મહેતા, પ્રતાપરાય ગિરધરભાઈ (જ. 15 ઑગસ્ટ 1900, અમરેલી; અ. 17 ઑગસ્ટ 1971, બેંગ્લોર) : ગુજરાતના એક અગ્રણી ઉદ્યોગપતિ અને દાનવીર. તેઓ એવા નિરભિમાની, સરલ અને વિવેકશીલ હતા કે વતન અમરેલી અને આજુબાજુનાં ગ્રામજનોમાં વ્હાલસોયા ‘બાપુજી’ તરીકે જાણીતા હતા.
જૂનું અમરેલી શહેર વડી અને ઠેબી નદીના સંગમ ઉપર વસેલું પુરાતત્વીય ર્દષ્ટિએ એક મહત્વનું શહેર હતું. ઈ. પૂ. ચોથીથી બીજી સદી સુધીના પુરાતત્વના નમૂનાઓનું સંશોધન નાની વયે પ્રતાપરાય મહેતાએ હાથ ધર્યું અને અમરેલીને ભારતના પુરાતત્વ-નકશા ઉપર મૂકીને તેનું ગૌરવ વધાર્યું. તેના પરિણામે સયાજીરાવ ગાયકવાડે તેમને ‘રાજરત્ન’નો ઇલકાબ આપ્યો. તેમને મહારાજાએ મોહેં-જો-દડોની સંસ્કૃતિના અભ્યાસ માટે રાજ્ય તરફથી મોકલેલ હતા.
પ્રતાપરાય મહેતાએ શ્રી અને સરસ્વતીનો તે જમાનામાં પુસ્તકાલય-પ્રવૃત્તિમાં વિનિયોગ કર્યો. તેમણે સૌથી પ્રથમ બાલપુસ્તકાલયની સ્થાપના અમરેલીમાં કરેલી. તેમણે તે ઉપરાંત અમરેલીમાં મહિલા અને સાર્વજનિક પુસ્તકાલયની સ્થાપના પણ કરી. 1930–40ના અરસામાં ગામડે-ગામડે પુસ્તકોની નાની પેટીઓ બનાવી ફરતા પુસ્તકાલય દ્વારા લોકશિક્ષણનું કાર્ય કર્યું. અમરેલીમાં સ્મશાનમાં પણ તેમણે ધાર્મિક પુસ્તકાલયની રચના કરી. વળી વડોદરા રાજ્યમાં પુસ્તકાલય-પ્રવૃત્તિના ઘડવૈયા મોતીભાઈ અમીનના તેમને આશીર્વાદ મળ્યા. તેમણે જે પુસ્તક-પ્રદર્શનો ભર્યાં, તેમને સયાજીરાવ મહારાજે આવકાર્યાં. અમરેલીમાં સેવક મંડળ દવાખાનાની રચનામાં તેમણે સેવા આપી. પ્રતાપરાયભાઈ મહેતાએ સ્વાતંત્ર્ય સેનાનીઓને આર્થિક સહાય પણ આપેલી.
પ્રતાપભાઈની વેપાર-વાણિજ્યની આગવી સૂઝને ઓળખી લઈને ઉદ્યોગપતિ રામજીભાઈ હંસરાજભાઈ કમાણીએ તેમને કમાણી ઉદ્યોગમાં ડિરેક્ટર તરીકે નીમ્યા અને 1941 બાદ પ્રતાપરાય મહેતાનું નિવાસસ્થાન જયપુર બન્યું. તેઓ જયપુર મેટલ્સ અને ઇલેક્ટ્રિકલ્સ ઉદ્યોગમાં જોડાયા. રાજસ્થાનમાં સૌરાષ્ટ્રનું તેમનું વિરલ વ્યક્તિત્વ ઝળકી ઊઠ્યું. તેઓ રાજસ્થાન ચેમ્બર્સ ઑવ્ કૉમર્સના પ્રમુખ બન્યા. જયપુરમાં ગુજરાતી સમાજની સ્થાપનામાં તેમણે અગ્ર ભાગ ભજવ્યો. કમાણી ઉદ્યોગના વિકાસમાં તેઓનો સિંહફાળો હતો. તેમની કામગીરીથી રાજસ્થાનમાં તેઓ તત્કાલીન મુખ્યમંત્રી મોહનલાલ સુખડિયા અને સૌ કાર્યકરોના પ્રીતિપાત્ર બન્યા. જયપુર સ્ટેશનની રચના રાજસ્થાન શૈલીમાં થવી જોઈએ તે માટે તેમણે પ્લાન આપ્યો, જે રેલવે મંત્રાલયે સ્વીકાર્યો હતો.
