માધવાણી, મનુભાઈ (જ. 15 માર્ચ 1930, જિંજા, યુગાન્ડા ) : અગ્રણી ઉદ્યોગપતિ અને દાનવીર. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભારતમાં લીધું હતું. 1949માં યુગાન્ડા પાછા ફરી કૌટુંબિક ઉદ્યોગગૃહમાં જોડાયા. તેમનું કાર્યક્ષેત્ર ખાંડ, ચા, કપાસ અને જિનિંગના ઉદ્યોગો અને વ્યાપાર હતું. મનુભાઈએ તેમાં સમયાંતરે લોખંડ, પ્લાસ્ટિક, કાચ, સાબુ, દીવાસળી અને પૅકેજિંગના ઉદ્યોગો પણ ઉમેર્યા. 1970માં યુગાન્ડાની રાષ્ટ્રીય આવકનો આશરે 10 % હિસ્સો માધવાણી સંકુલનો ગણાતો હતો. માધવાણીનગરમાં આશરે 20,000 માણસોને રોજી ઉપરાંત વિનામૂલ્ય પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેની સવલતો મળે તેવી વ્યવસ્થા તેમણે ગોઠવી હતી.
1972માં યુગાન્ડામાં લશ્કરી બળવો થતાં તેમને જેલમાં પૂરી તેમની સઘળી મિલકત જપ્ત કરવામાં આવી હતી. પાછળથી તેમને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. તેઓ લંડન ગયા અને 1975માં ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કંપની – ‘ઇન્ડિકો’–ની શરૂઆત કરી, વ્યાપારક્ષેત્રે ઝંપલાવી, તેમણે ડિપાર્ટમેન્ટલ સ્ટોરોની શૃંખલા ઊભી કરી અને બ્રિટનમાં પહેલા 10 શ્રીમંત એશિયનોમાં સ્થાન મેળવ્યું.
1985માં યુગાન્ડાના નવા શાસક કર્નલ મુસોવિલીનીએ તેમને ફરી યુગાન્ડા આવવા નિમંત્ર્યા. પાછા ગયા પછી યુગાન્ડામાં તેમણે પોતાના ખાંડના અને અન્ય ઉદ્યોગોનું નવી તકનીક સાથે પુન:નિર્માણ કર્યું. યુગાન્ડા રાજ્યના કથળેલા અર્થતંત્રને સ્થિર કરવા તેમણે વિશ્વબૅંક અને યુગાન્ડા સરકાર વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવી હતી. યુગાન્ડાની અર્થવ્યવસ્થાનું પુનર્નિમાણ ઔદ્યોગિક ક્ષેત્રમાં મનુભાઈની એક ગણનાપાત્ર સિદ્ધિ ગણાય છે. તેમણે ઇંગ્લૅંન્ડ, અમેરિકા અને કૅનેડામાં પણ ઉદ્યોગોની સ્થાપના કરી છે.
મૂળજીભાઈ માધવાણી ફાઉન્ડેશનના નેજા હેઠળ તેમણે અનેક શિક્ષણસંસ્થાઓ શરૂ કરી છે. તેજસ્વી વિદ્યાર્થીઓ અને સંશોધનને પ્રોત્સાહન આપવા શિષ્યવૃત્તિઓ એનાયત કરવાની પણ વ્યવસ્થા કરી છે. 1994માં તેમણે નવ દિવસના સર્વધર્મ-સમભાવ મહોત્સવનું લંડનમાં આયોજન કર્યું હતું, જેમાં હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન અને શીખ સંતોનો સહયોગ મેળવી આધ્યાત્મિક એકતાદીપ પ્રગટાવવામાં આવ્યો હતો.
ગાંધીજીની ભગવદગીતાની નકલ લંડનમાં યોજાયેલ એક લિલામમાં તેમણે 19,000 પાઉંડમાં ખરીદી લીધી હતી અને બ્રિટન માટેના ભારતના તે સમયના રાજદૂત એલ. એમ. સિંધવીને ભારતમાં બાપુની અન્ય સ્મૃતિવસ્તુઓની સાથે રાખવા અર્પણ કરી હતી.
જિગીશ દેરાસરી