માથેરાન : મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈ મેટ્રોપૉલિટન પ્રદેશમાં આવેલું ગિરિમથક.
ભૌગોલિક સ્થાન – આબોહવા : તે 18 98´ ઉ. અ. અને 73 27´ પૂ. રે. પર સ્થિત છે. સમુદ્રસપાટીથી તેની ઊંચાઈ આશરે 800 મીટર છે. ભારતનું સૌથી નાનું આ ગિરિમથક છે જે પશ્ચિમઘાટમાં આવેલું છે. આ ગિરિમથકના વિસ્તારમાંથી ધાવરી નદી ઉદગમ પામે છે. સહ્યાદ્રિની ટેકરીઓમાં આવેલા ઉચ્ચપ્રદેશના સમતળ શિરોભાગ પર તે વસેલું છે. મરાઠી ભાષામાં માથેરાન એટલે ‘Forest on the Forhead’ થાય છે. એટલે કે જેના મથાળે વનશ્રીની વિપુલતા છે તેવું ગિરિમથક.

માથેરાનનો નકશો
આ મથક ઊંચાઈ પર આવેલું હોવાથી ઉનાળાના સમયગાળામાં વાતાવરણ ઠંડું અને સૂકું રહે છે. તાપમાન આશરે 32 સે.થી 16 સે. રહે છે. ઑક્ટોબરથી નવેમ્બર માસ દરમિયાન વર્ષાઋતુમાં તાપમાન પ્રમાણમાં વધુ નીચું અનુભવાય છે, પરંતુ ભેજવાળુ હોતું નથી. શિયાળાના સમયગાળામાં તાપમાન 11 સે. જેટલું નીચું અનુભવાય છે. દિવસ દરમિયાન વાતાવરણ ખુશનુમા રહે છે. જ્યારે રાત્રિ દરમિયાન ઠંડીનો અનુભવ થાય છે. આ સમયગાળામાં નવદંપતી ‘હનીમૂન’ માટે આ સ્થળ વધુ પસંદ કરે છે. માર્ચથી મે માસ દરમિયાન દિવસે તાપમાન 35 સે. કરતાં પણ વધુ ઊંચું જાય છે. જૂનથી સપ્ટેમ્બર માસ દરમિયાન વરસાદ અધિક રહે છે.
જમીન અને વનસ્પતિ : અહીં જોવા મળતા ખડકો ક્રિટેસિયસ સમયના છે. મોટે ભાગે કાળમીંઢ બેસાલ્ટ ખડકો આવેલા છે. ધોવાણ અને ઘસારાને કારણે અહીં લેટેરાઇટ પ્રકારની જમીન નિર્માણ પામી છે. જેમાં રેતી અને નાના-મોટા કંકરનું પ્રમાણ અધિક રહેલું છે. આ જમીનોનો રંગ પ્રમાણમાં કથ્થઈ છે, જેની કણરચના વિશિષ્ટ પ્રકારની છે. આ જમીન ભેજનો વધુ સંગ્રહ કરી શકે છે. ઊંચાણવાળા ભાગમાં જમીનનું સ્તર પાતળું હોવાથી ધોવાણ વધુ થાય છે.
આ વિસ્તારમાં આવેલાં જંગલો મિશ્ર પ્રકારનાં એટલે કે સદાબહાર અને પાનખર જંગલો છે. અહીં જોવા મળતાં વૃક્ષો સદાય લીલાં રહે છે. અહીંની જમીન લેટેરાઈટ અને ભેજવાળી હોવાથી વનસ્પતિનું વૈવિધ્ય વધુ જોવા મળે છે. વિશ્વના અનેક વનસ્પતિશાસ્ત્રીઓએ અહીંની વનસ્પતિનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો છે. જેમાં Smyth J. Y. (1871), Kothari & Moorthy (1993) તેમજ સેંટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈના વનસ્પતિશાસ્ત્રીએ જણાવ્યું છે કે અહીં અનેક પ્રકારની ઔષધિના છોડ આવેલા છે. આથી 4 ફેબ્રુઆરી, 2003ના રોજ કેન્દ્ર સરકારના પર્યાવરણ વિભાગે આ વિસ્તારને Eco-Sensitive Zone (ESZ) તરીકે જાહેર કરેલો છે. આ વિસ્તારમાં અતિવૃષ્ટિને કારણે ભૂસ્ખલન થવાની શક્યતા વધુ રહેલી છે. વર્ષાઋતુ દરમિયાન અતિશય ઝડપી પવનો અનુભવાતા હોવાથી ધોવાણનું પ્રમાણ પણ થતું રહે છે. સરકાર તરફથી ઢોળાવવાળા વિસ્તાર ઉપર પાળા બાંધીને, જાળીઓ બાંધીને વૃક્ષછેદન અટકાવીને ભૂસ્ખલનને રોકવાના પ્રયત્નો શરૂ થઈ ગયા છે.
આ જંગલોમાં વન્યપ્રાણીઓમાં દીપડા, ભસતું હરણ, શિયાળ, વનીયર, જંગલી કૂતરા, વિવિધ વાનરો જોવા મળે છે. અહીં વાનરોની સૌથી જૂની પ્રજાતિનાં વાનરો (Macaques) અને હનુમાન વાનરોનું પ્રમાણ અધિક છે.

