મહેતા, ભરતરામ ભાનુસુખરામ (જ. 16 જુલાઈ 1894, સૂરત; અ. 25 ડિસેમ્બર 1970) : ગુજરાતી ચરિત્રકાર, વાર્તાકાર, કવિ, સંપાદક, અનુવાદક. ઉપનામ ‘હંસલ’. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સૌરાષ્ટ્રની શાળાઓમાં લીધેલું. વડોદરામાં ઇન્ટર આર્ટ્સ સુધીનો અભ્યાસ કર્યો હતો. પછી તેમણે આતરસુંબા, બીલીમોરા, સોનગઢ, વડનગર, ચાણસ્મા એમ વિવિધ સ્થળોએ સરકારી ગુજરાતી શાળામાં મુખ્ય શિક્ષક (હેડમાસ્તર) તરીકે નોકરી કરેલી. પછી તેમણે વડોદરાની ગોવિંદરાવ મધ્યવર્તી શાળામાં અને પુરુષ અધ્યાપન પાઠશાળામાં અધ્યાપક તરીકે સેવા આપી હતી. છેવટે તેઓ વડોદરા રાજ્યના ભાષાંતર વિભાગમાં જોડાયા હતા.
તેમણે પિતાશ્રી ભાનુસુખરામની માફક વડોદરા રાજ્યની શ્રી સયાજી સાહિત્યમાળા પ્રકાશનશ્રેણી અંતર્ગત ‘રણજિતસિંહ’ (1920), ‘સમુદ્રગુપ્ત’ (1921), ‘શ્રીહર્ષ’ (1921), ‘તુકારામ’ (1922) અને ‘શૂરવીર શિવાજી’ (1924) ચરિત્રગ્રંથો આપ્યા છે. ઉપરાંત તેમણે ‘નાની-નાની વાતો’ (1956), ‘ભવાઈના વેશની વાતો’ (1964), ‘પ્રસંગશતક’(1976)માં વાર્તાઓ, ‘અર્થશાસ્ત્રની ઓળખાણ’ (1924), ‘રાષ્ટ્રીય કેળવણી’ (1926), ‘અશોકના શિલાલેખો’ (1926) જેવી અભ્યાસપુસ્તિકાઓ, ‘મૂછમાં હસો’ (1950) જેવી હાસ્યરસિક નવલકથા અને ‘અભિષેક’ (1965) નામનો ‘હંસલ’ ઉપનામથી લખાયેલો કાવ્યસંગ્રહ આપ્યાં છે. ‘મારી સાહિત્યસેવા’(1959)માં તેમની સાહિત્યિક ગતિવિધિનો પરિચય આપ્યો છે. ‘વડોદરા રાજ્યની સાહિત્યિક પ્રવૃત્તિઓ’ (અન્ય સાથે, 1957) નામના માહિતીગ્રંથમાં તેમણે ભૂતપૂર્વ વડોદરા રાજ્યમાં શ્રી સયાજી સાહિત્યમાળા, શ્રી સયાજી બાલજ્ઞાનમાળા, શ્રી સયાજી ગ્રામવિકાસ માળા, સંસ્કૃત ગ્રંથમાળા, પ્રાચ્યવિદ્યા ગ્રંથમાળા એમ કુલ 23 ગ્રંથમાળા અંતર્ગત પ્રસિદ્ધ થયેલાં પુસ્તકોની યાદીઓ આપી છે.
તેમણે ‘ધ મૉડર્ન ગુજરાતી-ઇંગ્લિશ ડિક્શનરી’ (અન્ય સાથે 1925), ‘નાનું વ્યાકરણ’ (1942), ‘સરળ જોડણીકોશ’ (1961), ‘દેશ્ય શબ્દકોશ’ (1965) જેવા કોશગ્રંથો આપ્યા છે. નાકરકૃત ‘મોરધ્વજાખ્યાન’ (1924) તથા ભાલણ અને મંગલકૃત ‘ધ્રુવાખ્યાન’ (1924) જેવાં સંપાદનો આપ્યાં છે. શ્રી સયાજી સાહિત્યમાળા શ્રેણી અંતર્ગત તેમણે અંગ્રેજી, સંસ્કૃત અને મરાઠી ગ્રંથો પરથી કરેલા અનુવાદો ‘મા-બાપને બે બોલ’ (1917), ‘વીર પુરુષો’ (1918), ‘સંસ્કૃતિ અને પ્રગતિ’ (1921), ‘પ્રાચીન હિંદમાંની કેળવણી’ (1923), ‘રોમનો ઇતિહાસ’ (1923), ‘અશોકચરિત’ (1927), ‘હિંદના ઈતિહાસની વાતો’ (1928), ‘પ્રાચીન હિંદમાં સંઘજીવન’ (1934), ‘વેપારની ચાવી’ (1935), ‘અદભુત અલકા’ (1957) વગેરે આપ્યાં છે.
લવકુમાર દેસાઈ