મહેતા, ઝવેરીલાલ દલપતરામ (જ. 7 ઑગસ્ટ 1928, હળવદ; અ. 27 નવેમ્બર 2023, અમદાવાદ) : ગુજરાતના તસવીર-પત્રકાર. ધ્રાંગધ્રામાં મૅટ્રિક સુધી શિક્ષણ લીધું; પછી સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં શિક્ષણ લીધું.
મુંબઈનિવાસ સંઘર્ષનો સમય બની રહ્યો. એ જમાનામાં મુંબઈમાં ‘ચેત મછંદર’ નામના સામયિકમાં પ્રૂફવાચનનું કામ કર્યું. એ અરસામાં અમદાવાદની અરવિંદ મિલમાં ટેક્સટાઇલ આર્ટિસ્ટ તરીકેની નોકરી મળી અને તેઓ અમદાવાદ આવી ગયા. ત્યાં 17 વર્ષ ફરજ બજાવી. એ દરમિયાન તેઓ સ્વતંત્ર છબીકાર તરીકે પણ કામ કરતા રહ્યા. મુખ્યત્વે જીવન-વિષયને સ્પર્શતી એ તસવીરો ‘જનસત્તા’ દૈનિકમાં ‘મારે જીવવું છે’ શીર્ષક હેઠળ છપાતી અને વડોદરાના ‘લોકસત્તા’માં પુનર્મુદ્રિત આ કટારથી તેમની લોકપ્રિયતા વધતી ગઈ.
1972માં તેઓ ‘ગુજરાત સમાચાર’ દૈનિકમાં જોડાયા. ત્યારથી તેમની લોકપ્રિયતા નિરંતર વધતી જ રહી છે. ધારાવાહિક નવલકથાઓમાં તસવીરની પ્રથા શરૂ કરવાનું માન ઝવેરીલાલને ફાળે જાય છે. તસવીર ખેંચતી વખતે તેમણે ક્યારેય ફ્લૅશનો ઉપયોગ કર્યો નથી. કારકિર્દીની શરૂઆતમાં તેઓ રૉલીકૉલ કૅમેરા વાપરતા અને હાલ પેન્ટૅક્સ K-1000 પ્રકારનો કૅમેરા વાપરે છે. છબીકલાક્ષેત્રે તેઓ રઘુ રાય તથા કિશોર પારેખને ગુરુ અને પ્રેરણામૂર્તિ માને છે. તેઓ કદી સ્પર્ધામાં ભાગ લેતા નથી. જોકે શ્રેષ્ઠ તસવીર-પત્રકારત્વ માટે 1998માં રાજ્ય સરકારે તેમને ઍવૉર્ડ આપ્યો હતો.
સાહિત્ય અને શૈક્ષણિક પત્રકારત્વના ક્ષેત્રમાં તેમના વિશિષ્ટ યોગદાન બદલ 2018માં રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. તેઓ ગુજરાત રાજ્યના 13 મુખ્યમંત્રીઓનાં જીવન અને તેમના કાર્યકાળનું દસ્તાવેજીકરણ કરવા માટે લોકપ્રિય છે. તેમણે 1988ના કચ્છના વાવાઝોડાનું અને 2001ના ધરતીકંપ જેવી ઘટનાઓનું પણ દસ્તાવેજીકરણ કર્યું હતું.
અલકેશ પટેલ