મહાસાગરો : પૃથ્વીના ગોળા પર અખૂટ જળરાશિથી ભરાયેલાં રહેતાં અગાધ ઊંડાઈ ધરાવતાં વિશાળ થાળાં. આ મહાસાગરોનું જો વિહંગાવલોકન કરવામાં આવે તો તેમની વિશાળતાનો ખ્યાલ આવી શકે. મહાસાગર અને સમુદ્ર બંને સમાનાર્થી શબ્દો છે. તફાવત માત્ર વત્તીઓછી વિશાળતાનો જ છે, એટલે સમુદ્રોને મહાસાગરના પેટાવિભાગો તરીકે ઘટાવી શકાય. કેટલાક સમુદ્રો અંશત: કે પૂર્ણત: ખંડોના ભૂમિભાગોથી ઘેરાયેલા હોઈ શકે છે; દા.ત., અરબી સમુદ્ર, રાતો સમુદ્ર, ભૂમધ્ય સમુદ્ર, કાળો સમુદ્ર, મૃત સમુદ્ર વગેરે. મહાસાગરો માટે સામાન્ય રીતે આ પ્રકારની કોઈ ભૂમિસીમાઓ ગણતરીમાં લેવાતી નથી. આ ઉપરાંત, અન્ય પેટાવિભાગો ઉપસાગર, અખાત, ખાડી અને સામુદ્રધુની તરીકે ઓળખાય છે; દા.ત., બંગાળનો ઉપસાગર, ખંભાતનો અખાત, ઇંગ્લિશ ખાડી (channel), કોરીની ખાડી (creek), જિબ્રાલ્ટરની સામુદ્રધુની, પાલ્ક સામુદ્રધુની વગેરે. પૃથ્વીની કુલ સપાટીનો 2/3 થી વધુ (70.8 %) ભાગ મહાસાગરોના જળરાશિથી આવરી લેવાયેલો છે, જેમાં 1.35 x 1018 ઘનમીટર જળ સમાયેલું છે. અન્ય સંબંધિત માહિતી સારણી 1 પરથી સ્પષ્ટ બનશે :
સારણી 1
ક્ષેત્રફળ | કદ | દળ | જળનું વજન | ક્ષારોનું વજન | સરેરાશ ઊંડાઈ |
362×106 ચોકિમી. | 1.35×1018 ઘનમીટર | 141×1016 મેટ્રિક ટન | 136×1016 મેટ્રિક ટન | 4.93×1016 મેટ્રિક ટન | 3729 મીટર |
મહત્તમ ઊંડાઈ | સરેરાશ તાપમાન | સરેરાશ વિ.ઘ. | સરેરાશ ક્ષારતા-પ્રમાણ | વજનના પ્રમાણમાં ક્ષારતા-ટકાવારી | * |
11,035 મીટર | 3.90° સે. | 1.045 | 34.75 %
* |
3.475 % | હજાર કિગ્રામે, 3.475 (વજનના સંદર્ભમાં) |
જળ–ભૂમિસંબંધ : પૃથ્વીના પટ પર મહાસાગરો અને ખંડોનું વિતરણ અનિયમિત છે. ઉત્તર ગોળાર્ધ કરતાં દક્ષિણ ગોળાર્ધમાં જળવિસ્તાર વધુ છે. 35°થી 65° દક્ષિણ અક્ષાંશો વચ્ચે 98 % ભાગ જળથી રોકાયેલો છે, આખાય દક્ષિણ ગોળાર્ધમાં જળ-ભૂમિવિતરણ અનુક્રમે 89 % અને 11 % મુજબનું છે. વિષુવવૃત્તથી ઉત્તર તરફ 2⁄3 (66 %)થી વધુ ભૂમિભાગ છે અને તેમાં પણ 45°થી 70° ઉત્તર અક્ષાંશો વચ્ચે તેનો વ્યાપ વધુ છે. પૃથ્વીની સપાટીના આશરે 45 % ભાગમાં સામસામે જળવિસ્તારો છે, જ્યારે માત્ર 1.5 % ભાગમાં સામસામે ભૂમિવિસ્તારો છે. કુલ ભૂમિવિસ્તારના 95 % ભાગની સામે જળવિસ્તાર આવેલો છે, જ્યારે 5 % ભૂમિભાગની સામે જળવિસ્તાર નથી. આર્ક્ટિક મહાસાગર ઉત્તર ધ્રુવ પર કેન્દ્રિત છે અને ખંડોથી ઘેરાયેલો છે; જ્યારે ઍન્ટાર્ક્ટિકા ખંડ દક્ષિણ ધ્રુવ પર કેન્દ્રિત છે અને તે મહાસાગરોથી ઘેરાયેલો છે. બધા જ ખંડોની રૂપરેખા ત્રિકોણીય છે અને તેમની અણીઓ દક્ષિણ-તરફી છે; ઉત્તર-તરફી મહાસાગરો સાંકડા અને દક્ષિણ-તરફી પહોળા છે. બધા જ મહાસાગરોની સાથે જોડાયેલા તેમજ ખંડોના અંતરિયાળમાં ક્યાંક ક્યાંક ભૂમિથી ઓછાવત્તા ઘેરાયેલા નાનામોટા સમુદ્રો આવેલા છે. બધા ખંડો અન્યોન્ય ભૂમિભાગથી જોડાયેલા નથી, કેટલાક એકબીજાથી અલગ પણ છે; દા.ત., આફ્રિકા, ઑસ્ટ્રેલિયા. જ્યારે બધા જ મહાસાગરો અને સમુદ્રો જળથી જોડાયેલા છે. સમુદ્રસપાટીથી ઊંચાઈ તરફનું અને ઊંડાઈ તરફનું સ્થળર્દશ્ય નીચે મુજબના આલેખ દ્વારા રજૂ થઈ શકે.
