મહાસાગરીય (સામુદ્રિક) કોતરો : સમુદ્ર કે મહાસાગરતળમાં જોવા મળતાં સીધા ઢોળાવવાળાં, સાંકડાં, ઊંડાં ગર્ત. આ પ્રકારનાં ગર્ત ભૂમિસ્વરૂપોમાં જોવા મળતી ઊભી, સાંકડી V-આકારની ખીણોને સમકક્ષ હોય છે.
તેમની દીવાલો છેક તેમના તળ સુધી વિસ્તરેલી હોય છે. આમ તો સમુદ્ર કે મહાસાગરનું તળ જાતજાતનાં વિવિધ લક્ષણો ધરાવતું હોય છે, પરંતુ આ અધ:સમુદ્રીય કોતરો અન્ય લક્ષણોથી તદ્દન જુદાં પડે છે. દરિયાકિનારાના અંદર તરફના ખંડીય ઢોળાવોમાં તે કોતરાઈ ગયેલી ખીણો જેવાં દેખાતાં હોય છે. (જુઓ આકૃતિ). તેમની સામસામી દીવાલો સખત કે મૃદુ ખડકોથી બનેલી હોય છે, દીવાલોમાં પણ કોતરોની શાખા-પ્રશાખાઓ ખોતરાયેલી હોય છે. કોતરોના બાહ્ય ઢોળાવોની ધારો પર પંખાકાર કાંપ જેવા ઢાળનિક્ષેપો પણ જામેલા હોય છે. કેટલાંક કોતરો તો સમુદ્રકિનારા નજીક આવેલા પર્વતોનાં કોતરોનું દરિયાઈ વિસ્તાર તરફ ચાલ્યું જતું સીધેસીધું વિસ્તરણ પણ હોય છે. કેટલાંક કોતરોનાં ઊંડાઈએ આવેલાં તળ પર રેતીનાં વારાફરતી ગોઠવાયેલાં પડ ધરાવતા નિક્ષેપો જામેલા જોવા મળે છે. આ પૈકીના કેટલાક નિક્ષેપો છીછરા જળના નિક્ષેપોને મળતા આવે છે. તો કેટલાક પંકથી બનેલા અગાધ દરિયાઈ નિક્ષેપોને મળતા આવે છે. એ શક્ય છે કે કોતરોના શિરોભાગની દીવાલો ભૂપાત થવાથી તૂટી પડી હોય, તેનું દ્રવ્ય ડહોળાતું જઈને જુદી જુદી ગતિ અનુસાર પંક અને રેતીનાં પડરૂપે તેમના તળભાગમાં જામતું ગયું હોય. ભૂપાત વારંવાર થયા હોય અને પંક અને રેતીનાં વારાફરતી પડ બંધાતાં ગયાં હોય. સમુદ્રો નીચે નાખવામાં આવેલાં દોરડાં (cables) આવા ભૂપાતથી તૂટી જતાં હોવાથી કેબલ કંપનીઓ કોતરોવાળા ભાગોમાંથી દોરડાં પસાર કરવાનું ટાળતી હોય છે.
ગિરીશભાઈ પંડ્યા