માથુર, ગિરિજાકુમાર (જ. 1919, અશોકનગર, જિ. ગુના, મધ્યપ્રદેશ) : હિંદી ભાષાના પ્રયોગશીલ કવિ. તેમના કાવ્યસંગ્રહ ‘મૈં વક્ત કે હૂં સામને’ માટે 1991ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે.

તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં એમ. એ. અને કાયદાશાસ્ત્રની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી થોડો વખત વકીલાતનો વ્યવસાય કર્યા બાદ 1943માં આકાશવાણીમાં અને 1950માં સંયુક્ત રાષ્ટ્રસંઘમાં માહિતી અધિકારી તરીકે જોડાયા. 1953માં આકાશવાણીમાં પાછા ફર્યા અને ત્યાંથી ઉચ્ચ હોદ્દા પરથી નિવૃત્ત થયા. તે દરમિયાન આકાશવાણીના પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે તેમણે નેપાળ, રશિયા, ચેકોસ્લોવેકિયા તથા યુરોપના અનેક દેશોનો પ્રવાસ ખેડ્યો.

1943માં તેઓ ‘તારસપ્તક’માં જોડાયા ત્યારથી કવિ તરીકે ખ્યાતિ પામ્યા. તેની પ્રગતિવાદ તથા પ્રયોગવાદની ચળવળ અંગે તેઓ અગ્રેસર રહ્યા. તેમણે 10 કાવ્યસંગ્રહો, 1 નાટક તથા 1 વિવેચનગ્રંથ પ્રગટ કર્યા છે. યુદ્ધ અને શાંતિની સમસ્યા પર આધારિત ‘કલ્પાંતર’ તેમનું વિજ્ઞાનકાવ્ય છે. ‘હમ હોંગે કામયાબ’ એ તેમનું અત્યંત પ્રસિદ્ધ ગીત છે.

તેમના લઘુ મહાકાવ્ય સમા ‘પૃથ્વીકલ્પ’ માટે ચેકોસ્લોવેકિયા સરકાર તરફથી ઇનામ પ્રાપ્ત થયેલું (1966). તેમની સાહિત્યસેવા ધ્યાનમાં રાખીને ઉત્તરપ્રદેશ હિંદી સંસ્થાન–લખનૌ, ભારતીય ભાષા પરિષદ–કલકત્તા; દિલ્હી હિંદી અકાદમી (શલાકા સન્માન) અને મધ્યપ્રદેશ સરકાર (શિખર સન્માન) તરફથી તેમનું સન્માન કરાયું છે. તેમની પુરસ્કૃત કૃતિ ‘મૈ વક્ત કે હૂં સામને’માં અસાધારણ શબ્દસાધના તથા કાવ્યસત્યની અવિરત ખોજ, બહુવિધ સર્જનાત્મકતા તથા પ્રયોગશીલતા, નવતર ભાષાપ્રયોગો, જીવનમૃત્યુની લાક્ષણિક અનુભૂતિ વ્યક્ત થયાં છે. તેમનાં કાવ્યોમાં માળવાની પ્રાચીનતાની ભૂમિકા, બુંદેલખંડનો વીરતાભર્યો ભૂતકાળ અને લખનૌની નજાકતભરી સંસ્કારિતાની અસર જોવા મળે છે.

બળદેવભાઈ કનીજિયા