મહેતા, યશોધર નર્મદાશંકર (જ. 24 ઑગસ્ટ 1909, અમદાવાદ; અ. 29 જૂન 1989, અમદાવાદ) : ગુજરાતી નાટ્યકાર, નવલકથાકાર અને નિબંધકાર. વતન અમદાવાદ. ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષયો સાથે 1932માં ગુજરાત કૉલેજમાંથી બી.એ.. 1940માં લંડનમાંથી બાર-ઍટ-લૉ થયા. વકીલાતનો વ્યવસાય. ભારત સરકાર અને ગુજરાત સરકારના જુદા જુદા કાયદા-કમિશનોના સભ્યપદે અને અધ્યક્ષપદે રહેલા.
તેમણે લખેલાં નાટકોનાં પુસ્તકોમાં ‘રણછોડલાલ અને બીજાં નાટકો’ (1947), ‘મંબો જંબો’ (1951), ‘ઘેલો બબલ’ (1952) અને ‘સમર્પણ’ (1957) ઉલ્લેખનીય છે. ‘રણછોડલાલ’ અમદાવાદને ઔદ્યોગિક નગર બનાવનાર ઉદ્યોગપતિ રણછોડલાલના જીવનને આલેખતું ચરિત્રલક્ષી નાટક છે. ‘મંબો જંબો’ અને ‘ઘેલો બબલ’ પ્રહસનો છે, તો ‘સમર્પણ’ રેડિયોનાટક છે.
‘સરી જતી રેતી’ ભાગ 1-2 (1950, 1952) જાતીય સંબંધો અને કામુક નિરૂપણોને આલેખતી તેમજ સમાજમાં ચર્ચાસ્પદ બનેલી નવલકથા છે. ઐતિહાસિક પરિબળોમાંથી જન્મતા ઘર્ષણ અને અધ્યાત્મના વિષયને આલેખતી ‘વહી જતી જેલમ’ (1955), ‘તુંગનાથ’ (1957), ‘સંધ્યારાગ’ (1963) અને ‘મહમદ ગઝની’ (1966) ઉલ્લેખનીય ઐતિહાસિક નવલકથાઓ છે. ‘મહારાત્રિ’ (1954) તેમના અધ્યાત્મના અનુભવને આલેખતી નવલકથા છે. 1857થી 1947 સુધીનાં નેવું વર્ષના ગુજરાતના જાહેર સાંસ્કૃતિક જીવનને આલેખતી ચાર ભાગમાં લખાયેલી નવલકથા ‘નેવું વર્ષ’ (1974–1983) ઉલ્લેખનીય કૃતિ છે.
ઐતિહાસિક પ્રેમકથા, યોગસિદ્ધિના અનુભવો અને વ્યક્તિવિશેષનાં ચરિત્રોનાં પુસ્તકો પણ તેમણે આપ્યાં છે; જેમ કે, ‘પ્રેમગંગા’ (1954), ‘રસનંદા’ (1954) અને ‘કીમિયાગરો’ (1951) વગેરે.
કથા અને ચરિત્ર ઉપરાંત સાહિત્યનાં અન્ય સ્વરૂપો પણ તેમણે ખેડ્યાં છે; જેમ કે, ‘શ્રી નંદા’ (1958) અને ‘44 રાત્રિઓ’ (1960) પ્રવાસવર્ણનનાં; ‘સરી જતી કલમ’ (1954), ‘યશોધારા’ (1956), ‘શિવસદનનું સ્નેહકારણ’ (1959) હળવા નિબંધનાં પુસ્તકો તો ‘નદીઓ–નગરો’ (1950) રેડિયો-વાર્તાલાપોનું પુસ્તક છે. તેમને જે અધ્યાત્મના અનુભવો થયા તેનો નિચોડ આપતાં પુસ્તકોમાં ‘અગમનિગમ’ (1959), ‘શૂન્યતા અને શાંતિ’ (1962), ‘ઋષિઓનું સ્વરાજ્ય’ (1967), ‘શ્રદ્ધાની રાત્રિ’ (1969), ‘આનંદધારા’ (1969), ‘સાક્ષાત્કારને રસ્તે’ (1972), ‘શ્રદ્ધા અને અનુભૂતિ’ (1975) અને ‘સમાપ્તિ’ (1977) નોંધપાત્ર છે. જ્યોતિષવિદ્યાને આલેખતા ‘ભાવિના ભેદ’ (1954), ‘ભાવિના ગગનમાં’ (1966), ‘ભાવિના મર્મ’ (1978) વગેરે ગ્રંથો તેમની જ્યોતિષ વિષયની પારંગતતાના દ્યોતક છે.
તેમના વિદ્વાન પિતા શ્રી નર્મદાશંકર મહેતા વિશેના ‘નર્મદાશંકર મહેતા સ્મારક ગ્રંથ’(1968)ના સંપાદનમાં અન્ય સાથે તેમનો પણ ફાળો રહ્યો છે. અંગ્રેજીમાં પણ તેમના કેટલાક ગ્રંથો પ્રકાશિત થયા હતા.
1946માં તેમને ‘કુમાર’ ચંદ્રક પ્રાપ્ત થયેલો. તેમનું હૃદયરોગથી અવસાન થયેલું.
નલિની દેસાઈ