માંકડ, વિનુ (જ. 12 એપ્રિલ 1917, જામનગર; અ. 21 ઑગસ્ટ 1978, મુંબઈ) : ભારતના ઉત્કૃષ્ટ ઑલરાઉન્ડર અને પોતાના જમાનામાં વિશ્વના અગ્રિમ ઑલરાઉન્ડરોમાંનો એક. ‘વિનુ’ માંકડનું સાચું નામ મૂળવંતરાય હિંમતરાય માંકડ હતું; પરંતુ શાળામાં તેઓ ‘વિનુ’ના નામે જાણીતા હતા અને પછીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટવિશ્વમાં ‘વિનુ માંકડ’ના નામે જ વિખ્યાત બન્યા હતા. તેમની ઓપનિંગ બૅટિંગ અને સ્લો લેફ્ટ આર્મ ગોલંદાજીથી કેટલીયે ટેસ્ટમૅચોમાં તેમણે મહત્વની ભૂમિકા અદા કરી હતી.
પ્રથમ કક્ષાના ક્રિકેટમાં 1935થી 1964 દરમિયાન વિનુ માંકડ વેસ્ટર્ન ઇન્ડિયા, નવાનગર, મહારાષ્ટ્ર, ગુજરાત, બંગાળ, મુંબઈ, રાજસ્થાન તરફથી રમ્યા હતા અને 26 સદીઓ સાથે 34.70ની બૅટિંગ સરેરાશથી કુલ 11,591 રન નોંધાવ્યા હતા. વળી 24.53ની બૉલિંગ સરેરાશથી કુલ 782 વિકેટો અને 190 કૅચ ઝડપ્યાં હતાં.
20 વર્ષની યુવાન વયે વિનુ માંકડે 1937–38માં લાહોર ખાતે ઇંગ્લૅન્ડ સામે ‘બિનસત્તાવાર’ બીજી ટેસ્ટથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ મેળવ્યો.
અત્યંત શક્તિશાળી ઑલરાઉન્ડર વિનુ માંકડે 1946માં 22મી જૂને લૉર્ડ્ઝના મેદાન પર ઇંગ્લૅન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં પ્રવેશ મેળવ્યો હતો. 1946માં જ ઇંગ્લૅન્ડની ક્રિકેટ-મોસમમાં તેમણે 1,120 રન અને 129 વિકેટો ઝડપીને બેવડી સિદ્ધિ મેળવી હતી.
1947–48માં લાલા અમરનાથના નેતૃત્વ હેઠળ તેમણે ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડ્યો હતો અને સિડની ખાતે બીજી ટેસ્ટમાં નૉન-સ્ટ્રાઇકર છેડે ઊભા રહી દડો ગોલંદાજના હાથમાંથી છૂટે તે પહેલાં જ ક્રીસ છોડી દેતા ડબ્લ્યૂ. એ. ‘બિલ’ બ્રાઉનને નૉન-સ્ટ્રાઇકર છેડે ‘રન-આઉટ’ કરીને વિનુ માંકડે સનસનાટી મચાવી હતી. ક્રિકેટ જગતમાં આ ઘટના ‘માન્કડેડ’ તરીકે જાણીતી બની હતી.
1952ના ઇંગ્લૅન્ડપ્રવાસ દરમિયાન વિનુ માંકડે લૉડર્ઝ ખાતે ઇંગ્લૅન્ડ સામે બીજી ટેસ્ટમાં પ્રથમ દાવમાં પાંચ વિકેટો ઝડપી અને પછી ભારતના બીજા દાવમાં શાનદાર 184 રન નોંધાવીને બૅટિંગ-બૉલિંગ બંને ક્ષેત્રમાં સિદ્ધિ નોંધાવી હતી.
1952–53માં દિલ્હી ખાતે ફીરોજશાહ કોટલા મેદાન પર પાકિસ્તાન સામેની સૌપ્રથમ ટેસ્ટમાં વિનુ માંકડે પ્રથમ દાવમાં 52 રનમાં 8 તથા બીજા દાવમાં 79 રનમાં 5 વિકેટો ઝડપીને (131 રનમાં કુલ 13 વિકેટો ઝડપીને) તરખાટ મચાવતાં ભારતને 1 દાવ, 70 રને જ્વલંત વિજય અપાવ્યો હતો.
વિનુ માંકડ ટેસ્ટ ક્રિકેટમાં 2,000થી વધુ રન અને 100થી વધુ વિકેટો ઝડપી હોય તેવા વિરલ ક્રિકેટર હતા. 44 ટેસ્ટ મૅચોમાં પાંચ સદી (સર્વોચ્ચ 184) સાથે તેમણે કુલ 2,109 રન (સરેરાશ 31.47) કર્યા હતા તથા 162 વિકેટો (સરેરાશ 32.32) અને 33 કૅચ ઝડપ્યા હતા.
વિનુ માંકડ 1955–56માં પ્રવાસી ન્યૂઝીલૅન્ડ સામે ચેન્નાઈ ખાતે કૉર્પોરેશન મેદાન પર પાંચમી ટેસ્ટમાં પુરબહારમાં ખીલ્યા હતા. ઓપનિંગ બૅટ્સમૅન તરીકે બેવડી સદી ફટકારતાં તેમણે 231 રન નોંધાવીને સાથી બૅટ્સમૅન પંકજ રૉય (173) સાથે 472 મિનિટમાં 413 રનની પ્રથમ વિકેટની ભાગીદારીનો એ સમયે વિશ્વવિક્રમ સર્જ્યો હતો.
વિનુ માંકડે 6 ટેસ્ટ મૅચોમાં ભારતનું કપ્તાનપદ સંભાળ્યું હતું.
વર્ષો સુધી ઇંગ્લૅન્ડના લીગ ક્રિકેટમાં વ્યવસાયી ખેલાડી તરીકે પણ રમ્યા હતા. સોળ જેટલી બિનસત્તાવાર ટેસ્ટ મૅચોમાં તેમણે ભારતીય ટેસ્ટ ક્રિકેટને પુત્ર અશોક માંકડ જેવા સંગીન ક્રિકેટરની ભેટ આપી હતી.
જગદીશ બિનીવાલે