માથુર, કૃપાશંકર (જ. 1929; અ. 21 સપ્ટેમ્બર 1977, લખનૌ) : ભારતીય સમાજશાસ્ત્રી અને નૃવંશશાસ્ત્રી. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. 1951માં તેમની નિમણૂક લખનૌ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર અને નૃવંશશાસ્ત્રના અધ્યાપક તરીકે કરવામાં આવી. ઑસ્ટ્રેલિયન નૅશનલ યુનિવર્સિટી, કૅનબરામાંથી પીએચ. ડી.ની પદવી (1960) પ્રાપ્ત કરી. તેમણે કરેલા સંશોધનકાર્યનું પુસ્તક સ્વરૂપે પ્રકાશન થયું છે.
1962માં તેઓ લખનૌ યુનિવર્સિટીના નૃવંશશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ બન્યા. તેમણે હિમાલય, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં રહેતા આદિવાસી સમુદાયોનાં વિવિધ પાસાંઓને આવરી લેતા સંશોધન-અભ્યાસો કર્યા છે. તેના આધારે હિંદી અને અંગ્રેજી ભાષામાં અનેક સંશોધન-લેખો વિવિધ સામયિકોમાં પ્રગટ થયાં છે.
પ્રો. ડી. એન. મજુમદારની સ્મૃતિમાં તેમણે એથ્નોગ્રાફિક ફોક કલ્ચર સોસાયટીની સ્થાપના કરી, જેના તેઓ જનરલ સેક્રેટરી હતા. આ સંસ્થા દ્વારા ત્રૈમાસિક પત્રનું પ્રકાશન શરૂ કર્યું. તેઓ ‘ઈસ્ટર્ન ઍન્થ્રોપૉલોજિસ્ટ’ સામયિકના સંપાદક હતા. તેમણે 1969માં ગૂજરાત વિદ્યાપીઠના સમાજ-નૃવંશશાસ્ત્ર વિભાગમાં નૃવંશશાસ્ત્રનાં વિવિધ પાસાંઓને આવરી લેતાં વ્યાખ્યાનો આપ્યાં હતાં.
તેઓ 1966માં ઇન્ડિયન ઍન્થ્રોપૉલોજિકલ એસોસિયેશનના ઉપપ્રમુખ બન્યા તથા ઇન્ટરનેશનલ યૂનિયન ઑવ્ ઍન્થ્રોપૉલોજી ઍન્ડ એથ્નોલૉજિકલ સાયન્સીઝના સભ્ય હતા. તેઓ ડી. એન. મજુમદાર મ્યુઝિયમ ઑવ્ લાઇફ ઍન્ડ કલ્ચરના માનાર્હ નિયામક હતા.
તેમનાં પ્રકાશનોમાં ‘કાસ્ટ ઍન્ડ રિચ્યૂઅલ ઇન માલવા વિલેજ’ (1964) તથા સહલેખક તરીકે હિંદીમાં ‘માનવશાસ્ત્ર કી રૂપરેખા’ પુસ્તકોનો સમાવેશ થાય છે.
હર્ષિદા દવે