મહેશ ચંપકલાલ (ડૉ.) (જ. 25 ઑક્ટોબર 1951, મ્બાલે, પૂર્વ આફ્રિકા) : નાટ્યવિદ, અભિનેતા અને દિગ્દર્શક. તેમણે વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાંથી 1987માં ‘ભરત મુનિનો અભિનયસિદ્ધાંત’ વિશે સંશોધન કરી નાટકમાં પીએચ.ડી.ની ડિગ્રી તથા 1996માં ‘નાટકમાં ભાષા’ અંગે સંશોધન કરીને ગુજરાતી સાહિત્યમાં પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે.

1973થી 1981 દરમિયાન તેઓ મુંબઈની વ્યાવસાયિક રંગભૂમિ સાથે સંકળાયેલા રહ્યા. વળી ત્યાં આઇ.એન.ટી. તથા બહુરૂપી જેવી નાટ્યસંસ્થાઓમાં અભિનેતા તરીકે પણ પ્રવૃત્ત રહ્યા. તેમણે પ્રવીણ જોષી, અરવિંદ જોષી, વિષ્ણુકુમાર વ્યાસ, વિજય દત્ત જેવા દિગ્ગજ દિગ્દર્શકોના દિગ્દર્શન હેઠળ સરિતા જોષી, પરેશ રાવલ, ટીકુ તલસાણિયા, શફી ઇનામદાર, સનત વ્યાસ અને અજિત વાચ્છા જેવા પ્રસિદ્ધ કલાકારો સાથે અભિનય કર્યો.

1981થી તેઓ નાટ્યવિદ્યાના પ્રાધ્યાપક, 1995થી 1999 તથા 2003થી મ. સ. યુનિવર્સિટીના નાટ્યવિભાગના અધ્યક્ષ, 2002–03 તથા 2005થી ફૅકલ્ટી ઑવ્ પરફૉર્મિગ આર્ટ્સના ડીન રહ્યા. નાટ્યવિદ્યાના અધ્યયન, અધ્યાપન સાથે તેમણે લેખક, નટ, દિગ્દર્શક તરીકે પ્રાયોગિક રંગભૂમિ પર પ્રવૃત્ત રહીને ‘પરિત્રાણ’, ‘શતખંડ’, ‘રક્તબીજ’, ‘છડેચોક’, ‘કાયાપલટ’, ‘મોક્ષ’, ‘માલાદેવી’, ‘પરખ’, ‘સ્નેહાધીન’, ‘સિકંદર સાની’, ‘અગ્નિ અને વરસાદ’, ‘પરમ માહેશ્વર’ જેવાં નાટકોમાં વિવિધ ભૂમિકાઓ ભજવીને પ્રેક્ષકો અને પત્રકારો દ્વારા પ્રશંસા પ્રાપ્ત કરી. રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના અનેક નાટ્ય સમારોહમાં ‘સિકંદર સાની’ નાટકની પ્રસ્તુતિ કરવામાં આવી અને અમીર ખુશરોની ભૂમિકા વખણાઈ.

ત્રિવેણી, વડોદરાના ઉપક્રમે સિતાંશુ યશશ્ચંદ્રના નાટક ‘ગ્રહણ’ના નિર્દેશન માટે દિલ્હીની રાષ્ટ્રીય સંગીત નાટક અકાદમી દ્વારા યુવારંગકર્મી યોજના અંતર્ગત તેમની પસંદગી કરવામાં આવી.

તેમણે રાષ્ટ્રીય કક્ષાના અનેક નાટ્ય-સેમિનાર અને કાર્યશાળાઓ તેમજ દેશની વિવિધ યુનિવર્સિટીઓમાં નાટ્યવિષયક વ્યાખ્યાનો કે અભ્યાસલેખોનું વાચન; ગુજરાત સંગીત નાટક અકાદમી, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા વિવિધ યુનિવર્સિટીઓના ઉપક્રમે આયોજિત નાટ્યતાલીમ શિબિરોનું સંચાલન સંભાળ્યું છે. વળી નાટ્યસ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે કામગીરી પણ કરી છે.

યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા ‘ભરત નાટ્યશાસ્ત્ર – અભિનય’, ‘ભરત નાટ્યશાસ્ત્ર – નાટ્યપ્રયોગ’, ‘ભરત નાટ્યશાસ્ત્ર  આધુનિક સંદર્ભ’ ગ્રંથો તેમણે પ્રગટ કર્યા, જેમને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમના ગ્રંથ ‘આધુનિક ગુજરાતી નાટક : પ્રત અને પ્રયોગ’ને ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. એ જ રીતે તેમના નાટ્યવિવેચન સંગ્રહ ‘રંગદ્વાર’ બદલ તેમને ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર; ગિરીશ કર્નાડના પ્રખ્યાત નાટક ‘ધ ફાયર ઍન્ડ ધ રેઇન’ના ગુજરાતી અનુવાદ ‘અગ્નિ અને વરસાદ’ બદલ કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર તથા ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા શ્રેષ્ઠ અનુવાદનું ઇનામ તેમને પ્રાપ્ત થયાં છે. પ્રા. જગદીશ ભટ્ટના નિર્દેશનમાં રજૂ થયેલ નાટક ‘હયવદન’માં કપિલની ભૂમિકા માટે ગુજરાત સંગીત નાટક અકાદમી દ્વારા તેમને ‘શ્રેષ્ઠ નટ’નો પુરસ્કાર તથા જયશંકર ‘સુંદરી’ ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

1992થી 1998 દરમિયાન તેઓ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સભ્ય રહ્યા હતા.

બળદેવભાઈ કનીજિયા