મહેતા, અશ્વિન બાલાચંદ (ડૉ.) (જ. 3 માર્ચ 1939, સૂરત, ગુજરાત, ભારત) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કાર્ડિયોલૉજિસ્ટ. તેઓ જસલોક હૉસ્પિટલ ઍન્ડ રિસર્ચ સેન્ટર, મુંબઈના કાર્ડિયોલૉજીના નિર્દેશક છે.
તેઓએ મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.બી.બી.એસ. અને એમ.ડી.નું શિક્ષણ પ્રાપ્ત કર્યું. તેઓએ શિકાગોમાં કાર્ડિયોલૉજીમાં ફેલોશિપ પ્રાપ્ત કરી. 1973માં ભારત પાછા આવ્યા બાદ તેઓને સાયન હૉસ્પિટલમાં કાર્ડિયોલૉજીના માનદ ઍસોશિયેટ પ્રોફેસર અને જસલોક હૉસ્પિટલમાં કાર્ડિયોલૉજીમાં કન્સલ્ટન્ટ વિશેષજ્ઞ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

અશ્વિન બાલાચંદ મહેતા
તેઓ કાર્ડિયોલૉજી વિભાગના અધ્યક્ષ હોવાથી તેમણે સેંકડો વિદ્યાર્થીઓને ભણાવ્યા છે. ચીન, સિંગાપુર, જાપાન, યુ.એસ.એ., ફ્રાંસ, શ્રીલંકા, કેન્યા વગેરે દેશોમાં એન્જિયોપ્લાસ્ટીનો પાઠ્યક્રમ ભણાવીને તેઓએ આંતરરાષ્ટ્રીય સ્તર પર દેશનું નામ ઉજાળ્યું છે. તેમને કાર્ડિયોલૉજિકલ સોસાયટી ઑવ્ ઇન્ડિયાના અધ્યક્ષ અને ઍસોસિયેશન ઑવ્ ફિઝિશિયન્સ ઑવ્ ઇન્ડિયાના પણ અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા. તેઓ મુંબઈની બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં પણ કન્સલ્ટન્ટ-વિશેષજ્ઞ તરીકે સેવાઓ આપે છે. તેઓએ શ્રી જયપ્રકાશ નારાયણ, મોરારજીભાઈ દેસાઈ, વિનોબા ભાવે, ચંદ્રશેખર, જે. આર. ડી. ટાટા, ધીરુભાઈ અંબાણી તથા અન્ય ઘણી પ્રસિદ્ધ વ્યક્તિઓનો ઇલાજ કર્યો છે. તેમણે મેડિસિન અને કાર્ડિયોલૉજીના પાઠ્યપુસ્તક માટે પ્રકરણ લખ્યાં છે. તેમણે ઘણાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં અનેક લેખો પ્રસ્તુત કર્યા છે. તેમણે ડ્રગ ઇલ્યુટિંગ સ્ટેન્ટ (drug–eluting stent) પર સંશોધનો કર્યાં છે.
ડૉ. અશ્વિન મહેતા અનેક પુરસ્કારોથી સન્માનિત થયા છે. ભારતમાં એન્જિયોપ્લાસ્ટીનો વિકાસ કરવા માટે તેમના સમર્પણ તથા યોગદાન માટે તેમને એન્ડ્રીઝ ગ્રુએન્ટઝિગ મેમોરિયલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. તેમને કેમટેક ફાઉન્ડેશન લાઇફટાઇમ એચીવમેન્ટ પુરસ્કાર, મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર, ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન ડિસ્ટિન્ગ્વીશ્ડ ડૉક્ટર પુરસ્કાર તથા અન્ય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. 2004માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો.
પૂરવી ઝવેરી