સમુદ્રસપાટીથી ભૂમિની સરેરાશ ઊંચાઈ 875 મીટરની છે, જ્યારે મહાસાગરોની સરેરાશ ઊંડાઈ 3,729 મીટરની છે; આ સંદર્ભમાં મહાસાગરતળની સરેરાશ ઊંડાઈથી ખંડોની સરેરાશ ઊંચાઈ 4,604 મીટર ઉપર તરફ છે. માઉન્ટ એવરેસ્ટ 8,848 (તાજેતરની ગણતરી મુજબ 8872) મીટર ઊંચાઈ પર છે, જ્યારે પૅસિફિક મહાસાગરમાં આવેલી મરિયાના ખાઈ 11,000 (11,035) મીટરની ઊંડાઈએ છે, એટલે ઊંચાઈ-ઊંડાઈનો સરવાળો આશરે 20 કિમી. જેટલો થાય છે.
મહાસાગરોનું વિતરણ : પૃથ્વી પરના મહાસાગરોમાં તેમની વિશાળતાના ઊતરતા ક્રમ મુજબ પૅસિફિક (પ્રશાંત) મહાસાગર, આટલાન્ટિક મહાસાગર, હિન્દી મહાસાગર, દક્ષિણ મહાસાગર અને આર્ક્ટિક મહાસાગરનો સમાવેશ કરવામાં આવેલો છે. આ મહાસાગરોમાંથી જળરાશિ ખાલી કરી દેવામાં આવે તો તેમનાં થાળાંનાં તળ અને ઢોળાવો પર પર્વતો અને પર્વતમાળાઓ, ડુંગરધારો અને ઉચ્ચસપાટ પ્રદેશો, મેદાનો, ખીણો, ખાઈઓ અને કોતરો, ચિત્રવિચિત્ર સ્થળર્દશ્યો તેમજ અજાયબી પમાડે એવું વિવિધ પ્રકારનું જીવન જોવા મળે. કરોડો વર્ષોના ગાળા દરમિયાન આ પ્રકારનાં લક્ષણો અહીં તૈયાર થયેલાં છે.
પૃથ્વીના પટ પરના સમગ્ર જળરાશિને નીચે મુજબના વિભાગોમાં વહેંચવામાં આવેલો છે. ઉત્તરમાં આવેલો આર્ક્ટિક મહાસાગર બેરિંગની સામુદ્રધુની દ્વારા પૅસિફિક મહાસાગરથી અલગ પડે છે; જ્યારે તે ફ્યુરી સામુદ્રધુની, હેલ્કા સામુદ્રધુની તેમજ ગ્રીનલૅન્ડથી સ્વાલબાર્ડ, બિયર ટાપુ અને નૉર્વેની ઉત્તર ભૂશિરને જોડતી રેખા દ્વારા આટલાન્ટિકથી અલગ પડે છે. આર્ક્ટિક મહાસાગરમાં આર્ક્ટિક-ભૂમધ્ય સમુદ્રનો, હડસન ઉપસાગરનો, બેફિન ઉપસાગરનો અને કૅનેડાની સામુદ્રધુનીનો સમાવેશ થઈ જાય છે. 20° પૂર્વ રેખાંશ પર આવેલી અગુલ્હાસની ભૂશિર આટલાન્ટિક અને હિન્દી મહાસાગરને અલગ પાડે છે. હિન્દી મહાસાગર અને પૅસિફિક મહાસાગર આંદામાન ટાપુઓથી, ઇન્ડોનેશિયાથી, તિમોર તાલ્બોટની ભૂશિર (ઑસ્ટ્રેલિયા) સુધીની રેખાથી, બાસની સામુદ્રધુનીના પશ્ચિમ છેડા તેમજ ટાઝમાનિયાની અગ્નિ-ભૂશિર પર આવેલા 146°52´ પૂર્વ રેખાંશથી અલગ પડે છે. મૅંગેલન સામુદ્રધુની પૅસિફિકનો જ એક ભાગ બની રહે છે. દક્ષિણ તરફ આટલાન્ટિક અને પૅસિફિક મહાસાગરો વચ્ચે હૉર્નની ભૂશિરથી દક્ષિણ શેટલૅન્ડ ટાપુને જોડતી રેખા સરહદ બની રહે છે; ત્યાંથી તે ઍન્ટાર્ક્ટિકાના દ્વીપકલ્પને જોડે છે. મેક્સિકોનો અખાત અને કૅરૅબિયન સમુદ્ર ભેગા મળીને અમેરિકી-ભૂમધ્ય સમુદ્ર બનાવે છે. આંદામાન, ઈસ્ટ ઇંડિઝ, ન્યૂગીની, ફિલિપાઇન્સ અને ફૉર્મોસા વચ્ચેના સમુદ્રો એશિયા-ભૂમધ્ય સમુદ્ર બનાવે છે.
