માધવ (1340થી 1425 દરમિયાન) : કેરળના જાણીતા ગણિતી અને ખગોળશાસ્ત્રી. કેરળના બ્રાહ્મણોની એમ્પ્રાણ તરીકે ઓળખાતી પેટાજ્ઞાતિમાં જન્મેલા માધવ સંગમગ્રામના વતની હતા. તેમના ગામનું નામ ઇલન્નીપલ્લી હતું. તેમના ગાણિતિક પ્રદાન અંગે પ્રો. સી. ટી. રાજગોપાલે સંશોધનકાર્ય કરેલું છે. હિંદુ ખગોળશાસ્ત્રની કેરળ વિચારધારા અનુસાર રચાયેલા ઇતિહાસમાંથી તેમના પ્રદાન અંગેની કેટલીક વિગતો જાણવા મળે છે.

ગણિતી માધવે tan–1x, sin x અને cosx વિધેયોનું શ્રેઢી સ્વરૂપમાં વિસ્તરણ અંગેનું નિદર્શન કરેલું છે. વળી πનું વધારે ચોકસાઈવાળું આસન્ન મૂલ્ય મેળવવા માટે અભિસારી શ્રેઢી પણ રજૂ કરેલી (જે હાલમાં ગ્રેગરી શ્રેઢી તરીકે ઓળખાય છે).

‘વેણ્વારોહ’ નામના તેમણે રચેલા ગ્રંથમાંથી દર છત્રીસ મિનિટે ચંદ્રની ચોક્કસ સ્થિતિ નક્કી કરવા અંગેની પદ્ધતિ તેમણે વિકસાવેલી એમ જાણવા મળે છે. ખગોળના તેમના જાણીતા ગ્રંથોમાંનો એક ‘લગ્ન-પ્રકરણ’ છે. તેમાંથી ચંદ્ર અંગેની સેકંડ સુધીની ચોકસાઈવાળી માપનક્ષમતા વિશેની માહિતી મળે છે. તેમના ‘મહાજ્ઞાનાયન પ્રકાર’ અને ‘મધ્યમાનાયન પ્રકાર’ ગ્રંથો અંગે માત્ર ટૂંકી નોંધો જ પ્રાપ્ત છે, તેમાં કેટલાંક નવાં પ્રમેય અને ગણન અંગેની પદ્ધતિઓ સમાયેલી છે. જેનો તેમની પછી થયેલા ગણિતીઓએ સારો એવો ઉપયોગ કરેલો એવું જાણવા મળે છે. ખગોળશાસ્ત્રના પ્રાચીન અધિકૃત લેખોમાંથી જાણવા મળે છે કે ‘અ-ગણિત પંચાંગ’ ગ્રંથ માધવે લખેલો છે. વળી ‘અ-ગણિત ગ્રહચર’માંથી ઉતારવામાં આવેલી કરણ પદ્ધતિના લખાણમાં મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને ચંદ્રના નીચોચ્ચ બિંદુ અંગેની ગણતરીનાં વર્ષો શક સંવત 1320, 1318, 1340, 1158, 1301 અને 1207માં એટલે કે સન 1398, 1396, 1418, 1236, 1379 અને 1354 છે એમ તારવેલું છે. માધવની ગણિત અને ખગોળ અંગેની કૃતિઓનો અભ્યાસ કર્યા પછી એમ લાગે છે કે માધવે ખગોળશાસ્ત્ર અને ગણિતશાસ્ત્ર ઉપર વિશદ ગ્રંથ રચ્યો હોવો જોઈએ. માધવની કેટલીક રચનાઓ પદ્ય સ્વરૂપમાં છે. ગણનની રીતો એકાકી પદ્યખંડો અને કાવ્યસમુચ્ચયો દ્વારા વ્યક્ત કરેલી છે. તેમજ પ્રમેયો અને સૂત્રો માધવે લખેલાં છે એમ તેમની પછીના ગણિતીઓ માને છે. માધવે ‘ગોલકવાદ’ નામે ગ્રંથ રચ્યો હોવાનો સંભવ છે. અને આથી જ તેમની પછીના વિદ્વાનોમાં ‘ગોલવિદ્’ તરીકે તે ખ્યાતનામ છે.

શિવપ્રસાદ મ. જાની