મહેતા, નંદન (જ. 26 ફેબ્રુઆરી 1942, અમદાવાદ; અ. 26 માર્ચ 2010) : બનારસ ઘરાનાના વિખ્યાત તબલાવાદક તથા દેશભરમાં જાણીતી બનેલી સપ્તક સ્કૂલ ઑવ્ મ્યૂઝિકના સંસ્થાપકોમાંના એક અગ્રણી સંગીતજ્ઞ. સાહિત્ય, સંગીત અને કલાઓના આશ્રયદાતા પરિવારમાં જન્મ. પિતા યશોધર નર્મદાશંકર મહેતા જાણીતા ઍડવોકેટ હોવા ઉપરાંત ગુજરાતના અગ્રણી વિદ્વાન અને સાહિત્યકાર હતા. માતા વસુમતીબહેન સર ચિનુભાઈ બૅરોનેટનાં એકમાત્ર પુત્રી હતાં. નંદન મહેતાનું સમગ્ર શિક્ષણ અમદાવાદમાં થયું. અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી 1962માં ઇતિહાસ અને રાજ્યશાસ્ત્ર સાથે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી; પરંતુ તેમને નાનપણથી જ તબલાવાદન પ્રત્યે રુચિ હતી. આઠ વર્ષની વયે તેમણે તબલાવાદનની તાલીમ પંડિત સદાશિવરાવ લુતડે પાસેથી લેવાની શરૂઆત કરી અને ત્યારબાદ 1955થી ભારતના અગ્રણી તબલાવાદક, બનારસ ઘરાનાના પંડિત કિશન મહારાજ પાસેથી તેમણે ઉચ્ચ તાલીમ પ્રાપ્ત કરી. તે પૂર્વે 1954માં તેર વર્ષની વયે અમદાવાદ ખાતે સંગીત નિવેદક મંડળની નિશ્રામાં કલકત્તાના મશહૂર સિતારવાદક ઉસ્તાદ મુશ્તાક અલી સાથે સંગત કરી જાહેર રીતે તબલાવાદનના શ્રીગણેશ કર્યા. ત્યારથી અત્યાર સુધી તેમણે આકાશવાણી અને દૂરદર્શનના રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમો ઉપરાંત દેશનાં અનેક નગરોમાં તબલાવાદનના એકલ (solo) તથા જુગલબંદીના કાર્યક્રમો આપ્યા છે અને અપાર લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. પંડિત કંઠે મહારાજ સ્મૃતિ સમારોહ તથા પંડિત ગોપાલ મિશ્ર સ્મૃતિ સમારોહ જેવા દેશભરમાં ખ્યાતિ ધરાવતા સમારોહોમાં પોતાની કલાનું પ્રદર્શન કરવાની તક પણ તેમને સાંપડી છે. અમદાવાદ ખાતેની દર્પણ અકાદમીમાં તેમણે વર્ષો સુધી સેવાઓ આપી છે. 1980માં અમદાવાદમાં સપ્તક સ્કૂલ ઑવ્ મ્યૂઝિકની સ્થાપના થઈ તેના સંસ્થાપકોમાં તેમનું નામ મોખરે છે. આ સંસ્થાની નિશ્રામાં દર વર્ષે અમદાવાદમાં 10–12 દિવસનો જે શાસ્ત્રીય સંગીત સમારોહ થાય છે અને જેમાં દેશના ખ્યાતનામ શાસ્ત્રીય સંગીતકારો પોતાની કલાનું પ્રદર્શન કરતા હોય છે તે સમારોહના સફળ આયોજનમાં તેમનો બહુમૂલ્ય ફાળો હોય છે. વળી અમદાવાદની બીજી શાસ્ત્રીય સંગીતને વરેલી કુમાર ક્લબ નામની સંસ્થા સાથે પણ તેઓ તે સંસ્થાના સ્થાપનાકાળથી સંકળાયેલા રહ્યા છે.

 

નંદન મહેતા

તબલાવાદનના ક્ષેત્રમાં તેમના બહોળા શિષ્યવર્ગમાં રાજલ શાહ, વિનોદ વૈષ્ણવ, પુત્રી હેતલ મહેતા, ભારતી બસંતાની તથા પૃથ્વીરાજ શાહનાં નામ મોખરે છે. તબલાવાદનના શિક્ષક તરીકે તેઓ ઊંચી પ્રતિષ્ઠા ધરાવે છે.

વિખ્યાત સિતારવાદક મંજુ મહેતા તેમનાં પત્ની તથા પ્રખ્યાત સિતારવાદક સ્વ. શશીમોહન ભટ્ટ અને ગ્રૅમી ઍવૉર્ડ વિજેતા પંડિત વિશ્વમોહન ભટ્ટ તેમના સાળા થાય છે.

શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રે તેમના યોગદાનને ધ્યાનમાં લઈ નંદન મહેતાને 1988માં ગુજરાત રાજ્ય ગૌરવ પુરસ્કારથી સંમાનિત કરવામાં આવ્યા છે. વડોદરાની ત્રિવેણી સંસ્થાએ 1995માં વિશ્વ રંગભૂમિ દિવસે તેમનું જાહેર સંમાન કર્યું હતું. વળી મેવાતી ઘરાનાના વિખ્યાત ગાયક પંડિત જસરાજના હસ્તે પણ તેમનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. કુરુક્ષેત્ર ખાતેની સંકલ્પ સંસ્થા તથા અમદાવાદની કુમાર ક્લબ સંસ્થા દ્વારા પણ તેમને જાહેર રીતે સંમાનવામાં આવ્યા હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે