મહાસ્ફટિક (Phenocryst) : પૉર્ફિરિટિક કણરચનાવાળા અગ્નિકૃત ખડકોમાં જોવા મળતા, અગાઉથી બનેલા, મોટા પરિમાણવાળા, અન્ય ખનિજોથી અલગ પડી આવતા સ્ફટિકો.

આવા સ્ફટિકો મોટેભાગે તો પૂર્ણ પાસાદાર હોય છે અને કાચમય કે સૂક્ષ્મદાણાદાર કણરચનાવાળા ખનિજદ્રવ્યથી પરિવેષ્ટિત થયેલા હોય છે. આ મહાસ્ફટિકોની હાજરીને કારણે જ ખડક પૉર્ફિરિટિક કણરચનાવાળો કહેવાય છે. મુખ્યત્વે આવા મહાસ્ફટિકો ફેલ્સ્પાર, ક્વાર્ટ્ઝ, બાયોટાઇટ, હૉર્નબ્લેન્ડ, પાયરૉક્સીન કે ઑલિવીનના હોય છે. વાસ્તવમાં તે (મૅગ્મા કે લાવાના) પીગળેલા ખડકદ્રવ્યમાંથી ધીમે ધીમે થતી પ્રારંભિક સ્ફટિકીકરણ ક્રિયામાં તૈયાર થતા હોય છે, જ્યારે બાકીનું ખનિજદ્રવ્ય તેમની આજુબાજુ ગોઠવાયે જતું હોય છે. વિકૃત ખડકોમાં પણ આવા મહાસ્ફટિકો જોવા મળતા હોય છે. તેમને ‘પૉર્ફીરોબ્લાસ્ટ’ કહેવાય છે.

મહાસ્ફટિકો

બંને પ્રકારો લગભગ એકસરખા જણાતા હોઈ ખડક-ઉત્પત્તિ મુજબ તેમને જુદા પાડી પારખી શકાય; પરંતુ ક્યારેક તેમાં પડતી ઉત્પત્તિજન્ય પરખ-મુશ્કેલી નિવારવા બંને પ્રકારોને સ્થૂળસ્ફટિક (megacryst) જેવા સામાન્ય નામથી ઓળખાવાય છે.

ગિરીશભાઈ પંડ્યા