માંડવાનો કૂવો : ગુજરાત રાજ્યમાં માંડવા (તા. કપડવંજ, જિ. ખેડા) ગામમાંનો મુઘલકાળમાં બંધાયેલો કૂવો. આ સ્થાન વાત્રકના ડાબા કાંઠે આમલિયારાથી આઠ કિલોમીટર દૂર આવેલું છે. આ કૂવો મહેમદાવાદના ભમરિયા કૂવા સાથે સામ્ય ધરાવે છે. આ કૂવાનું બાંધકામ ઈંટોથી કરવામાં આવ્યું છે, જે તેની વિશેષતા છે. કૂવાનો વ્યાસ 8 મીટર છે. પાણી ખેંચવામાં મદદરૂપ થાય તે રીતે કૂવામાં સાંકડી કમાન બનાવેલી છે. કૂવાની બીજી બાજુ ત્રણ મજલાના બાંધકામમાં ઓરડાઓ જોવા મળે છે.
કૂવામાં ભીંતની વચ્ચેથી નીકળતો રસ્તો ઉપરના ભાગમાં થઈને ઓરડામાં જાય છે. ઉત્તર ભાગે બીજી સીડી છે, જે પહેલે માળે અટકે છે. આ માળ પર ત્રણ ઓરડા આગળની બાજુ અને ત્રણ ઓરડા પાછળની બાજુ છે. દરેક માળનો વચ્ચેનો ઓરડો મોટો અને કમાનદાર બારીવાળો છે, જેમાંથી કૂવામાં જોઈ શકાય છે. દીવાલમાં અસંખ્ય ગોખ છે, જે બતાવે છે કે એ હવા ખાવાના સ્થળ તરીકે ઉનાળામાં આરામ માટે ઉપયોગમાં આવતો હશે.
રામજીભાઈ ઠા. સાવલિયા