માદન, જમશેદજી ફરામજી

January, 2002

માદન, જમશેદજી ફરામજી (જ. 1856; અ. 1923) : ભારતમાં ચલચિત્રોને છબિઘર સુધી પહોંચાડનાર પારસી ગૃહસ્થ. તેમણે બંગાળમાં રંગમંચ અને ચલચિત્રના ક્ષેત્રે પાયાનું કામ કર્યું. કોલકાતાના ચિત્રઉદ્યોગ પર તેઓ છવાઈ ગયા હતા. વીસમી સદીના પ્રારંભે નાટક કંપનીથી પ્રારંભ કરીને પારસી અને ઉર્દૂ નાટકોનું મંચન કરીને ખૂબ લોકપ્રિયતા મેળવનાર માદન કંપની ભારતમાં ચલચિત્રોના વિતરણના વ્યવસાયમાં પણ પાયાનો પથ્થર બની. 1903માં માદન ખ્યાતનામ પાથે કંપનીએ બનાવેલાં પ્રોજેક્ટર અને કૅમેરા ભારતમાં આયાત કરનાર પ્રતિનિધિ બની ગયા. ચલચિત્રો જ્યારે હોટલોના ખંડમાં અને નાટ્યગૃહોમાં દર્શાવાતાં ત્યારે માદને છેક 1900ના અરસામાં ખાસ ચલચિત્રો માટે છબિઘરનું નિર્માણ કર્યું.

જમશેદજી ફરામજી માદન

1907માં કોલકાતાનું પ્રથમ છબિઘર એલ્ફિન્સ્ટન તેમણે સ્થાપ્યું. કોલકાતાથી શરૂ કરેલી આ પ્રવૃત્તિ ધીમે ધીમે આખા દેશમાં વિસ્તરી અને 1920 સુધીમાં તો બ્રિટિશ શાસન હેઠળના ભારત ઉપરાંત શ્રીલંકા (ત્યારે સિલોન) અને મ્યાનમાર(ત્યારે બ્રહ્મદેશ)માં મોટા ભાગનાં છબિઘરો માદન કંપનીનાં હતાં. એ વખતે તેમની માલિકીનાં 172 છબિઘર હતાં. વિતરણના ક્ષેત્રે પણ તેમનો એવો જ એકાધિકાર હતો. સારાં સારાં વિદેશી ચિત્રો ઉપરાંત મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં નિર્માણ પામેલાં ચિત્રોનું દેશભરમાં તેમની કંપની વિતરણ કરતી હતી.

ચલચિત્રક્ષેત્રે તો માદને છેક 1905માં ઝુકાવી દીધું હતું. એ વર્ષે જ્યોતિષ સરકાર નામની એક વ્યક્તિને તેમણે બંગભંગની ચળવળ અંગે એક દસ્તાવેજી ચિત્ર બનાવવાનું કામ સોંપ્યું હતું. એ પછીનાં વર્ષોમાં બંગાળી જીવનને સ્પર્શતા ઘણા વિષયો પર તેમણે દસ્તાવેજી ચિત્રોનું નિર્માણ કર્યું. ઉદાહરણ તરીકે ‘રૉયલ વિઝિટ ટૂ કૅલકટા’, ‘ડાન્સિંગ ઑવ્ ધી ઇન્ડિયન ગર્લ્સ’. બંગાળમાં પણ પ્રથમ કથાચિત્ર બનાવવાનું શ્રેય માદન કંપનીને જ છે. પહેલાં તેમણે એલ્ફિન્સ્ટન બાયસ્કોપની સ્થાપના કરીને તેમની પોતાની કંપનીના એક લોકપ્રિય નાટક પર આધારિત ‘સત્યવાદી રાજા હરિશ્ચિંદ્ર’ ચિત્ર બનાવ્યું. 2,135 મીટર (7,000 ફૂટ) લંબાઈ ધરાવતા આ ચિત્રના ન્યૂ ટેન્ટ મેદાન થિયેટરમાં રોજના બે ખેલ યોજાતા હતા.

માદને પણ પ્રારંભે ધાર્મિક-પૌરાણિક કથાનકો પર પસંદગી ઉતારી હતી. 1919માં ‘બિલ્વમંગલ’નું નિર્માણ કર્યા બાદ માદને 1921માં ‘નળદમયંતી’ ઉપરાંત ‘સતી બેહુલા’, ‘મહાભારત’, ‘જય મા જગદંબે’, ‘ધ્રુવચરિત્ર’ વગેરે ચિત્રો બનાવ્યાં. પોતાનાં ચિત્રોમાં પ્રારંભથી જ લોકરુચિનું મહત્વ તેમણે સ્વીકાર્યું હતું. 1922માં ‘પતિભક્તિ’ નામના સામાજિક ચિત્રમાં એક ઇટાલિયન અભિનેત્રીએ ખલનાયિકાની ભૂમિકા ભજવી હતી. 1922ના વર્ષમાં તેમણે બનાવેલાં 15 ચિત્રો પ્રદર્શિત થયાં હતાં. તેમનાં ચિત્રોમાં ઇટાલિયન કલાકારો અને દિગ્દર્શકોની બોલબાલા રહી હતી. જમશેદજી માદનના નિધન બાદ તેમના પુત્રે ચિત્રનિર્માણ અને દિગ્દર્શનની જવાબદારી સંભાળી હતી.

હરસુખ થાનકી