1953માં તેઓએ પ્લાનિંગ કમિશન સમક્ષ નૅશનલ ચિલ્ડ્રન્સ મ્યુઝિયમ, ન્યૂ દિલ્હી અને ચિલ્ડ્રન્સ મ્યુઝિયમની રચના અંગે યોજના રજૂ કરી. 1954માં પિતા ગિરધરબાપાનું અવસાન થતાં તેમની સ્મૃતિમાં 1955માં ભારતના સર્વપ્રથમ બાલસંગ્રહાલય શ્રી ગિરધરભાઈ બાલસંગ્રહાલયની અમરેલીમાં રચના કરી અને પછીથી બાલસંગ્રહાલય પ્રતિષ્ઠાનની સ્થાપના કરી, ગ્રામીણ બાલસંગ્રહાલયના પ્રથમ પુરસ્કર્તા બન્યા. તેમની આ પ્રવૃત્તિની નોંધ લઈને ભારત સરકારે તેઓશ્રીને ‘પદ્મશ્રી’નો ખિતાબ એનાયત કર્યો. તેમણે જયપુર નજીક સાંગાનેરમાં ગ્રામીણ બાલસંગ્રહાલયની રચના કરી.
1958માં અમરેલીમાં અમરેલી જિલ્લાની વિદ્યાસભાની સ્થાપના કરી અને 1961માં પ્રતાપરાય મહેતાએ આર્ટ્સ કૉલેજ માટે માતબર દાન આપ્યું.
રાજસ્થાનમાં રાજ્ય સરકારે તેમને રાજસ્થાન લલિતકલા એકૅડેમીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા.
1960માં તેમણે અમરેલીનાં બાળકો માટે જુનિયર પ્લૅનિટેરિયમની રચના કરી. 1960–61માં ગીર પ્રાકૃતિક દર્શન અંગે અમરેલીના મ્યુઝિયમમાં તેમનાં માતુશ્રી મણિબાની સ્મૃતિમાં પ્રાકૃતિક વિભાગની રચના કરી; જેમાં ગીરનાં પક્ષીઓ, પ્રાણીઓ અને વનસ્પતિઓના ઉત્કૃષ્ટ નમૂનાઓ રજૂ કરવામાં આવ્યા.
1964માં જાણીતા ખગોળશાસ્ત્રી અનકચંદ્ર ભાયાવાલાના સક્રિય સહકારથી ખગોળશાસ્ત્રીય મ્યુઝિયમની રચના કરી અને અમરેલીનાં ભૂલકાં માટે રમકડાં ઘરની રચના કરી. તેમણે ‘રોમૅન્સ ઑવ્ ટૉઇઝ’ની પુસ્તિકા પ્રસિદ્ધ કરી. ભારત સરકારે ‘ટૉઇઝ ઍન્ડ ડૉલ્સ પૅનલ’ના અધ્યક્ષ તરીકે તેમને નીમ્યા.
1964માં ‘હંસ-પુચ્છ’ (ડેનબ) જેવા તેજસ્વી તારાને તેમણે ‘ગાંધીતારો’ નામ આપ્યું. તે તારો પ્રતિસાલ 30 જાન્યુઆરીના અરસામાં અસ્ત થાય છે અને પૂ. બાપુનો દેહાંત પણ 30 જાન્યુઆરીએ જ થયેલો.
પાકિસ્તાન અને ચીન સાથેના યુદ્ધ-સમયે મુંબઈ અને અમરેલીમાં યુદ્ધ અને પ્રતિરક્ષાનાં પ્રદર્શનોનું તેમણે આયોજન કર્યું હતું.
પ્રતાપરાય મહેતાને વૃક્ષો અને વનસ્પતિઓ પ્રત્યે ખાસ લગાવ હતો. તેમણે બૅંગ્લોરની વિશિષ્ટ વનસ્પતિઓના છોડ ગાંધીનગર, મુંબઈ અને અમરેલી મોકલેલા.
તેમના અવસાન બાદ તેમની સ્મૃતિમાં શ્રીમતી ઇચ્છાલક્ષ્મી પ્રતાપરાય મહેતા પ્લૅનિટેરિયમની રચના કરી હતી.
રમેશ પારેખ