આ પ્રમાણેની સરહદોનો ઉપયોગ કરીને એચ. ડબ્લ્યૂ. મૅનાર્ડે અને આર. સ્મિથે (1966માં) મહાસાગરો અને તેમની સાથે સંકળાયેલા મુખ્ય સમુદ્રોને અલગ તારવી આપ્યા છે. સારણી 2 આ હકીકતોને વધુ સ્પષ્ટ કરી આપે છે.
ઉત્પત્તિ : પૃથ્વી ઉત્પન્ન થઈ ત્યારે શરૂઆતનાં લાખો વર્ષોના કાળગાળા દરમિયાન વારંવાર થતાં રહેલાં આગ્નેય પ્રક્રિયા અને જ્વાળામુખી-પ્રસ્ફુટનો દ્વારા બહાર નીકળતી રહેલી વરાળ ઠંડી પડતી જવાથી તૈયાર થતું જતું જળ, પૃથ્વીના ક્રમશ: ઠંડા પડતા જવાથી થયેલા સંકોચનને કારણે સપાટી પર ઉદભવેલાં વિશાળ થાળાંમાં ભરાતું ગયેલું. આ રીતે મહાસાગરો ઉત્પન્ન થયા હશે એમ કહેવાય છે. થાળાંઓમાં ભૂમિ પરથી વહનક્રિયા દ્વારા જળકૃત ખડકોનાં સ્તર પણ જામતાં ગયાં હશે. ગણતરી મુજબ જૂનામાં જૂના નિક્ષેપનું વય 3.8 અબજ વર્ષનું મુકાયું છે, વિજ્ઞાનીઓ હવે તો પૃથ્વીના જૂનામાં જૂનો ખડકના વય માટે 4.3 અબજ વર્ષનો મૂક્યો છે. આથી એટલું જ વય મહાસાગરોની ઉત્પત્તિ માટે પણ મૂકી શકાય.
સારણી 2 : મહાસાગરો અને નજીકના સમુદ્રોની લાક્ષણિકતાઓ
મહાસાગરો અને નજીકના સમુદ્રો | ક્ષેત્રફળ 106 ચોકિમી. | કદ 106 ઘન કિમી. | સરેરાશ ઊંડાઈ (મીટર) |
પૅસિફિક : | 166.241 | 696.189 | 4188 |
એશિયાઈ ભૂમધ્ય સમુદ્ર | 9.082 | 11.366 | 1252 |
બેરિંગનો સમુદ્ર | 2.261 | 3.373 | 1492 |
ઓખોટસ્કનો સમુદ્ર | 1.392 | 1.354 | 973 |
પીળો સમુદ્ર અને પૂર્વીય ચીની સમુદ્ર | 1.202 | 0.327 | 272 |
જાપાની સમુદ્ર | 1.013 | 1.690 | 1667 |
કૅલિફૉર્નિયાનો અખાત | 0.153 | 0.111 | 724 |
કુલ : |
181.344 | 714.410 | 9568 |
સરેરાશ |
3940 | ||
આટલાન્ટિક : | 86.557 | 323.369 | 3736 |
અમેરિકી ભૂમધ્ય સમુદ્ર | 4.357 | 9.427 | 2164 |
ભૂમધ્ય સમુદ્ર | 2.510 | 3.771 | 1502 |
કાળો સમુદ્ર | 0.508 | 0.605 | 1191 |
બાલ્ટિક સમુદ્ર | 0.382 | 0.038 | 101 |
કુલ : |
94.314 | 337.210 | 8694 |
સરેરાશ |
3575 | ||
હિન્દી મહાસાગર : | 73.427 | 284.340 | 3872 |
રાતો સમુદ્ર | 0.453 | 0.244 | 538 |
ઈરાનનો અખાત | 0.238 | 0.024 | 100 |
કુલ : |
74.118 | 284.608 | 4510 |
સરેરાશ |
3840 | ||
આર્ક્ટિક : | 9.485 | 12.615 | 1330 |
આર્ક્ટિક-ભૂમધ્ય | 2.772 | 1.087 | 392 |
કુલ : |
12.257 | 13.702 | 1722 |
સરેરાશ |
1117 | ||
સામૂહિક કુલ : | 362.033 | 1349.929 | સરેરાશ 3729 |
મહાસાગરજળ, પ્રકાશ અને રંગ–અસર : મહાસાગરની જળસપાટી પર અથડાતાં સૂર્યકિરણો પૈકી કેટલાંક પરાવર્તિત થઈ જાય છે, તો કેટલાંક શોષાય છે. શોષાતાં કિરણોનું જલકણો દ્વારા રંગવિખેરણ થતાં અદભુત ર્દશ્યઅસર ઉદભવે છે. લાલ રંગ ઓછી ઊંડાઈમાં શોષાઈ જાય છે, જ્યારે વાદળી રંગ વધુ ઊંડાઈ સુધી પહોંચી શકે છે. જળ સ્વચ્છ હોય તોપણ પ્રકાશની અસર 250 મીટરથી વધુ ઊંડાઈ સુધી ભાગ્યે જ પહોંચે છે. ઊંચાઈ પરથી નિહાળતાં, મહાસાગરજળ ભૂરા રંગનું દેખાય છે. યુરોપ-એશિયાની સરહદે આવેલા કાળા સમુદ્રના જળમાં રહેલા પંકકણો હાઇડ્રોજન સલ્ફાઇડથી સમૃદ્ધ હોવાથી તેનાં જળ કાળા રંગનાં દેખાય છે. એ જ રીતે રાતા સમુદ્રનો રાતો રંગ તેની જળસપાટી પર રાતા રંગની વિકસતી રહેતી અને તરતી રહેલી વનસ્પતિને આભારી છે.
જળદાબ : જળસપાટી પરનો પ્રત્યેક ચોરસ સેન્ટિમીટર વિસ્તાર એક કિલોગ્રામ વજન જેટલા જળદાબની અસર હેઠળ રહેલો હોય છે. આ એકમને 1 ઍટમોસ્ફિયર કહે છે. ઊંડાઈના વધવા સાથે જળદાબનું પ્રમાણ પણ વધતું જાય છે. પ્રત્યેક 10 મીટરની ઊંડાઈએ જળદાબમાં એક વાતાવરણીય એકમનો વધારો થતો જાય છે. 3,000 મીટરની ઊંડાઈએ 300 ઍટમોસ્ફિયર જેટલો જળદાબ પ્રવર્તે છે. સામાન્ય રીતે મરજીવાઓ જાડી દીવાલોવાળી પનડૂબી (Submarine) દ્વારા આટલી ઊંડાઈ સુધી જઈ શકે છે. પ્રતિકૂળ સંજોગોમાં વધુ ઊંડાઈએ વધતા જતા જળદાબથી ભીંસાઈને કચરાઈ જવાય છે.
ક્ષારતા : જળમાં રહેલા ક્ષાર-પ્રમાણને ક્ષારતા કહે છે. તે સામાન્ય રીતે તો સમુદ્રજળમાં પ્રતિ હજાર ભાગમાં કેટલા ભાગ ક્ષારપ્રમાણ (ppt = parts per thousand) રહેલું છે તે મુજબ દર્શાવાય છે, સમુદ્રજળનું સરેરાશ ક્ષારપ્રમાણ 35 ppt હોય છે; તેમ છતાં ક્યારેક તે પ્રતિ દસલાખ ભાગ(ppm)માં કેટલા પ્રમાણમાં છે અથવા પ્રતિ કિલોગ્રામે કેટલા ગ્રામ રહેલું છે તે મુજબ g/kg % રૂપે પણ દર્શાવાય છે.
સમુદ્રજળનો ખારો સ્વાદ તેમાં રહેલા NaClના પ્રમાણને આભારી છે. વાસ્તવિક રીતે તો પૃથ્વી પરની નદીઓ સમુદ્ર-મહાસાગરજળમાં સોડિયમ ક્લોરાઇડ કરતાં કૅલ્શિયમ કાર્બોનેટ વધુ પ્રમાણમાં ઠાલવતી રહે છે; પરંતુ જળચર વનસ્પતિ – પ્રાણી-જીવસૃષ્ટિ તેમનાં કોષબંધારણ માટે, હાડપિંજર-બંધારણ અને તેમની જાળવણી માટે તેમજ તેમનાં કવચ બનાવવા માટે CaCO3નો ઉપયોગ કરતી રહેતી હોવાથી ઉપર્યુક્ત પ્રમાણ બદલાઈ જાય છે.
સમુદ્રજળમાં ઉમેરાતા ક્ષારો ભૂમિ પરના ખડકોમાંથી મળી રહે છે. ખડકોના ઘસારા-ખવાણ-ધોવાણની ક્રિયા દ્વારા જુદા જુદા ક્ષારો પાણીમાં ઓગળીને નદીઓ મારફતે સમુદ્રજળમાં ઠલવાતા રહે છે. પ્રત્યેક વર્ષે આ રીતે ઠલવાતું ક્ષારપ્રમાણ 2.5 અબજ ટન જેટલું રહે છે. આ દર મુજબ, સમુદ્રો-મહાસાગરો બન્યાને કરોડો વર્ષો વીતી ગયાં હોવાથી તે બધા અતિસંતૃપ્ત બની ગયા હોવા જોઈએ, પરંતુ તેમ બનતું નથી. ઉપર દર્શાવેલ કારણ ઉપરાંત, મહાસાગર-થાળાંના તળ પર જામતી મૃદ સાથે ક્ષારો જોડાઈ જાય છે. વળી ખનિજદ્રવ્યોના નિર્માણમાં પણ તે વપરાતા હોય છે. આમ ક્ષારતાનું સમપ્રમાણ જળવાઈ રહે છે.
સમુદ્ર–મહાસાગરનાં તળ–લક્ષણો
1. મધ્ય મહાસાગરીય ડુંગરધારો : મહાસાગર-થાળાં પર જોવા મળતું આ મુખ્ય લક્ષણ છે. મહાસાગરોના આકારો મુજબ તેમની ઉપસ્થિતિ જુદી જુદી જોવા મળે છે. મહાસાગરોની ભૌગોલિક સ્થિતિ મુજબ તેમને નામ અપાયેલાં છે. [જુઓ ‘મધ્ય મહાસાગરીય (સામુદ્રિક) ડુંગરધારો’]
2. અગાધ ઊંડાઈ પરનાં થાળાં : ડુંગરધારોની બંને બાજુઓથી દૂર આવેલાં થાળાંનું તળ પહોળાઈવાળું છે. તેમની ઊંડાઈ આશરે 3,000 મીટરની છે. ત્યાં પહોળાં મેદાનો વિસ્તરેલાં છે તેમજ તેમના તળભાગથી આશરે 900 મીટરની ઊંચાઈ ધરાવતી, નાની નાની ટેકરીઓ પણ આવેલી છે. અહીંનાં મેદાનો પર ખંડીય કિનારીઓની નજીક નિક્ષેપ-જમાવટ પણ થયેલી છે, જમાવટથી રચાયેલાં આવરણો હેઠળ કેટલીક ટેકરીઓ દબાઈ ગયેલી છે.
3. ઉચ્ચસપાટ પ્રદેશો : અગાધ ઊંડાઈએ વિસ્તરેલાં મેદાનોથી અલગ પડી આવતા સેંકડો મીટરની ઊંચાઈ ધરાવતા સપાટ શિરોભાગવાળા ઉચ્ચસપાટ પ્રદેશો પણ આવેલા છે. તે ખંડીય કિનારીઓ પૂરી થયા પછી વિસ્તરે છે, ઊંડાણ ધરાવતાં થાળાં તરફ ઉગ્ર ઢોળાવ સાથે તે પૂરા થાય છે. ફ્લોરિડાથી પૂર્વમાં ‘બ્લૅક’ ઉચ્ચસપાટ પ્રદેશ અને ઑસ્ટ્રેલિયાની પૂર્વમાં ‘મેલેનેશિયન’ ઉચ્ચસપાટ પ્રદેશ તેનાં ઉદાહરણો છે.
4. અધ:સમુદ્રીય પર્વતશિખરો : થાળાંના તળભાગ પર સમુદ્રસપાટીથી અમુક ઊંડાઈએ જ્વાળામુખીજન્ય પર્વત-શિખરો જોવા મળે છે. આ પૈકી કેટલાંક જળસપાટીથી ઉપર તરફ ટાપુ સ્વરૂપે પણ દેખાય છે. તે ક્યાંક સમૂહોમાં તો ક્યાંક છૂટાંછવાયાં પણ હોય છે. તેમની સરેરાશ ઊંચાઈ તળથી 1,000 મીટરની હોય છે. સંખ્યાની ર્દષ્ટિએ તે 20,000 જેટલાં છે. ભૂસ્તરીય ર્દષ્ટિએ તે બધાં તળ કરતાં નવા વયનાં છે. કેટલાક પર્વતો મથાળાના ભાગમાં સપાટ લક્ષણવાળાં હોય છે, તે ગીઓટ નામથી ઓળખાય છે (જુઓ, ગીઓટ).
5. સમુદ્ર–ખાઈઓ : ખંડીય કિનારીઓ અને દ્વીપચાપોની નજીકમાં સમુદ્ર-ખાઈ નામે ઓળખાતાં સાંકડાં, ઊંડાં, ખીણ જેવાં લક્ષણો જોવા મળે છે. તે પૃથ્વીની સપાટીની અનિયમિતતા દર્શાવતા ઊંડામાં ઊંડા વિભાગો છે. આ પૈકીની ઊંડામાં ઊંડી ખાઈ પૅસિફિક મહાસાગરમાં આવેલી મરિયાના ખાઈ છે. તેનું ઊંડાણ સમુદ્ર-સપાટીથી 11,035 મીટર છે અને લંબાઈ 2,500 કિમી. છે. મોટાભાગની ખાઈઓ પૅસિફિક મહાસાગરની સરહદ પર આવેલી છે. કેટલીક ખાઈઓ 200 કિમી. પહોળી અને હજારો કિમી. લંબાઈમાં વિસ્તરેલી છે. સમુદ્ર-ખાઈઓ ભૂતકતીઓની સંયોગાત્મક (convergent) સીમાઓ રચે છે અને ભૂકંપ-જ્વાળામુખી-ક્રિયાઓ સાથે સંકળાયેલી છે.
6. દ્વીપચાપો : સમુદ્રસપાટીથી બહાર નીકળી આવેલા અને નજીક નજીક કમાન-આકારે ગોઠવાયેલા કેટલાક ટાપુઓ દ્વીપચાપ બનાવે છે. આવી દ્વીપચાપો પશ્ચિમ પૅસિફિક અને વેસ્ટ ઇન્ડિઝમાં જોવા મળે છે. તેમની બહિર્ગોળ બાજુ પર ઊંડી ખાઈઓ તૈયાર થયેલી છે, જેમને દ્વીપચાપોના અગ્રઊંડાણ (foredeeps) તરીકે પણ ઓળખાવવામાં આવે છે. દ્વીપચાપો પૃથ્વીના પોપડાના સક્રિય વિભાગો છે.
7. અધ:સમુદ્રીય કોતરો : સમુદ્ર-ખાઈઓથી લાક્ષણિક રીતે અલગ પડી આવતાં, ઠીક ઠીક ઊંડાઈ ધરાવતા V-આકારના ખીણવિભાગો કોતરો તરીકે ઓળખાય છે. મહાસાગર-તળ પરના ખંડીય ઢોળાવોની ધાર પર તે જોવા મળે છે. તેમની ઉત્પત્તિ માટે હજી સુધી કોઈ સ્પષ્ટ નિર્ણય થઈ શકેલ નથી. સંભવત: અધ:સમુદ્રીય ઢોળાવની કિનારીઓનાં ભંગાણ થવાથી તે ઉદભવતાં હોવાનું માનવામાં આવે છે, કારણ કે જળ નીચે પસાર કરેલાં દોરડાં (cables) અહીં ક્યારેક તૂટી જાય છે. તે પરથી તેમને ખંડીય ઢોળાવનાં જ લક્ષણ તરીકે ઓળખાવવામાં આવેલાં છે. કેટલાંક કોતરો 200 કિમી. લંબાઈવાળાં અને 1થી 2 કિમી પહોળાઈવાળાં છે.
8. ફિયૉર્ડ : ખંડોના કિનારા પાસેના ભાગો ક્યારેક દબી કે ડૂબી જવાથી ખીણભાગો જેવાં લક્ષણો તૈયાર થતાં હોય છે. તેમને ફિયૉર્ડ તરીકે ઓળખાવ્યાં છે. મૂળભૂત રીતે તો તે હિમનદીઓના ઘસારાનાં લક્ષણો જ છે. સમુદ્ર નજીકના મહાસાગરોનાં જળ જ્યારે આવા ખીણભાગોમાં ભરાઈ રહે છે ત્યારે તેમને ફિયૉર્ડ છે.
9. મહાસાગરોનું જલાભિસરણ : સમુદ્રજળ ક્ષૈતિજ દિશામાં મોજાં અને સમુદ્રપ્રવાહોરૂપે અને ઊર્ધ્વ (ઊંડાઈની) દિશામાં સમુદ્રસપાટીમાં વધારા-ઘટાડાના ફેરફારો(sea level changes)રૂપે અભિસરણ પામતું રહે છે.
10. ઘસારાજન્ય લક્ષણો : સતત ઉત્પન્ન થતાં રહેતાં મોજાં કિનારા પરના ભૂમિભાગને અથડાતાં રહે છે. ત્યાં ટેકરીઓ આવેલી હોય તો સમુદ્ર-તરફી ઊભા ઢોળાવવાળી ભેખડ (sea cliff) બની રહે છે, પાર્શ્વ-ઘસારો જો ટેકરીની બધી બાજુ થતો જાય તો તે છત્રી આકારની બની જાય છે. ક્યારેક આધાર ન જળવાતાં તે તૂટી પડે છે. સમુદ્રમાં ભેખડ બનતી હોય ત્યારે જો મોજાંનો મારો એક તરફનો જ હોય અને ટેકરીનો નીચેનો ભાગ પોચા સ્તરોથી બનેલો હોય તો ત્યાં ગુફા (sea cave) તૈયાર થાય છે. મોજાંનો મારો જો બે સામસામી બાજુનો હોય તો બંને બાજુથી રચાતી ગુફા જોડાઈ જઈ પોલાણ ઉદભવે છે, અને ઉપરના સખત ખડકોની કમાન રચાય છે, જેને સમુદ્ર-કમાન (sea-arch) કહે છે. કિનારો આછો ઢળતો હોય અને ભરતી-મોજાંની અથડામણની ક્રિયા સતત ચાલુ રહે તો ત્યાં સીડીદાર પ્રદેશની રચના થઈ શકે છે, સોપાન-શ્રેણી પણ બની શકે છે.
સ્વચ્છ જળ કરતાં ખારું જળ વધુ પ્રક્રિયાત્મક હોવાથી કિનારા પરના ખડકો (ખાસ કરીને ચૂનાયુક્ત ખડકો) ધોવાણ પામતા જાય છે. અનુકૂળતા મળી રહે તો તેમાં દ્રવીભૂત ગુફા(solution cave)ની રચના થાય છે. મોજાંની સાથે જો રેતીના કણોનું પ્રમાણ વધુ હોય તો કિનારાના ખડકો ક્ષૈતિજ દિશામાં વધુ ઘસાય છે. પરિણામે ક્યારેક નાના પાયા પરની વ્યાસપીઠ (platform) બની રહે છે.
11. નિક્ષેપજન્ય લક્ષણો : ભૂમિ પરથી સ્થાનાંતરિત થઈને આવેલો ઘસારાજન્ય શિલાચૂર્ણ દ્રવ્ય-જથ્થો, સમુદ્રતળની ઊંડાઈના જે સ્તરે મોજાં અને પ્રવાહોની અસર મંદ પડી જાય ત્યાં પથરાતો જાય છે અને જમાવટ થાય છે. કિનારા નજીક જમાવટની પરિસ્થિતિની અનુકૂળતા મળે તો દરિયાઈ આડ કે અનુપ્રસ્થ આડની રચના પણ થઈ શકે છે. અનુપ્રસ્થ દરિયાઈ આડ કિનારાના ભાગને અને દૂરતટીય ટાપુને જોડી દે તો તેને ‘તંબોલો’ કહે છે. નદીઓના સમુદ્ર-સંગમ પર ત્રિકોણપ્રદેશો બનતા રહે છે. સમુદ્રતળ પર ઊંડાઈ મુજબ બે પ્રકારના નિક્ષેપો – છીછરા જળના નિક્ષેપો અને અગાધ નિક્ષેપો – રચાય છે. તદુપરાંત વિવિધ પ્રકારનાં સ્યંદનો – ગ્લોબિજેરીના સ્યંદન, પ્ટેરોપૉડ સ્યંદન જેવાં ચૂનાયુક્ત સ્યંદનો, ડાયએટમયુક્ત સ્યંદન, રેડિયોલેરિયા સ્યંદન જેવાં સિલિકાયુક્ત સ્યંદનો – મહાસાગરતળ પર જમાવટ પામેલાં હોય છે. લોહ, મૅંગેનીઝ, કોબાલ્ટ, નિકલ, તાંબું, ટિટેનિયમ અને ઝિર્કોનિયમના ખનિજગઠ્ઠાઓ પણ પૅસિફિક, આટલાન્ટિક અને હિન્દી મહાસાગરમાં જમાવટ પામેલા છે, પરંતુ અગાધ ઊંડાણમાંથી આ ખનિજ-જથ્થાઓ મેળવવાનું શક્ય નથી.
