક્ષણ – આ ત્રણેયની સુધારણા અને વિકાસ માટેની વિવિધ યોજનાઓને પ્રોત્સાહન આપે છે.
માધ્યમિક શાળાઓએ બૉર્ડ પાસે નોંધણી કરાવવાની હોય છે. તે માટે શાળાઓએ પાળવાની શરતો બૉર્ડ નક્કી કરે છે. જો કોઈ શાળા બૉર્ડની શરતોનું યોગ્ય પાલન ન કરે તો તેને અપાતું અનુદાન કાપવાનો તે આદેશ આપે છે. શિક્ષકોને બઢતી આપવા અંગે બૉર્ડ ધોરણો ઠરાવે છે. શાળાએ નવા વર્ગો ખોલવા હોય તો તે માટે બૉર્ડની પરવાનગી આવશ્યક હોય છે. વળી બૉર્ડના નિયમોનું પાલન ન કરતી શાળાઓની નોંધણી રદ કરવાનું અને શાળાઓની તપાસ કરી દંડાત્મક પગલાં લેવાનું કામ પણ તે કરે છે. માધ્યમિક શાળાંત પરીક્ષામાં સંચાલન, પરીક્ષણ, ગુણપત્રકો તૈયાર કરવાના અને પ્રમાણપત્ર આપવાના અધિકારો પણ બૉર્ડને સોંપવામાં આવ્યા છે.
નવી નિમણૂકો માટેનું તથા બદલી ઇચ્છતા શિક્ષકોનું પત્રક બૉર્ડ તૈયાર કરે છે અને તેને પરિપત્રિત કરે છે.
શાળા બંધ થવાની નોટિસ મળી હોય તો તે સંજોગોમાં તે ચાલુ રહે તે જોવા માટે, કોઈ અન્ય સંચાલક મંડળને તે સોંપવાની કે નવા સંચાલક મંડળની રચનાને પ્રોત્સાહન આપવાની ફરજ બૉર્ડની રહે છે.
શિક્ષકોની લાયકાતો, તેમની પસંદગી, તેમની નિમણૂક, બઢતી અને છટણીની શરતો તથા શિસ્ત અને વર્તણૂકના નિયમો ઘડવાનો અધિકાર પણ બૉર્ડને હોય છે. આ કામ શિક્ષણ ધારાની જોગવાઈઓ સાથે સુસંગત એવા વિનિયમો ઘડીને કરાય છે.
ઉપર જણાવેલી બૉર્ડની રચના, બંધારણ, સત્તા તથા ફરજો જોતાં એમ કહી શકાય કે માધ્યમિક શિક્ષણ બૉર્ડ માધ્યમિક શિક્ષણ અંગે સરકારને સલાહ-સૂચનો અને માર્ગદર્શન આપવા માટેનું તથા ભલામણો કરવા માટેનું સત્તામંડળ છે. શિક્ષણધારાના હેતુઓ પાર પાડવા તે વિનિયમો ઘડી શકે છે. આ વિનિયમોને ગુજરાત સરકાર મંજૂરી આપે તે પછી જ તે અસરકારક કે અમલી બની શકે છે.
કેટલીક વાર શિક્ષકો અને શાળાના વિવાદ, શિક્ષક-શિક્ષક વચ્ચેના વરીયતા(seniority)ના પ્રશ્નો, નિમણૂકોની કાયદેસરતાનો વિવાદ વગેરે સમયે ધારા અનુસાર ટ્રિબ્યૂનલની રચના કરવી પડે છે અને માત્ર ટ્રિબ્યૂનલ જ તેનો નિર્ણય કરી શકે છે. બૉર્ડને આ બાબતોમાં વિવાદ તપાસવાનો કે ટ્રિબ્યૂનલે આપેલા નિર્ણય પર ફેરવિચારણા કરવાનો અધિકાર નથી.
