મહેતા, કેતન (જ. 22 જુલાઈ 1952, નવસારી) : ભારતના અગ્રણી પ્રયોગલક્ષી ચલચિત્ર-દિગ્દર્શક અને નિર્માતા. પિતાનું નામ ચંદ્રકાન્ત મહેતા, જેઓ દિલ્હી યુનિવર્સિટીમાંથી ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે લાંબી કારકિર્દી બાદ નિવૃત્ત થયા. કેતન મહેતાનું પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં થયા બાદ માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ દિલ્હીમાં થયું. ત્યાંની સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાંથી અર્થશાસ્ત્ર વિષય સાથે દિલ્હી યુનિવર્સિટીની બી.એ.ની પદવી પ્રાપ્ત કરી. શાળા અને કૉલેજોની વિદ્યાર્થી તરીકેની કારકિર્દી દરમિયાન નાટ્યપ્રવૃત્તિમાં સક્રિય રસ લીધો અને ઘણાં પારિતોષિકો પણ મેળવેલાં. ઔપચારિક શિક્ષણ કરતાં દૃશ્ય અને શ્રાવ્ય કલાઓમાં નાનપણથી વધુ રસ હોવાથી સ્નાતકની પદવી પ્રાપ્ત કર્યા પછી પુણે ખાતેની ફિલ્મ અને ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટમાં દિગ્દર્શનની તાલીમ માટે 1972માં દાખલ થયા અને ડિપ્લોમા મેળવવામાં સફળ થયા (1972–75). ઉપર્યુક્ત તાલીમ દરમિયાન બે ટૂંકાં દસ્તાવેજી ચલચિત્ર ‘કૂલીઝ ઍટ બૉમ્બે સેન્ટ્રલ’ સમેત બે ચલચિત્રોનું દિગ્દર્શન કર્યું. 1976–77 દરમિયાન અમદાવાદ ખાતેની ‘ઇસરો’ (ISRO) સંસ્થાના નેજા હેઠળ ‘સાઇટ’ (SITE) એકમ દ્વારા દૂરદર્શન માટે કાર્યક્રમો તથા પ્રાયોજિત શ્રેણીઓ તૈયાર કરવામાં વ્યસ્ત રહ્યા. 1977–78માં ઍર ઇન્ડિયા વિમાન કંપની માટે ‘એક્સપિરિયન્સ ઇન્ડિયા’ શીર્ષક હેઠળ વૃત્તચિત્ર તૈયાર કર્યું.

કેતન મહેતા

1977–2001ના ગાળામાં તેમના દિગ્દર્શન હેઠળ તૈયાર થયેલાં ગુજરાતી અને હિંદી ચલચિત્રોમાં ‘ભવની ભવાઈ’ (1980–81), જેનું નિર્માણ પણ પોતે કર્યું છે તે હિંદી ચલચિત્ર ‘હોળી’ (1984–85), ચુનીલાલ મડિયાની ટૂંકી વાર્તા ‘અભુ મકરાણી’ પર આધારિત ‘મિર્ચ મસાલા’ (1987), ‘હીરો હીરાલાલ’ (1987–88), ફ્રેન્ચ નવલકથા ‘માદામ બાવરી’ પર આધારિત ‘માયા મેમસાબ’ (1990–92) અને જેનું દિગ્દર્શન કરેલું તે અખંડ ભારતના શિલ્પીના જીવન પર આધારિત ‘સરદાર પટેલ’ (1992–94), મુંબઈ શહેરના રસ્તા પરના જીવનને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવેલ સંગીતકેન્દ્રી અથવા સંગીતસ્વરૂપ ચલચિત્ર (musical film) ‘ઓ ડાર્લિંગ યહ હૈ ઇન્ડિયા’ (1994–95) અને હિંદી રહસ્યચિત્ર ‘આર યા પાર’ (1995–96) વિશેષ ઉલ્લેખનીય ગણાય.

તેમણે દિગ્દર્શિત કરેલાં વૃત્તચિત્રોમાં ‘કૂલીઝ ઍટ બૉમ્બે સેન્ટ્રલ’ અને ‘એક્સપિરિયન્સ ઇન્ડિયા’ ઉપરાંત ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ માટે તૈયાર કરેલ ‘તરણેતરનો મેળો’ (1982–83), કસ્તૂરબા ગાંધી સ્મારક પ્રતિષ્ઠાન (ટ્રસ્ટ) માટે તૈયાર કરેલ ‘બા કી યાદ મેં’ (1986), ભારત મહોત્સવ માટે તૈયાર કરેલ અને ભારતીય વસ્ત્ર–પરંપરા પર આધારિત ‘બાંધણી’ (1987), ભારતના મોટામાં મોટા સંયુક્ત પરિવાર પર આધારિત, અંગ્રેજીમાં જે લંડનના ચૅનલ ફોર (Channel Four) માટે ખાસ તૈયાર કરવામાં આવેલ તે ‘ઑલ ઇન ધ ફૅમિલી’ વૃત્તચિત્ર (1990–91) વિશેષ નોંધપાત્ર છે. ઉપરાંત, દૂરદર્શન માટે ખાસ તૈયાર કરવામાં આવેલ કથાચિત્ર ‘કિસી એક ફૂલ કા નામ લો’ (1986), તથા વિજ્ઞાનકથા ‘કૅપ્ટન વ્યોમ’(1997)નું સર્જન-દિગ્દર્શન પણ તેમણે કર્યું.

