માધવદેવ (જ. 1490, લેટેકુફખુરી, લખિમપુર; અ. 1596, ભેલાદુઆર, આસામ) : પ્રસિદ્ધ અસમિયા વૈષ્ણવ આચાર્ય અને કવિ, નાટ્યકાર. આસામમાં વૈષ્ણવ ધર્મના સ્થાપક મહાપુરુષ શંકરદેવ(1449–1569)ના મુખ્ય શિષ્ય અને ધર્માધિકારી માધવદેવનો જન્મ એક દુ:ખી કાયસ્થ પરિવારમાં થયો હતો. માધવદેવે આજન્મ કૌમાર્યવ્રતનું પાલન કરી ધર્મ અને સમાજની ઉન્નતિમાં પોતાના જીવનને સમર્પી દીધું હતું. એટલે તો શંકરદેવે પોતાના પંથનો ભાર લેનાર વારસદાર તરીકે માધવદેવને સ્થાપિત કર્યા હતા. શંકરદેવ અને માધવદેવે સાથે મળી આસામમાં નામઘરો અને વૈષ્ણવસત્રોની સ્થાપના દ્વારા વૈષ્ણવ ધર્મનો સનાતનીઓના વિરોધો વચ્ચે પ્રચાર-પ્રસાર કરી એક સાંસ્કૃતિક નવજાગરણ આણ્યું હતું. વાસ્તવમાં માધવદેવે ગુરુનાં જે આદર્યાં અધૂરાં હતાં તે પોતાની ઉત્તમ વ્યવસ્થાશક્તિથી પૂર્ણ કર્યાં.
શંકરદેવની જેમ માધવદેવ તેમનાં બરગીતો અને અંકિયા નાટની રચનાઓથી અમર છે. ક્યાંક તો શિષ્યની સર્જનાત્મકતા અને દાર્શનિકતા ગુરુ કરતાં ચઢી જાય એવી છે. તેમનામાં સહજ કવિપ્રતિભા હતી. તેમની રચનાઓમાં પ્રસિદ્ધ છે – ‘નામઘોષા’, ‘રાજસૂય યજ્ઞ’, ‘આદિકાંડ રામાયણ’, ‘જન્મરહસ્ય’, ‘નામમાલિકા’ અને ‘ભક્તિ રત્નાવલી’. તેમાં ‘નામઘોષા’ અને ‘ભક્તિ રત્નાવલી’ અસમિયા વૈષ્ણવ ધર્મના પ્રાણરૂપ છે. ‘ભક્તિ રત્નાવલી’ને હેમ બરુવા જેવા અસમિયા સાહિત્યકાર વૈષ્ણવ ધર્મનું બાઇબલ કહે છે. એ ગ્રંથમાં એકશરણિયા સંપ્રદાય(સર્વશક્તિમાન એક ભગવાનની ભક્તિમાં વિશ્વાસ રાખનાર)ની ભાવના ઉત્તમ રીતે પ્રગટ થઈ છે.
જેમ શંકરદેવની ‘કીર્તનઘોષા’ પ્રસિદ્ધ છે, તેમ માધવદેવની ‘નામઘોષા’. (વિનોબાએ ‘નામઘોષા-સાર’ રૂપે એનો સંક્ષેપ કર્યો છે, જે ગુજરાતીમાં યજ્ઞ પ્રકાશને પ્રગટ કર્યો છે.) ‘નામઘોષા’ની દાર્શનિક ભિત્તિ વેદાંત છે. માધવદેવનો કંઠ સુમધુર હતો અને એ કંઠથી જે બરગીતો ગવાયાં તે અસમિયા વૈષ્ણવ પરંપરાની સમૃદ્ધિ બની. આજ પણ અનેક કંઠોથી તે ગવાતાં રહ્યાં છે. બરગીત એટલે શ્રેષ્ઠગીત – જેને ગુજરાતીમાં ‘ભજન’ કે ‘પદ’ કહી શકીએ. ‘નામઘોષા’નાં બરગીતોમાં ભક્તિ અને ગુરુકૃપા આ 2 સોપાનોને આત્મદર્શન માટે મહત્વનાં ગણવામાં આવ્યાં છે. ‘નામઘોષા’માં જીવ અને બ્રહ્મમાં ભેદ જોવામાં આવ્યો નથી. આત્મા અવિદ્યાને કારણે જ ઈશ્વરને પામી શકતો નથી. માયા અને અહંકારને લીધે જીવ સંસારના બંધનમાં પડે છે. અહંકારના નાશ વિના સંસારમાંથી મુક્તિ નથી. ‘નામઘોષા’ માધવદેવનું હૃદય છે, તેમ સમગ્ર આસામની જનતાનું. ગ્રંથની પહેલી કડી આખા ગ્રંથની ચાવીરૂપ છે. ‘જે મુક્તિ અંગે પણ નિ:સ્પૃહ છે, એવા ભક્તને હું નમું છું. હું રસમયી ભક્તિની યાચના કરું છું. હું દેવ યદુપતિને ભજું છું, જે સમસ્તનો મસ્તકમણિ છે અને છતાં ભક્તને અધીન છે.’
સુરદાસની જેમ માધવદેવનાં કૃષ્ણની બાળલીલાનાં પદો પણ હૃદયસ્પર્શી છે. ‘આદિકાંડ’ રામાયણનો અનુવાદ છે, પણ એમાં મૌલિકતાનો સંસ્પર્શ છે. ‘ભાવના’ નામથી ઓળખાતાં અંકિયા નાટ અર્થાત્ નાટકોમાં કૃષ્ણની માખણચોરીનું આલેખન કરતું નાટક ‘ચોર ધરા’ જાણીતું છે. માધવદેવ અસમિયા ભક્તિકવિતાના મુકુટમણિ છે.
ભોળાભાઈ પટેલ