મહેતા, દિગીશ નાનુભાઈ (જ. 12 જુલાઈ 1934, પાટણ; અ. 26 જૂન 2001, અમદાવાદ) : ગુજરાતી નિબંધકાર, નવલકથાકાર અને વિવેચક. માતા સુશીલાબહેન. શાળાકીય અભ્યાસ સિદ્ધપુરમાં. ઉચ્ચશિક્ષણ ધર્મેન્દ્રસિંહજી કૉલેજ, રાજકોટ તથા ગુજરાત કૉલેજ અમદાવાદમાં, બી.એ. અંગ્રેજી મુખ્ય વિષય સાથે (1953). એમ.એ. અંગ્રેજી સાહિત્ય સાથે (1955). યુનિવર્સિટી ઑવ્ લીડ્ઝ (યુ.કે.)નો અનુસ્નાતક ડિપ્લોમા (1968). પીએચ.ડી. (ગુજરાત યુનિવર્સિટી). અંગ્રેજી સાહિત્યનું અધ્યાપન ગુજરાત કૉલેજ, અમદાવાદ; એમ. એન. કૉલેજ, વિસનગર; એચ. કે આર્ટ્સ કૉલેજ, અમદાવાદ, ભાષાભવનના અંગ્રેજી વિભાગમાં યુનિવર્સિટી પ્રાધ્યાપક.
1994માં નિવૃત્ત. સાહિત્યસર્જન માટે ધનજી કાનજી સુવર્ણચંદ્રક (1997) તથા અનુવાદ માટે ‘કથા’ ઍવૉર્ડ. નિબંધ, નવલકથા અને એકાંકી જેવાં સાહિત્યસ્વરૂપોમાં વિશિષ્ટ ભાત પાડતું સર્જન. પ્રમાણમાં તેમનું સાહિત્યસર્જન ઘણું ઓછું, પણ ઉમદા. આમ પણ માર્મિકતા અને લાઘવ એ બંને, એમની સમગ્ર સર્જક કારકિર્દીની ઊડીને આંખે વળગે એવી લાક્ષણિકતાઓ છે.
1962માં ‘આપણો ઘડીક સંગ’થી નવલકથાલેખનનો આરંભ કરનાર દિગીશભાઈ એમની આ કૃતિથી જ મર્માળા હાસ્યરસના નિરૂપણથી વાચક-વિવેચકોનું ધ્યાન ખેંચે છે. કૉલેજમાં ભણતી અર્વાચીના અને પ્રોફેસર ધૂર્જટિ વચ્ચે પાંગરતા પ્રેમસંબંધને નવલકથાકારે અમદાવાદના દેશકાળમાં હાસ્યવ્યંગના પુટ સમેત આલેખ્યો છે. સૂક્ષ્મ વક્રતા અને મર્માળો વિનોદ, આ કથાનાં પાત્રો અને પરિસ્થિતિઓની ભાવક્ષણોને કશી હાણ પહોંચાડતાં નથી. એમ હોઈને રચના માત્ર હાસ્યકથા જ ન રહેતાં એક તાજગીભરી અભિવ્યક્તિવાળી સંવેદનકથામાં પરિણમે છે.
‘નિબંધ અને હું’ એવા એકૅડેમિક-અંગત નિબંધથી જેનું સમાપન થયું છે એ નિબંધસંગ્રહ ‘દૂરના એ સૂર’(1970)માંનો સૌથી લાંબો નિબંધ ‘મેળો’ દસ પાનાંનો છે, તો ‘લોક’ નિબંધ માત્ર છ પૃષ્ઠો જ ધરાવે છે. ‘ઘર’, ‘પુલ’, ‘મેળો’, ‘પાત્રો’, ‘લોક’, ‘પ્રવાહ’ જેવા સમૂહને તાકતા વિષયો અહીં નિતાંત નિજી સ્પર્શ પામી નિબંધ નીવડ્યા છે. ‘ચાલો સુધારીએ’ નિબંધ જાતે નિયુક્ત થયેલા જગતગુરુઓની વાત માંડે છે. અહીં શૈશવની સાંભરણો છે, તો જગતસાહિત્યનો વિહાર પણ છે. 156 પૃષ્ઠોમાં 53 નિબંધો અને વિવેચનલેખ ‘ગુજરાતી નિબંધકારનું વિશ્વ’ સમાવતો બીજો નિબંધસંગ્રહ ‘શેરી’ 1995માં એટલે કે પૂરી પચીસી પછી મળે છે. વીતેલાં વર્ષોએ અહીં સંગૃહીત નિબંધોનો રહ્યોસહ્યો મેદ પણ ઓગાળી દીધો છે. એમ થતાં નિરંજન ભગત જેવા સુજ્ઞ રસિકને, ‘નિબંધ જામે જામે ત્યાં પૂરો થઈ જાય છે’, એવી ફરિયાદ કરવાની તક અપાઈ છે. રઘુવીર ચૌધરીએ પ્રસ્તાવનામાં, ‘વામન અવતાર’ પામેલા આ નિબંધોમાં કરોળિયાના જાળાની માફક માત્ર ઝીણવટ જ નહિ, વિશિષ્ટ ‘ભાત’ પણ જોઈ છે. આ નિબંધોના સર્જક દિગીશભાઈમાં હયાત ‘અંગ્રેજ’ અહીં લગભગ અછતો રહ્યો છે; જ્યારે પેલા ‘લોકચાહક’ દિગીશ મહેતાનું લીલયા ભ્રમણ કળાય છે. ‘શેરી’ને ગુજરાતી સાહિત્ય પરિષદનું 1995ના વર્ષનું ઉપેન્દ્ર પંડ્યા પારિતોષિક સાંપડ્યું હતું.