12. જીવન : મહાસાગરોની સપાટી પરનો અને સપાટી નજીકનો વિભાગ જીવસૃષ્ટિથી વધુ સમૃદ્ધ છે, કારણ કે જીવન માટે જરૂરી પ્રકાશ અને તાપમાન અહીં મળી રહે છે. સૂક્ષ્મ વનસ્પતિ અહીં વિકસે છે; દા.ત., લીલ. લીલ પર નભતાં પ્રોટોઝોઆ, માછલીઓ, વહેલ અને પોર્પોઇઝ પ્રાણીઓ આ વિભાગમાં વધુ જોવા મળે છે. અમુક ઊંડાઈ સુધીના જળવિભાગમાં પરવાળાંનો વિકાસ શક્ય બને છે. મહાસાગર-તળ પર ઊંડાઈના વધવાની સાથે પ્રાણીઓનું પ્રમાણ અને વિવિધતા ઘટતાં જાય છે. દરિયાઈ જીવોના ઘણા મુખ્ય સમૂહોમાંથી માત્ર ત્રણ ડઝન પ્રકારો જ અગાધ જળમાં જોવા મળે છે. એક બાજુ ઊંડાઈના વધવાની સાથે સાથે સમુદ્રજળમાં રહેલી અશુદ્ધિઓ, કચરો અને ગંદકી પર નભનારાં પ્રાણીઓ વધતાં જાય છે (અને તે નિક્ષેપ-આવરણોમાંથી તેમનું પોષણ મેળવે છે), તો બીજી બાજુ માંસભક્ષી પ્રાણીઓ ઘટતાં જાય છે.
સારણી 3 : મહાસાગરોનાં ક્ષેત્રફળ
મહાસાગરો | વિસ્તાર (ચો.કિમી.) |
પૅસિફિક મહાસાગર | 1,65,200,000 |
ઍટલાન્ટિક મહાસાગર | 81,662,000 |
હિન્દી મહાસાગર | 73,441,700 |
આર્ક્ટિક મહાસાગર | 9,485,100 |
કુલ : | 3,29,788,000 |
સારણી 4 : સમુદ્રજળમાં ઓગળેલી સ્થિતિમાં રહેલા મુખ્ય ઘટકો
ઘટક | સંકેન્દ્રણ (ppm) |
ક્લોરાઇડ (Cl–) | 19,000 |
સોડિયમ (Na+) | 10,550 |
સલ્ફેટ (SO42–) | 2,460 |
મૅગ્નેશિયમ (Mg2+) | 1,290 |
કૅલ્શિયમ (Ca2+) | 400 |
પોટૅશિયમ (K+) | 380 |
બાયકાર્બોનેટ (HCO3–) | 140 |
બ્રોમાઇડ (Br–) | 65 |
બોરિક ઍસિડ (H3BO3) | 25 |
સારણી 5 : દુનિયાના વિશાળ સમુદ્રો*
નામ | વિસ્તાર ચોકિમી. નજીકના હજારના પૂર્ણાંકમાં |
કોરલ સમુદ્ર | 47,91,000 |
અરબી સમુદ્ર | 38,63,000 |
દક્ષિણ ચીની (નાન) સમુદ્ર | 36,85,000 |
ભૂમધ્ય સમુદ્ર | 25,16,000 |
બેરિંગ સમુદ્ર | 23,04,000 |
બંગાળનો ઉપસાગર | 21,72,000 |
ઓખોટસ્કનો સમુદ્ર | 15,90,000 |
મેક્સિકોનો અખાત | 15,43,000 |
ગિનીનો અખાત | 15,33,000 |
બેરેન્ટ્સનો સમુદ્ર | 14,05,000 |
નૉર્વેજિયન સમુદ્ર | 13,83,000 |
અલાસ્કાનો અખાત | 13,27,000 |
હડસનનો ઉપસાગર | 12,32,000 |
ગ્રીનલૅન્ડનો સમુદ્ર | 12,05,000 |
આરાફુરા સમુદ્ર | 10,37,000 |
ફિલિપાઇન સમુદ્ર | 10,36,000 |
જાપાનનો સમુદ્ર | 9,78,000 |
પૂર્વ સાઇબિરિયાનો સમુદ્ર | 9,01,000 |
કારા સમુદ્ર | 8,83,000 |
પૂર્વ ચીની સમુદ્ર | 6,64,000 |
આંદામાન સમુદ્ર | 5,65,000 |
ઉત્તર સમુદ્ર | 5,20,000 |
કાળો સમુદ્ર | 5,08,000 |
રાતો સમુદ્ર | 4,53,000 |
બાલ્ટિક સમુદ્ર | 4,14,000 |
સેંટ લૉરેન્સનો અખાત | 2,38,000 |
અરબી/ઈરાનનો અખાત | 2,38.000 |
* મહાસાગરોનો આ યાદીમાં સમાવેશ કરેલો નથી.
ગિરીશભાઈ પંડ્યા