માધવકર : આયુર્વેદના ‘માધવનિદાન’ નામે જાણીતા ‘રોગ-વિનિશ્ચય’ ગ્રંથના કર્તા. આચાર્ય માધવકરનો હયાતીકાળ વાગ્ભટ્ટનાં 200 વર્ષ પછી અને વૃંદ અને હારૂન-અલ-રશીદનાં 200 વર્ષ પૂર્વેનો એટલે કે છઠ્ઠી શતાબ્દીનો હોવાનું માનવામાં આવે છે. તેમના પિતા ઇન્દુકર બંગપ્રદેશના રહીશ હોવાની માન્યતા છે. માધવકર શિવભક્ત હતા.
રોગની ચિકિત્સામાં સર્વપ્રથમ રોગના ચોક્કસ નિદાનની જરૂરિયાત હોવાથી તત્કાલીન વૈદ્યસમાજના આગ્રહથી મહામતિ આચાર્ય માધવકરે ‘રોગવિનિશ્ચય’ નામના ગ્રંથની રચના કરી. આ ગ્રંથમાં આયુર્વેદનાં પ્રાય: બધાં અંગોમાં વર્ણિત રોગોનાં કારણ, લક્ષણો અને સંપ્રાપ્તિનું નિરૂપણ કરતા ચરક, સુશ્રુત અને વાગ્ભટ્ટના શ્લોકોનું ચયન-સંકલન છે. આ ગ્રંથ આયુર્વેદની વૃદ્ધત્રયી લેખાતી ગ્રંથસામગ્રી પર આધારિત હોઈ તેની પ્રમાણભૂતતા સર્વસ્વીકૃત છે. આ ગ્રંથ તેની વિશિષ્ટતાઓને કારણે વૈદ્યસમાજમાં અત્યંત લોકપ્રિય થયો છે. માધવકર પછીના વૃંદ, ચક્રપાણિ, બંગસેન, ગોવિંદદાસ જેવા આયુર્વેદિક ગ્રંથોના વિદ્વાન આલોચકોએ પણ ‘માધવનિદાન’માં બતાવેલા ક્રમ મુજબ પોતાના ગ્રંથમાં ક્રમ રાખી તેની ચિકિત્સા લખી છે. આઠમી શતાબ્દીમાં અરબી ખલીફા હારૂન-અલ-રશીદે ‘માધવનિદાન’ ગ્રંથનો અરબી ભાષામાં અનુવાદ કરાવેલો.
માધવકરે ‘માધવનિદાન’ ઉપરાંત ‘રત્નમાલા’ નામનો ગ્રંથ લખ્યો હોવાનો એક ઉલ્લેખ છે. આજે પણ ભારતમાં ‘રોગનિદાન’ – કાર્યમાં વૈદ્યો પ્રથમ ‘માધવનિદાન’ ગ્રંથનો આદરપૂર્વક આશ્રય લે છે જે આ ગ્રંથની સર્વોપરિતા અને સર્વોપયોગિતા દર્શાવે છે.
બળદેવપ્રસાદ પનારા