માથુર, કૃષ્ણકુમાર (જ. 30 જુલાઈ 1893, કાનપુર, ઉત્તરપ્રદેશ; અ. 17 જુલાઈ 1936, લખનૌ, ઉત્તરપ્રદેશ) : વીસમી સદીના જાણીતા ભૂસ્તરશાસ્ત્રીઓ પૈકીના એક. બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના પ્રાધ્યાપક. રૉયલ સોસાયટીના માનાર્હ સભ્ય. શાંતિસ્વરૂપ ભટનાગર, બીરબલ સહાની અને મેઘનાદ સહાના સમકાલીન ભૂવિજ્ઞાની.

પિતા સ્થાનિક સરકારી નોકરીમાં, તિજોરી-કચેરીમાં હતા. નિવૃત્તિ પછી તેઓ વૃંદાવનમાં વસેલા. પોતે છ ભાઈ-બહેનોમાં ત્રીજા હતા. શાળાકીય અભ્યાસ કાનપુર અને પીલીભીતમાં તથા ઉચ્ચ અભ્યાસ આગ્રામાં. 1915માં અલ્લાહાબાદ યુનિવર્સિટીની વિજ્ઞાન વિદ્યાશાખામાં સ્નાતક બન્યા. રાજ્ય સરકારની શિષ્યવૃત્તિ મેળવી લંડનની ઇમ્પીરિયલ કૉલેજ–લંડનની રૉયલ સ્કૂલ ઑવ્ માઇન્સનો અભ્યાસ કરી 1916માં માઇનિંગ એન્જિનિયરિંગમાં પ્રથમ શ્રેણીમાં સ્નાતકની બીજી વાર પદવી મેળવી. 1919માં માઇનિંગ જિયૉલોજીમાં પ્રથમ રહીને રૉયલ સ્કૂલ ઑવ માઇન્સની એસોશિયેટશિપ પણ મેળવી. આ સિદ્ધિઓથી જિયોલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયામાં જોડાવાની તેમને આશા હતી, પરંતુ લંડન ખાતે યોજાયેલ મૌખિક કસોટીમાં તેઓ પસંદ ન થયા. 1921માં બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના ભૂસ્તરશાસ્ત્ર, ખાણ અને ધાતુવિજ્ઞાન વિભાગમાં પ્રાધ્યાપક તરીકે જોડાવાનું નિમંત્રણ મળતાં તે સ્વીકારીને 1936 સુધી ત્યાં સેવાઓ આપી.

તેમની આ સેવા દરમિયાન ભૂસ્તરશાસ્ત્રના અભ્યાસક્રમમાં ઉત્ખનન-તાલીમ, ખાણકાર્ય-પદ્ધતિઓ, અયસ્ક પર પ્રક્રિયાથી ધાતુશોધન ઉપરાંત સર્વેક્ષણ અને ક્ષેત્ર-તાલીમનો ઉમેરો કરાવ્યો. પ્રાયોગિક કાર્યમાં ખડકો-ખનિજોનાં વિશ્લેષણ કરાવવાની અને તેમના સૂક્ષ્મ છેદ બનાવવાની વ્યવસ્થા કરાવી. વિદ્યાર્થીઓને અહેવાલ લખવાની તાલીમ આપી. મહાનિબંધનો પ્રથમવાર અભ્યાસક્રમમાં એક ભાગ રૂપે સમાવેશ કરવામાં આવ્યો. અન્ય યુનિવર્સિટીઓએ પણ આ પ્રથા અપનાવી. આ રીતે બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયને ભારતની તત્કાલીન યુનિવર્સિટીઓમાં આગલી હરોળમાં સ્થાન અપાવ્યું. આ ઉપરાંત જીવાવશેષ-અભ્યાસ, ભૂરસાયણશાસ્ત્ર અને આર્થિક ભૂસ્તરશાસ્ત્રને પણ પ્રોત્સાહન આપ્યું.

આશાસ્પદ વ્યાવસાયિક કારકિર્દી ધરાવતા તેઓ 1936માં એકાએક માંદગીમાં સપડાયા અને તે જ વર્ષે તેમનું અવસાન થયું.

નિશીથ યશવંતરાય ભટ્ટ