માચુ પિક્ચુ : પેરૂના કસ્કોથી વાયવ્યમાં આશરે 80 કિમી.ને અંતરે ઍન્ડીઝ પર્વતમાળામાં ઉરુમ્બાબા નજીક આવેલું પ્રાચીન ઐતિહાસિક ઇન્કા સંસ્કૃતિ ધરાવતું કિલ્લેબંધીવાળું સ્થળ. તે બે ઊંચાં શિખરો વચ્ચેની સાંકડી ખીણમાં વસેલું. ભૌગોલિક સ્થાન : 13° 30´ દ. અ. અને 73° 30´ નજીકનો ભાગ. માચુ પિક્ચુનાં તે વખતનાં મકાનોનાં આજે જોવા મળતાં ખંડિયેરો આશરે 2,500 મીટર ઊંચા પર્વતભાગમાં પથ્થરમાંથી ચણેલાં છે. આ પૈકીનું એક ખૂબ જ ભવ્ય છે, જેની તવારીખ ઈ.પૂ. 1400ના અરસાની છે. અહીં આશરે 13 ચોકિમી.ના વિસ્તારમાં લગભગ 200 જેટલાં મકાનો હોવાનો અંદાજ મુકાયેલો છે. આ ખંડિયેરોમાં એક મંદિર અને એક નગરદુર્ગ પણ છે. આ બંને સ્થળો વચ્ચે 3,000 જેટલાં પગથિયાં પણ છે. મંદિર અને દુર્ગ સીડીદાર બગીચાઓથી વીંટળાયેલાં હતાં. મકાનોનું બાંધકામ ઇન્કા સંસ્કૃતિનાં અન્યત્ર જોવા મળતાં સ્થળો જેટલું સારું તો નથી. વળી આ સ્થળ તે કાળગાળામાં કોના કબજામાં હતું તે પણ નક્કી થઈ શકેલ નથી. સ્પૅનિયાર્ડો આ વિસ્તારની આજુબાજુ ફરેલા, પરંતુ આ સ્થળ તેમની નજર બહાર રહી ગયું જણાય છે. 1911માં યેલ યુનિવર્સિટીના અમેરિકી પુરાતત્વવિદ હિરમ બિંધામે આ ખંડિયેરોની ખોજ કરેલી. માચુ પિક્ચુ થોડાક ગણ્યાગાંઠ્યા પૂર્વ કોલંબિયન મથકો પૈકીનું એક છે.

ગિરીશભાઈ પંડ્યા