અંગ્રેજી ભાષાસાહિત્ય જ નહિ, સંસ્કૃતિ-સભ્યતાના પણ દિગીશભાઈ જબરા ચાહક હતા. એમણે સાપ્તાહિક અખબારી લેખન રૂપે લખેલા લેખનિબંધોને ‘ઇંગ્લિશ ! ઇંગ્લિશ !’(1999)માં સંગૃહીત કર્યા છે. એમાં અંગ્રેજી ભાષા અને સંસ્કૃતિની ખાસિયતો વર્ણવતો સ્વૈરવિહાર છે. આ સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું 1999ના વર્ષનું કાકા કાલેલકર પારિતોષિક મળ્યું છે.
અંગ્રેજી ભાષાસાહિત્યના વિદ્યાર્થી-અધ્યાપક-અભ્યાસી દિગીશભાઈના 23 વિવેચનલેખો સમાવતા વિવેચનસંગ્રહ ‘પરિધિ’(1976)માં બે વિભાગ અને એક પરિશિષ્ટ છે. પહેલા વિભાગમાં ‘ઇમેજ’નું સ્વરૂપ, ગુજરાતી સાહિત્ય પર પાશ્ચાત્ય સાહિત્યનો પ્રભાવ, રિલ્કેનું ગદ્ય, પૅટ્રિક વ્હાઇટનું વિશ્વ, અંગ્રેજી કવિતામાં સ્વ-નિરૂપણ, વિચ્છિન્ન માનવ: હર્ઝોગ ક્વાસીમોદો, સ્વપ્ન અને પડછાયા જેવા લેખો રૂપે અંગ્રેજી સાહિત્યના સ્વાધ્યાયનું સુફળ ઉપલબ્ધ થયું છે, તો બીજા વિભાગમાં વિવેચકે ગુજરાતી ભાષાસાહિત્યની સિદ્ધાન્તનિષ્ઠ વિચારણા ઉપરાંત ગુજરાતીની હાસ્યરસિક નવલકથાઓ અને ગુજરાતીની નોંધપાત્ર કાવ્યકૃતિની રસલક્ષી મીમાંસા આપી છે.
દિગીશભાઈની અભ્યાસશીલતા નવલકથા ઉપર વિશેષ કેન્દ્રિત થઈ છે. યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડના નિમંત્રણથી એમણે પ્રા. હર્ષદ દેસાઈના લેખનસહયોગમાં ‘પાશ્ચાત્ય નવલકથા’ (1975) નામનો, યુરોપ-અમેરિકાની વિવિધ ભાષાઓની મહત્વપૂર્ણ નવલકથાઓની વસ્તુ તેમજ નિરૂપણરીતિગત સઘન તપાસ રૂપે આસ્વાદ કરાવતો અભ્યાસગ્રંથ આપ્યો છે.
અંતર્મુખ વ્યક્તિત્વ ધરાવતા દિગીશભાઈની વ્યક્તિમત્તા આશ્ર્ચર્ય પમાડે એ રીતે વિવિધ રસક્ષેત્રોમાં પ્રવર્તતી હતી. એમણે અંગ્રેજી ભાષામાં ‘શ્રીમદ્ રાજચંદ્ર’ (1980) નામે વિલક્ષણ લઘુચરિત્ર લખ્યું છે. એ ઉપરાંત શેલીકૃત ‘ડિફેન્સ ઑવ્ પોએટ્રી’ અને યૂજીન ઇયૉનેસ્કોના નાટક ‘ધ ચેર્સ’ના ગુજરાતી અનુવાદો અનુક્રમે ‘કવિતાનું બચાવનામું’ (2000) તથા ‘ખુરશીઓ’ (2000) એ શીર્ષકો તળે કર્યા છે. સર્જનાત્મક સાહિત્યમાં દિગીશભાઈએ એકાંકીલેખન પણ કર્યું છે. અલબત્ત, ‘જય ધોરણલાલ’, ‘દડો’ તથા ‘સામ શું કરી ગયા છે ?’ જેવાં એકાંકી કૉલેજકક્ષાની નાટ્યસ્પર્ધાઓમાં લાંબા સમય સુધી નિરંતર ભજવાતાં રહ્યાં હોવા છતાં ગ્રંથસ્થ થયાં નથી.
જેમણે અધ્યયન અને અધ્યાપન, વિશેષે કરીને વર્ગશિક્ષણને પહેલો પ્રેમ ગણ્યો હતો એ દિગીશભાઈની પાંચ વિદ્યાર્થીપેઢીઓ અંગ્રેજી ભાષા-સાહિત્યના અધ્યયન ઉપરાંત વિવિધ વ્યવસાયક્ષેત્રોમાં પ્રવૃત્ત છે. દિગીશભાઈ સાહિત્ય અકાદમી (દિલ્હી), ગુજરાત સાહિત્ય અકાદમી (ગાંધીનગર), ગુજરાતી સાહિત્ય પરિષદ, નૅશનલ બુક ટ્રસ્ટ, બ્રિટિશ કાઉન્સિલ જેવી સંસ્થાઓ સાથે કોઈ ને કોઈ કાર્ય નિમિત્તે સંલગ્ન રહ્યા હતા.
રમેશ ર. દવે