તાશ્કંદ ખાતે 1987–88માં આયોજિત સોવિયત સંઘ ચલચિત્ર મહોત્સવની નિર્ણાયક સમિતિમાં, 1989–90માં ભારતમાં આયોજિત આંતરરાષ્ટ્રીય ચલચિત્ર મહોત્સવમાં પ્રદર્શિત કરવા માટે ભારતીય વૃત્તચિત્રોની પસંદગી સમિતિના ચૅરમૅનપદે તથા ભારતમાં આયોજિત ચલચિત્ર મહોત્સવના નિર્દેશાલયની સલાહકાર સમિતિમાં પણ તેમણે કામ કર્યું છે. 1986માં મૉસ્કો ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય ચલચિત્ર મહોત્સવમાં તથા ફ્રાન્સના પાટનગર પૅરિસ ખાતે 1986માં આયોજિત ‘ફૅસ્ટિવલ ઑવ્ ઇન્ડિયા’ મહોત્સવનાં દૃશ્ય-શ્રાવ્ય માધ્યમોની સલાહકાર સમિતિમાં સભ્ય તરીકે કામ કરવા માટે તેમને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

તેમનાં ચલચિત્રોને ઘણા પુરસ્કાર અને ઍવૉર્ડ આપવામાં આવ્યાં છે; દા. ત., ‘ભવની ભવાઈ’ માટે બે રાષ્ટ્રીય પુરસ્કારો, ફ્રાન્સમાં આયોજિત આંતરરાષ્ટ્રીય ચલચિત્ર મહોત્સવમાં યુનેસ્કો કલબ ઍવૉર્ડ તથા આઠ ગુજરાત રાજ્ય ચલચિત્ર ઍવૉર્ડ (જેમાં ઉત્કૃષ્ટ ચલચિત્ર, ઉત્કૃષ્ટ દિગ્દર્શન, સર્વોત્તમ અભિનય અને ઉત્કૃષ્ટ છબીકલાના ઍવૉર્ડનો પણ સમાવેશ થાય છે.); ‘હોળી’ ચલચિત્ર માટે રાષ્ટ્રીય ઍવૉર્ડ ઉપરાંત ચલચિત્રાંકન ઍવૉર્ડ; ‘મિર્ચ મસાલા’ને ત્રણ રાષ્ટ્રીય ઍવૉર્ડ (ઉત્કૃષ્ટ હિંદી ચલચિત્ર, ઉત્કૃષ્ટ સંપાદન તથા ઉત્કૃષ્ટ સહનાયક); તે જ ચલચિત્રને હવાઈ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય ચલચિત્ર મહોત્સવમાં ઉત્કૃષ્ટ ચલચિત્ર માટેનો ઍવૉર્ડ વગેરે ઉલ્લેખનીય છે. તેમણે દિગ્દર્શિત કરેલ ‘પહેલા કદમ’ નામક ટૂંકી ફિલ્મ તથા તેમણે દિગ્દર્શિત અને નિર્માણ કરેલ દૂરદર્શન પરની પ્રાયોજિત શ્રેણી ‘મિ. યોગી’ આ બંનેએ ખૂબ લોકચાહના પ્રાપ્ત કરી હતી.

અમદાવાદ ખાતે આયોજિત રાષ્ટ્રીય ચલચિત્ર મહોત્સવ (1989–90)માં ચલચિત્રક્ષેત્રે તેમની કામગીરીને બિરદાવવા માટે ગુજરાત સરકારે મહોત્સવ દરમિયાન તેમનું જાહેર સન્માન કર્યું હતું.

તેમનાં બે ચલચિત્રો ‘ભવની ભવાઈ’ અને ‘હોળી’ અમેરિકા અને યુરોપના ઘણા દેશોમાં ‘ફિલ્મ ઇન્ડિયા વીક’ દરમિયાન પ્રદર્શિત કરવામાં આવ્યાં હતાં. તેવી જ રીતે તેમનું ‘મિર્ચ મસાલા’ ચલચિત્ર અમેરિકાના ન્યૂયૉર્ક અને અન્ય પચાસ શહેરોમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.

એમણે મધુ રાય કૃત નવલકથા ‘કિમ્બલ રેવન્સવૂડ’ પરથી ‘મિ. યોગી’ નામની ટીવી સિરિયલનું સર્જન કરેલું. ચિત્રકાર રાજા રવિ વર્માના જીવન પર ‘રંગરસિયા’ નામની ફિલ્મનું પણ સર્જન કરેલ છે.

કેતને જાણીતી અભિનેત્રી દીપા શાહી જોડે લગ્ન કરેલા છે. બંન્ને સાથે મળીને માયા ઍકેડેમી ઑફ એડવાન્સ્ડ સિનેમેટિક્સ અને માયા ડિજીટલ સ્ટુડિયોનું સંચાલન કરે છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે