મહેતા, વનલતા (જ. 15 જુલાઈ 1928, સૂરત) : નવી ગુજરાતી રંગભૂમિનાં જાજ્વલ્યમાન અભિનેત્રી અને બાલરંગભૂમિ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર રંગકર્મી. મુંબઈ યુનિવર્સિટીમાંથી બી. એ., બી. એડ.ની ડિગ્રી તેમજ ઇન્ડિયન એકૅડેમી ઑવ્ આર્ટ્સનો નાટ્યડિપ્લોમા મેળવી ભારત સરકાર તરફથી અભિનયના પ્રશિક્ષણ માટે પ્રથમ શિષ્યવૃત્તિ મેળવવાનું સદભાગ્ય તેમને પ્રાપ્ત થયું. તેના અનુસંધાનમાં 1956થી 1958 દરમિયાન ભારતનાં વિવિધ શહેરોમાં ફરી નાટ્યશિક્ષણ હાંસલ કર્યું. મુંબઈની નવી ગુજરાતી રંગભૂમિના પ્રથમ શતપ્રયોગી નાટક ‘રંગીલો રાજ્જા’માં મુખ્ય ભૂમિકા ભજવવા ઉપરાંત ‘ધરા ગુર્જરી’, ‘માઝમરાત’, ‘અલ્લાબેલી’, ‘મંગલ મંદિર’, ‘સ્નેહનાં ઝેર’, ‘પૂનમની રાત’, ‘પૃથ્વીવલ્લભ’, ‘સીતા’, ‘સુમંગલા’, ‘શુભદા’, ‘કાકાની શશી’, ‘છીએ તે જ ઠીક’, ‘ભારેલો અગ્નિ’, ‘સોનાવાટકડી’, ‘ઢીંગલીઘર’, ‘જુગલ જુગારી’, ‘જોગસંજોગ’, ‘એકલો જાને રે’, ‘એક જ દે ચિનગારી’, ‘સંભવ અસંભવ’, ‘આતમને ઓઝલમાં રાખ મા’, ‘કદમ મિલાકે ચલો’, ‘પલ્લવી પરણી ગઈ’ વગેરે અનેક ખ્યાતનામ નાટકોમાં વિવિધ પ્રકારની યાદગાર ભૂમિકાઓ ભજવી. ‘સ્નેહનાં ઝેર’ નાટકના અભિનય માટે કનૈયાલાલ મુનશી ચંદ્રક, ‘માઝમરાત’ નાટકના અભિનય માટે દિલ્હી ગુજરાતી સમાજ તરફથી તથા ‘છોરુ કછોરુ’ નાટકના અભિનય માટે ફેલોશિપ સોસાયટી તરફથી ઇનામો તેમજ 1956માં મુંબઈ રાજ્ય નાટ્યસ્પર્ધામાં ‘મંગલમંદિર’ નાટકના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનું પ્રથમ પારિતોષિક મેળવવા ઉપરાંત 1963માં ગુજરાતી ફિલ્મ ‘જેવી છું તેવી’ માટે ગુજરાત રાજ્યનો શ્રેષ્ઠ અભિનેત્રીનો ઍવૉર્ડ પણ પ્રાપ્ત કરનાર વનલતા મહેતાનું બાલરંગભૂમિ ક્ષેત્રે અનન્ય પ્રદાન છે. મુંબઈમાં 1952થી બાળકોને નાટકની તાલીમ આપવા ‘સરગમ’ સંસ્થા શરૂ કરી તેમજ ભારતીય વિદ્યા ભવન કલાકેન્દ્ર બાલભારતીના પ્રિન્સિપાલપદે રહી બાલનાટ્યતાલીમ આપી, 1956થી 1968 દરમિયાન ફેલોશિપ શાળામાં બાલનાટ્યના તાલીમ-વર્ગો ચલાવી તથા 1970થી 1978 સુધી ઇન્ડિયન નૅશનલ થિયેટરની બાલનાટ્યશાળાનાં આચાર્યા રહી બાલનાટ્યશિક્ષણની સંગીન પ્રવૃત્તિ ચલાવી અનેક એકાંકી અને ત્રિઅંકી બાલનાટકોનું સર્જન કર્યું. તેમાં ‘અલાઉદીનનો જાદુઈ ચિરાગ’, ‘મિયાં ફૂસકી’, ‘છકોમકો’, ‘અંધેરી નગરી’, ‘અલીબાબા ચાલીસ ચોર’, ‘જંતરમંતર’, ‘ચાલો ચોર પકડીએ’, ‘ધરતીની મહેક’, ‘ભૈયાદાદા’ તથા પ્રાગજી ડોસા લિખિત ‘બટુકજીના દેશમાં’, ‘બટુકજીનો ન્યાય’, ‘બકોર પટેલ’ વગેરે મુખ્ય ગણાવી શકાય.

