માઇક્રોસોફ્ટ : અમેરિકન બહુરાષ્ટ્રીય ટેકનોલોજિકલ કંપની.

માક્રોસોફ્ટની સ્થાપના 4 એપ્રિલ, 1975માં બિલ ગેટ્સ અને પૌલ એલને કરી હતી. બિલ અને પૌલ બાળમણના મિત્રો હતા. કમ્પ્યૂટર પ્રોગ્રામિંગમાં બંને કુશળ હતા. બંનેએ હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો, પરંતુ બિલ ગેટ્સે યુનિવર્સિટી છોડી દીધી હતી અને દુનિયામાં કમ્પ્યૂટર સોફ્ટવેરની નવી તકો સર્જાઈ રહી હતી એ ગાળામાં સોફ્ટવેર મેકિંગના ક્ષેત્રમાં કિસ્મત અજમાવવા માટે માક્રોસોફ્ટ નામથી કંપની બનાવી હતી. કંપનીનું નામ પૌલ એલને સૂચવ્યું હતું. માઇક્રો કમ્પ્યૂટર સોફ્ટવેરના સંદર્ભમાં ‘માઇક્રો’ અને ‘સોફ્ટ’ શબ્દો ભેગા કરીને માક્રોસોફ્ટ નામની કંપની નોઁધાવી હતી અને બિલ ગેટ્સ તેના સીઈઓ બન્યા હતા. કંપનીએ શરૂઆતમાં સોફ્ટવેર પ્રોડક્ટ બનાવવા પર ધ્યાન આપ્યું હતું. તે વખતની વિખ્યાત કમ્પ્યૂટર ઉત્પાદક કંપની આઈબીએમ સાથે કરાર કરીને બેસિકા સોફ્ટવેર બનાવી આપ્યો હતો. સંખ્યાબંધ કમ્પ્યૂટર સોફ્ટવેર વિકસાવ્યા બાદ માઇક્રોસોફ્ટે 1985માં કમ્પ્યૂટર ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ લોંચ કરી હતી. અત્યાર સુધીમાં કંપનીએ વિન્ડોઝના 11 સંસ્કરણો લોંચ કર્યા છે. કમ્પ્યૂટર્સ, લેપટોપ અને ટેબ માટે માક્રોસોફ્ટની ઓપરેટિંગ સિસ્ટમ પર્યાય બની રહી છે. કંપની સોફ્ટવેર ડેવલપમેન્ટ, કમ્પ્યૂટર હાર્ડવેર, કન્ઝ્યૂમર ઈલેક્ટ્રોનિક્સ, સોશિયલ નેટવર્કિંગ સર્વિસ, ક્લાઉડ કમ્પ્યૂટરિંગ, વિડીયો ગેમ્સ, ઈન્ટરનેટ, કોર્પોરેટ વેન્ચર કેપિટલ જેવા ક્ષેત્રોમાં સર્વિસ આપે છે. માઇક્રોસોફ્ટે દેશ પ્રમાણે પેટા કંપનીઓ બનાવી છે – માઇક્રોસોફ્ટ ઈન્ડિયા, માઇક્રોસોફ્ટ જાપાન, માઇક્રોસોફ્ટ ઈજિપ્ત સહિત ડઝનેક કંપનીઓ માઇક્રોસોફ્ટના નેજા હેઠળ કાર્યરત છે.

માઇક્રોસોફ્ટની માર્કેટ કેપ ત્રણ ટ્રિલિયન ડોલરે પહોંચી છે. એપલ અને ગૂગલ પછી માઇક્રોસોફ્ટ ત્રીજા નંબરની સૌથી મૂલ્યવાન વૈશ્વિક બ્રાન્ડ છે. કંપનીની રેવન્યૂ 2023માં 215 અબજ ડોલર હતી. 73 અબજ ડોલરની આવક છે. 2.20 લાખ કર્મચારીઓ માઇક્રોસોફ્ટના દુનિયાભરના ઓપરેશનમાં કાર્યરત છે. ભારતીય મૂળના સત્યા નાડેલા અત્યારે માઇક્રોસોફ્ટના સીઈઓ છે. સત્યા નાડેલાના નેતૃત્વમાં કંપનીએ ગેમિંગ અને ક્લાઉડ કમ્પ્યૂટરિંગના ક્ષેત્રમાં વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું, પરિણામે માઇક્રોસોફ્ટ ગેમિંગ દુનિયાની ત્રીજા ક્રમની મોટી કંપની બની છે. રેવન્યૂની રીતે ફોર્બ્સે માઇક્રોસોફ્ટને વિશ્વની સૌથી મોટી સોફ્ટવેર કંપની ગણાવી હતી. જગતના પ્રથમ એઆઈ ચેટબોટ ચેટજીપીટી વિકસાવવા માટે માઇક્રોસોફ્ટે ફંડ આપ્યું હતું. કમ્પ્યૂટર સોફ્ટવેર અને ઓપરેટિંગ સિસ્ટમમાં કંપનીએ જે મોનોપોલી સર્જી છે તેની ટીકા થતી રહે છે. ઓનલાઈન જાહેરાતોમાં મોનોપોલીના આરોપમાં અલગ અલગ દેશમાં કંપની પર કાર્યવાહી થઈ ચૂકી છે. ઘણા દેશની કન્ઝ્યૂમર વોચડોગ દંડ ફટકારી ચૂકી છે.

હર્ષ મેસવાણિયા