મહેતા, વેદ (જ. 21 માર્ચ 1934, લાહોર અ. 9 જાન્યુઆરી 2021, મેનહટ્ટન, ન્યૂયૉર્ક) : ભારતીય મૂળના અમેરિકામાં વસતા પત્રકાર, નિબંધ લેખક, જીવનચરિત્રકાર તથા આત્મકથાલેખક.

પંજાબી હિંદુ પરિવારમાં જન્મ. પિતા અમોલક રામ મહેતા અને માતા શાંતિ મહેતા. પિતા ભારત સરકારના વરિષ્ઠ જાહેર આરોગ્ય અધિકારી હતા. 3 વર્ષની ઉંમરે સેરેબ્રોસ્પાઇનલ મેનિન્જાઇટિસને કારણે વેદે દૃષ્ટિ ગુમાવી. તેમને મુંબઈની દાદર સ્કૂલ ફોર ધ બ્લાઇન્ડમાં મૂકવામાં આવ્યા. પછી તેઓ અર્કાન્સાસ સ્કૂલ ફોર ધ બ્લાઇન્ડમાં ભણવા ગયા. તેઓ 1956માં પોમોના કૉલેજમાંથી અને 1959માં ઑક્સફર્ડની બલિઓલ કૉલેજમાંથી બી.એ. થયા. 1961માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા પોમાના કૉલેજમાં બ્રેઇલમાં બહુ પુસ્તકો ન હોવાથી તેમણે વિદ્યાર્થી–વાચકોનો ઉપયોગ કર્યો. વિદ્યાર્થીકાળમાં જ ‘ધ ન્યૂ યોર્કર’ માટે લખવાનું શરૂ કર્યું.

તેઓ 1961થી ધ ન્યૂ યોર્કર સામયિકમાં જોડાયા અને 1994 સુધી સ્ટાફલેખક તરીકે કામ કર્યું. તેમનું પ્રથમ પુસ્તક ‘ફેસ ટુ ફેસ’ 1957માં પ્રકાશિત થયું, જે તેમની આત્મકથાનું હતું. એમાં ભારતમાં ગાળેલાં પ્રારંભિક વર્ષોનું તેમજ ભારત તથા અમેરિકામાં શિક્ષણ મેળવવા માટે તેમણે કરેલા સંઘર્ષનું રસપ્રદ ચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું. ‘વૉકિંગ ધી ઇન્ડિયન સ્ટ્રીટ્સ’(1963)માં ભારતમાં આવ્યા તેનું ચિત્રણ છે. ‘ફ્લાય ઍન્ડ ફ્લાય બૉટલઃ એન્કાઉન્ટર્સ વિથ બ્રિટિશ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ’(1962)માં વીસમી સદીના કેટલાક ફિલસૂફો સાથે તેમણે કરેલી વાતચીતનો સમાવેશ કરવામાં આવ્યો છે. 1966માં તેમની નવલકથા ‘ડેલિન્ક્વન્ટ ચાચા’ પ્રગટ થઈ, જે ‘ધ ન્યૂ યોર્કર’માં હપતાવાર પ્રસિદ્ધ થઈ હતી. ‘પૉર્ટ્રેટ ઑવ્ ઇન્ડિયા’(1970)માં 60ના દાયકાના ભારતનું વર્ણન છે. તે ‘ધ ન્યૂ યોર્કર’માં લેખશ્રેણી રૂપે છપાઈ હતી. એમાં ભારતીય ઉપખંડ વિશે ઉત્તમ અર્થઘટન તથા સમજ જોવા મળે છે. ‘ડેડીજી’ (1972)માં તેમના પિતા અમોલક રામ મહેતાનું જીવનચરિત્ર છે. ‘મહાત્મા ગાંધી ઍન્ડ હીઝ અપોસ્ટલ્સ’ (1977)માં ગાંધીજી વિશે આલેખન કર્યું છે. આ માટે એમણે ગાંધીજીના પરિવારજનો, મિત્રો અને અનુયાયીઓને મળવા વિશ્વભરમાં પ્રવાસ ખેડ્યો હતો. તેમણે 27 જેટલાં પુસ્તકો લખ્યાં છે. એમાં ‘ધ ન્યૂ ઇન્ડિયા’ (1978), ‘મામાજી’ (1979), ‘વેદી’ (1982), ‘ધ લેજ બિટવીન ધ સ્ટ્રીમ’ (1984), ‘સાઉન્ડ-શેડોસ ઑવ્ ધ ન્યૂ વર્લ્ડ’ (1986), ‘ધ સ્ટોલન લાઇટ’ (1989) નોંધપાત્ર છે. તેઓ અંગ્રેજીમાં લખે છે, પરંતુ તેમની કૃતિઓના અનેક ભાષામાં અનુવાદો થયા છે. તેમણે અનેક કૉલેજોમાં અને યેલ તથા ન્યૂયૉર્ક યુનિવર્સિટીઓમાં પણ શીખવ્યું હતું.

તેઓ 1975માં અમેરિકન નાગરિક બન્યા હતા. 1982માં તેઓ મેકઆર્થર ફેલો ઘોષિત થયા હતા. 1971 અને 1977માં તેમને  ગુગેનહેમ ફેલોશિપ મળી હતી. 2009માં રૉયલ સોસાયટી ઑવ્ લિટરેચરના ફેલો તરીકે ચૂંટાયા હતા. તેમને પોમોના કૉલેજ, બાર્ડ કૉલેજ, વિલિયમ્સ કૉલેજ, બોડોઇન કૉલેજ તથા યુનિવર્સિટી ઑવ્ સ્ટર્લિંગ દ્વારા માનદ પદવીઓથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અનિલ રાવલ