1956થી 1980 સુધી તેમણે ચોપાટીની રેતીમાં બેસી તથા બીજે ફરી અનાથ તથા કામદાર વર્ગનાં બાળકોને ગીત, સંગીત, નાટકની તાલીમ આપી; જેના ફળસ્વરૂપે ‘મમતા’ નામની ગુજરાતી ટી. વી. સીરિયલનું લેખન અને નિર્માણ થયું અને અમદાવાદ દૂરદર્શન પરથી તેનું પ્રસારણ થયું. આ ઉપરાંત બાળમાનસને સ્પર્શતા વિષયોને આવરી લેતી ‘પ્રેરણા’ ટી. વી. સીરિયલ પણ તૈયાર કરી, જે દૂરદર્શન દ્વારા પ્રસારિત થઈ. 1972માં ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટી માટે ‘છોટે જવાન’ ફિલ્મ બનાવી. 1977માં ‘શ્રી યમુના મહારાણી’ ગુજરાતી ફિલ્મ માટે કથા, પટકથા અને સંવાદ લખ્યા. ‘દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીનો સત્યાગ્રહ’ એ વિષયની ફિલ્મ માટે ખ્વાજા એહમદ અબ્બાસ તથા પ્રાગજી ડોસા સાથે હિંદીમાં પટકથાસંવાદ લખ્યા. આકાશવાણી દ્વારા બાળકો માટે પ્રસારિત થતા ‘બહુરૂપી’ કાર્યક્રમ માટે, દૂરદર્શન પરથી બાળકો માટે પ્રસારિત થતા ‘સંતાકૂકડી’ કાર્યક્રમ માટે અનેક બાલનાટકો લખ્યાં ને ભજવ્યાં તથા ‘મુંબઈ સમાચાર’ અખબારમાં 1984થી 1995 સુધી ‘બાળકોની ફૂલવાડી’નું સંપાદન કર્યું. તેમજ મહિલાજગત માટે ‘અનુભવની એરણ’ નામની કૉલમ પણ ચલાવી.

1954, 1965 તથા 1967માં દિલ્હી ચિલ્ડ્રન લિટલ થિયેટરના સેમિનારમાં તેમણે સક્રિય ભાગ લીધો હતો. 1968થી 1972 સુધી ગુજરાત સંગીત નાટ્ય અકાદમીમાં બાલરંગભૂમિની સમિતિમાં સભ્ય તરીકે સેવા આપી. 1974 તથા 1985માં સંગીત નાટક અકાદમી (દિલ્હી) તથા ઉત્તર પ્રદેશ અકાદમી(લખનૌ)ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી બાળકો તથા શિક્ષકો માટેની શિબિરનું સંચાલન કર્યું.

બાલનાટકોનાં અનેક પુસ્તકો પણ તેમણે પ્રકાશિત કર્યાં, તેમાં ‘વનલતા મહેતાની 12 નાટિકાઓ’, ‘બાળકો માટેનાં નાટકો’, ‘ઇતિહાસને પાને’, ‘ઇતિહાસ બોલે છે’, ‘બાળનાટકનો અભ્યાસક્રમ’ વગેરે મુખ્ય છે.

મહેશ ચંપકલાલ શાહ