માથુર, જગદીશચંદ્ર (જ. 16 જુલાઈ 1917, શાહજહાનપુર, ઉ.પ્ર.; અ. 14 મે 1978, દિલ્હી) : હિંદીના લબ્ધપ્રતિષ્ઠ નાટકકાર. અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં એમ.એ.ની પદવી મેળવ્યા બાદ આઈ.સી.એસ.ની પરીક્ષામાં ચોથું સ્થાન મેળવ્યું. પછી વિવિધ ઊંચા સરકારી હોદ્દાઓ પર કામગીરી કરી. 1955–62 દરમિયાન આકાશવાણી, દિલ્હીમાં નિયામકપદે રહ્યા અને એકાંકી નાટકોની સાથોસાથ રેડિયો-નાટકોના વિકાસમાં અદ્વિતીય પ્રદાન કર્યું. તેઓ થોડો વખત સંગીત નાટક અકાદમીના સભ્યપદે રહેલા.
સરકારી કામકાજમાં વ્યસ્ત રહેવા છતાં તેમણે નાટ્યસાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન કર્યું છે. 12 વર્ષની વયથી તેમણે લેખનકાર્યથી પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. 1936માં તેમના પ્રથમ એકાંકી ‘મેરી બાંસુરી’ના રંગમંચનથી જ તેમને ખ્યાતિ મળી. ત્યારબાદ તેમના નાટ્ય-સંગ્રહો ‘ભોર કા તારા’ (1946) અને ‘ઓ મેરે સપને’ (1956) અતિ લોકપ્રિય બન્યા, તેઓ હિંદી રંગમંચ અને લોક-રંગમંચના વિદ્વાન અધિષ્ઠાતા ગણાયા.
તેમની સાહિત્યકૃતિઓ પૈકી ‘કોણાર્ક’ (1950); ‘કુંવરસિંહ કી ટેક’ (1955); ‘આશાદીપ’ (1956); ‘શારદીયા’ (1959) અને ‘પહલા રાજા’ (1969) વિશેષ ગણનાપાત્ર છે. તેમના ‘કોણાર્ક’ નાટકનો ગુજરાતીમાં અનુવાદ થયો છે. તેમણે સંસ્મરણાત્મક નિબંધો પણ આપ્યા છે, જેનું હિંદી સાહિત્યમાં આગવું સ્થાન રહ્યું છે. ‘દસ તસવીરેં’(1964)માં વિવિધ ક્ષેત્રોની 10 પ્રસિદ્ધ વ્યક્તિઓનાં શબ્દચિત્રો આપ્યાં છે. તેનું સ્થાન વિશેષ મહત્વપૂર્ણ ગણાય છે. વિશેષત: તેમનાં એકાંકીઓ સામાજિક વાસ્તવિકતા અને વિવિધ સામાજિક સમસ્યાઓનું વ્યંગ્યાત્મક દર્શન કરાવે છે.
તેઓ થોડો સમય ભારત સરકારના હિંદીના સલાહકાર તરીકે પણ રહ્યા હતા.
બળદેવભાઈ કનીજિયા