મક્કાસ (Macaques) જૂની પ્રજાતિના વાનર
પરિવહન : માથેરાન રસ્તા અને રેલમાર્ગથી મુંબઈ (100 કિમી.) અને પૂના (120 કિમી.) સાથે સંકળાયેલ છે. માથેરાનની તળેટીમાં આવેલ નેરલ શહેર ખાતે નૅરોગેજ રેલવેસ્ટેશન આવેલું છે. માથેરાન હિલ રેલવેસ્ટેશન અને નેરલ શહેર વચ્ચે નૅરોગેજ ટ્રેન (Toy Train) સેવા ઉપલબ્ધ છે. આ ટ્રેનમાં 85 બેઠક છે. આ મુસાફરીનો સમયગાળો આશરે અઢી કલાકનો છે. બસસેવા નેરલ અને કરજત શહેર રેલવેસ્ટેશનથી ઉપલબ્ધ હોય છે. ટૅક્સીસેવા પણ ફક્ત અમન લૉજ સુધીની જ હોય છે. માથેરાનમાં કૉર્પોરેશન દ્વારા ચાલતી ઍમ્બુલન્સ અને ઈ-રિક્ષાને માન્યતા મળેલી છે. ઈ-રિક્ષાને માથેરાનના અંતરિયાળ વિસ્તારમાં જવાની અનુમતિ નથી. માથેરાનમાં ઈંધણવાળાં વાહનો ઉપર પ્રતિબંધ છે. અમન લૉજથી ઘોડા અને હાથથી ખેંચાતી રિક્ષા દ્વારા તેમજ ચાલીને અંતરિયાળ ભાગમાં જઈ શકાય છે. અહીં નિર્માણ કરાયેલ રસ્તા લેટેરાઇટ માટીથી બનાવાયેલા છે. માથેરાનનું નજીકનું હવાઈ મથક મુંબઈ ખાતે આવેલું છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે.

માથેરાનની ટોય ટ્રેન
વસ્તી અને જોવાલાયક સ્થળો : આ ગિરિમથકમાંની વસ્તી (2025 મુજબ) આશરે 6,100 છે. જેમાં 58% પુરુષો અને 42% મહિલાઓ છે. તેનો વિસ્તાર 7 ચો.કિમી. છે. સાક્ષરતાનું પ્રમાણ 71% છે. અહીં મરાઠી, હિન્દી અને અંગ્રેજી ભાષા બોલાય છે. ઈ. સ. 1905માં સૌપ્રથમ વાર નગરપાલિકાની રચના થઈ હતી. પ્રારંભમાં અહીં શ્રીમંતો, ઠાકોરો અને વણાટકામ કરનારાઓના વસવાટો શરૂ થયેલા. માથેરાનની નજીકનું શહેર કરજત છે.
ઐતિહાસિક સ્થળોમાં મધ્યકાળના ત્રણ કિલ્લા જેમાં પ્રબાલગઢ, પેબ કિલ્લા (વિકાટગઢ) અને ઇરશાલગઢ છે. આ સિવાય વિકાટગઢ પણ આવેલા છે. તેમજ ઑલમ્પિયા રેસકોર્સ અને માથેરાન રેલવેસ્ટેશન છે. ધાર્મિક સ્થળોમાં પીસરનાથ મંદિર અને માથેરાન શિવમંદિર જાણીતાં છે. અહીં શાર્લોટ સરોવર આવેલું છે. આ સરોવરમાંથી માથેરાનને પાણીપુરવઠો પૂરો પડાય છે. જ્યારે ચોમાસામાં આ સરોવર છલકાઈ જાય છે તે સમયે પ્રવાસીઓનો ધસારો વધારે હોય છે. આ સિવાય હાર્ટ, પૅનોરમા, વન ટ્રી હિલ, ગાર્બટ પોઇન્ટ, મલાંગ પોઇન્ટ, એલેક્ઝાન્ડર પોઇન્ટ, લિટલ ચોક, ગ્રેટ ચોક, ડેંજર ઇકો લૅન્ડસ્કેપ, લુઈસા, પૉકર્યુપાઇન, મંકી, આર્ટિસ્ટ, સ્ફિંક્સ, બાર્ટલ, સનસેટ પૉઇન્ટ જેવાં પૉઇન્ટ્સ આવેલાં છે. ઘોડેસવારી માટેના જુદા જુદા છ માર્ગ પણ આવેલા છે.

કુદરતી સૌંદર્ય માથેરાન
આ ઉપરાંત આજુબાજુના પ્રદેશમાં પણ ઘણાં કુદરતી પહાડી દૃશ્યો જોવા મળે છે. અહીંનું હવામાન આરોગ્યપ્રદ અને સ્ફૂર્તિદાયક હોવાથી તેમજ મુંબઈથી તે ખૂબ જ નજીક આવેલું હોવાથી હવા ખાવાના સ્થળ તરીકે તેનું મહત્ત્વ વિશેષ છે. પ્રવાસીઓ માટે હોટલો, ઉદ્યાનો, ખરીદીનાં સ્થળો જેવી સુવિધાઓ વિકસાવેલી છે.
ઇતિહાસ : મુંબઈમાં રહેતા અંગ્રેજી મૅલેટે 1850માં આ રમણીય સ્થળ શોધી કાઢેલું, ત્યારથી ગિરિમથક તરીકે તેનું મહત્ત્વ વધ્યું છે. 1854માં લૉર્ડ એલ્ફિન્સ્ટને અહીં એક બંગલો બંધાવેલો તે પછી પ્રવાસીઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી ગઈ. અહીંના કુદરતી સૌંદર્યથી પ્રભાવિત થઈને સર આદમજી પીરભોયે નેરળથી માથેરાનનો સર્વપ્રથમ કાચો રસ્તો કરાવેલો. પરંતુ પાકો રસ્તો બંધાવવાનો યશ અબ્દુલ હુસેન નામની વ્યક્તિને ફાળે જાય છે. સ્વાતંત્ર્યસેનાની વીરભાઈ કોટવાલનું આ જન્મસ્થળ છે.
ગિરીશભાઈ પંડ્યા
નીતિન કોઠારી