મહારાજા કરણી સિંહ (જ. 21 એપ્રિલ 1924, બિકાનેર અ. 6 સપ્ટેમ્બર 1988, નવી દિલ્લી) : લોકસભાના સભ્ય, સુપ્રસિદ્ધ નિશાનેબાજ અને બિકાનેર રાજ્યના અંતિમ મહારાજા.
તેમનું નામ તેમની કુળદેવી કરણીમાતા પરથી પાડવામાં આવ્યું હતું. તેમનું શાલેય શિક્ષણ બિકાનેરમાં થયું. સેન્ટ સ્ટીફન્સ કૉલેજ, દિલ્હી અને સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કર્યું. તેઓ ઇતિહાસ અને પોલિટિકલ સાયન્સ વિષય સાથે બી.એ. થયા. 1964માં બૉમ્બે યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી.
25 ફેબ્રુઆરી, 1944માં ડુંગરપુરનાં રાજકુમારી સુશીલાકુમારી સાથે લગ્ન થયાં. તેમને એક પુત્ર અને બે પુત્રીઓ છે. એમની એક પુત્રી રાજકુમારી રાજ્યશ્રીકુમારી પ્રથમ શ્રેણીનાં નિશાનેબાજીનાં ખેલાડી છે. તેમને 1968માં અર્જુન ઍવૉર્ડ મળ્યો હતો.
કરણી સિંહે 13 વર્ષની ઉંમરે નિશાનબાજીની શરૂઆત કરી. એમણે અ-ચૂક નિશાન સાધતાં એક પક્ષીનો પ્રાણ જતાં એમનું હૃદય દ્રવી ઊઠ્યું. એમણે પ્રતિજ્ઞા લીધી કે મારા નિશાનબાજીના શોખ માટે કોઈ પક્ષીને હણીશ નહીં. એ પછી એમણે નિશાનબાજીને કારકિર્દી બનાવવાનો ફેંસલો કર્યો.
તેઓ સતત 17 વર્ષ સુધી ક્લે પિજ્યન ટ્રેપ અને સ્કીટમાં નૅશનલ ચૅમ્પિયન બન્યા. તેમણે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં તમામ સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1960થી 1980 દરમિયાન યોજાયેલી પાંચ ઑલિમ્પિક રમતો-રોમ (1960), ટોકિયો (1964), મેક્સિકો (1968), મ્યુનીચ (1972) અને મૉસ્કો (1980)માં ભાગ લેનાર તેઓ પ્રથમ ભારતીય હતા. તેમણે 1967માં ટોકિયોમાં યોજાયેલ એશિયન શૂટિંગ ચૅમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક, કેરોમાં યોજાયેલ 38મા વિશ્વ શૂટિંગ ચૅમ્પિયનશિપમાં, 1974માં તહેરાનમાં યોજાયેલ એશિયાઈ રમતોમાં અને 1975માં કુઆલાલમ્પુરમાં યોજાયેલ એશિયાઈ રમતોમાં રજતચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. તેઓ નિશાનબાજી ઉપરાંત ટેનિસ, ગૉલ્ફ અને ક્રિકેટના ખેલાડી પણ હતા. તેમને ફોટોગ્રાફી અને પેઇન્ટિંગમાં પણ રસ હતો. તેમની પાસે પાઇલટનું લાઇસન્સ પણ હતું.
તેઓ 1952થી 1977 સુધી 25 વર્ષ સુધી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. આ દરમિયાન તેમણે વિવિધ મંત્રાલયોની અનેક સલાહકાર સમિતિઓના સભ્ય તરીકે કાર્ય કર્યું હતું. તેઓ રાજસ્થાની ભાષાના પ્રખર સમર્થક હતા. ભારતીય બંધારણની 14મી અનુસૂચિમાં તેનો સમાવેશ કરવા માટે તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
તેઓ એશિયાટિક સોસાયટી ઑવ્ ઇન્ડિયા, વેસ્ટર્ન ઇન્ડિયા ઑટોમોબાઇલ ઍસોસિયેશન, બૉમ્બે ફ્લાઇંગ ક્લબ, નૅશનલ સ્પૉર્ટ્સ ક્લબ ઑવ્ ઇન્ડિયા, બૉમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, ક્રિકેટ ક્લબ ઑવ્ ઇન્ડિયા, દિલ્હી ગૉલ્ફ ક્લબ, ક્લે પિજ્યન શૂટિંગ ઍસોસિયેશન, બૉમ્બે પ્રેસિડેન્સી ગૉલ્ફ ક્લબ, જેવી અનેક સંસ્થાઓના સભ્ય હતા. તેમણે તેમના શૂટિંગના અનુભવો ‘ફ્રોમ રોમ ટુ મૉસ્કો’ નામના પુસ્તકમાં નોંધ્યા છે.
તેમને આફ્રિકા સ્ટાર, ગ્રાન્ડ કમાન્ડર ઑવ્ ધ ઑર્ડર ઑવ્ વિક્રમ સ્ટાર અને ઑર્ડર ઑવ્ સ્ટાર ઑવ્ ઑનરથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને 1961માં અર્જુન ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેઓ શૂટિંગ માટે અર્જુન ઍવૉર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ વ્યક્તિ હતા. શૂટિંગ માટે દિલ્હીના તુઘલકાબાદ કિલ્લા પાસે આવેલી શૂટિંગ રેન્જનું નામ તેમના નામ પરથી ‘ડૉ. કરણી સિંહ શૂટિંગ રેન્જ’ રાખવામાં આવ્યું છે.
અનિલ રાવલ