વળી સુપરવાઇઝરની નિમણૂકની કાયદેસરતા અંગે અભિપ્રાય આપવાની બૉર્ડને સત્તા નથી. શિક્ષણધારો અમલમાં આવ્યો તે પહેલાં અનુદાન સંહિતા (grant-in-aid code) પ્રમાણે નિમાયેલા કન્યાશાળાના પુરુષ-આચાર્યની માન્યતા અટકાવવાની બૉર્ડને સત્તા નથી. સાદા ઠરાવ કે પરિપત્ર દ્વારા વરીયતા નક્કી કરવાની પદ્ધતિ બૉર્ડ ઠરાવી શકે નહિ, જોકે કેટલાક વિનિયમો હેઠળ આવું કાર્ય કરવાની સત્તા બૉર્ડને છે; પણ બૉર્ડના ઘડેલા વિનિયમો રાજ્ય સરકાર દ્વારા મંજૂર થયા પછી જ અમલમાં આવી શકે છે.
બૉર્ડના હોદ્દેદારો : માધ્યમિક શિક્ષણ બૉર્ડના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂક રાજ્ય સરકાર કરે છે; તેવી જ રીતે બૉર્ડના સચિવ(secretary)ની નિમણૂક કરવાનું પણ રાજ્ય સરકારને અધીન છે. જરૂર પડ્યે સરકાર સંયુક્ત મંત્રી કે વધારાના મંત્રીઓની નિમણૂક પણ કરી શકે છે.
અધ્યક્ષ બૉર્ડની સભાઓમાં પ્રમુખસ્થાને બેસે છે. તેમની ગેરહાજરીમાં ઉપાધ્યક્ષ પ્રમુખસ્થાન લે છે. તાકીદની સ્થિતિમાં અધ્યક્ષ બોર્ડે કરવાનું કામ પોતે કરી શકે છે અને પછીથી બૉર્ડની બેઠકમાં તે કામની બહાલી મેળવી શકે છે.
સચિવ બૉર્ડના વહીવટકર્તા અધિકારી છે. તેમના દ્વારા અધ્યક્ષ સર્વ વહીવટ અને પત્રવ્યવહાર કરે છે. શિક્ષણધારાના વિનિયમોમાં અધ્યક્ષ અને સચિવની સત્તાઓ અને કાર્યોની વિશેષ સ્પષ્ટતા કરવામાં આવી છે.
બૉર્ડની સમિતિઓ : પોતાનાં કાર્યો બજાવવા શિક્ષણ ધારાના આદેશ અનુસાર બૉર્ડ કારોબારી સમિતિ અને પરીક્ષા સમિતિ રચે છે. આ ઉપરાંત બૉર્ડ જરૂર પ્રમાણે બીજી સમિતિઓ પણ નીમે છે.
કારોબારી સમિતિ દશેક સભ્યોનું બનેલું મંડળ છે. તેમાં સામાન્ય રીતે હોદ્દાની રૂએ નિમાયેલા સભ્યોમાંથી બે, ચૂંટાયેલા સભ્યોમાંથી છ, નિયુક્ત થયેલા સભ્યોમાંથી એક અને સમગ્ર બૉર્ડમાંથી એક સભ્ય હોય છે.
નીતિ-વિષયક પ્રશ્નો સમગ્ર બૉર્ડ ચર્ચે છે, અને નિર્ણયો લે છે, પણ વહીવટી કાર્યો કરવાનું તથા બોર્ડે લીધેલા નિર્ણયોનો અમલ કરાવવાનું કામ કારોબારી કરે છે. પરીક્ષા સમિતિ પરીક્ષાઓ અને ખાસ કરીને અભ્યાસના અંતે લેવાતી માધ્યમિક શાળાંત પરીક્ષાનું સંચાલન, તેનાં ધોરણો, તેના પ્રાશ્નિકો અને પરીક્ષકોની નિમણૂક જેવાં કાર્યો કરે છે.
અભ્યાસક્રમ સમિતિ વિવિધ કક્ષા માટે અભ્યાસક્રમ ઘડે છે અને તે પ્રમાણે પાઠ્યપુસ્તક મંડળ પ્રથમ ગુજરાતી ભાષામાં પાઠ્યપુસ્તકો તૈયાર કરાવે છે અને ત્યારપછી અન્ય માધ્યમોની શાળાઓ માટે તેમનાં ભાષાંતર કરાવે છે.
ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બૉર્ડની ધોરણ 12ને અંતે લેવાતી પરીક્ષાઓની વ્યવસ્થા હાલમાં તો આ જ બૉર્ડ સંભાળે છે.
મહેન્દ્રિકા ચંદુલાલ ભટ્ટ