મહારાજા અજિતસિંહ : મુઘલ બાદશાહ ફર્રુખસિયરના ગુજરાતના સૂબેદાર (1715–17 અને 1719–21). ગુજરાતમાં શાહજાદા મુહમ્મદ આઝમશાહની સૂબેદારી દરમિયાન દુર્ગાદાસની આગેવાની નીચે બાદશાહ ઔરંગઝેબે રાઠોડો સાથેનું સમાધાન સ્વીકાર્યું હતું; પરંતુ મહારાજા અજિતસિંહને પોતાને મળેલી જાગીરોથી સંતોષ નહોતો. તેઓ મારવાડનું સમગ્ર રાજ્ય જીતી લેવા આતુર હતા. સુજાતખાનના અવસાન(ઈ. સ. 1701)થી એમના પર રહેલો અંકુશ જતો રહ્યો. અજિતસિંહના એ વલણથી નાખુશ બનેલા ઔરંગઝેબે અજિતસિંહની સારી વર્તણૂક અને વફાદારી માટે ખાતરી આપનાર દુર્ગાદાસને મુઘલ દરબારમાં હાજર થવા કહેણ મોકલ્યું. દુર્ગાદાસે પોતાની લશ્કરી ટુકડી સાથે અમદાવાદ આવી પહોંચી વાડજમાં મુકામ કર્યો; પરંતુ સૂબેદારની મેલી રમતની ગંધ આવતાં દુર્ગાદાસ પાટણ તરફ કૂચ કરી ગયા. ત્યાંથી તેઓ મારવાડ તરફ ચાલ્યા ગયા. ત્યારબાદ ચાર વર્ષ (ઈ. સ. 1702–1705) સુધી અજિતસિંહ અને દુર્ગાદાસ મારવાડમાં મુઘલોને પરેશાન કરતા રહ્યા. છેવટે ઔરંગઝેબ સાથે દુર્ગાદાસે સમાધાન કર્યું અને ગુજરાતમાંની એમની જગ્યા પાછી આપવામાં આવી.
બાદશાહ શાહઆલમ પહેલાના સમયમાં વજીર અસફ-ઉદ્-દૌલા આસદખાનની મુદ્રાવાળાં પાંચ ફરમાન બાદશાહના નામે બહાર પડ્યાં હતાં. આ ફરમાન મારવાડના મહારાજા અજિતસિંહની તરફેણમાં હતાં. છેલ્લા ફરમાન (12 નવેમ્બર 1711) મુજબ સોરઠની ફોજદારી મહારાજા અજિતસિંહને બક્ષવામાં આવી હતી. બાદશાહ ફર્રુખસિયરના રાજ્યઅમલ (ઈ. સ. 1713–1719) દરમિયાન દાઊદખાનના સમયમાં ગુજરાતમાં ઘણી અરાજકતા ફેલાઈ. આથી એને દખ્ખણમાં મોકલવામાં આવ્યો અને એની જગ્યાએ મહારાજા અજિતસિંહને (ઈ. સ. 1715) ગુજરાતના સૂબેદાર નીમવામાં આવ્યા.
પોતાની નિમણૂક પછી થોડા મહિના બાદ અજિતસિંહ અમદાવાદ આવ્યા (22 ફેબ્રુઆરી, 1716). એમની સાથે નાહરખાન નામનો બાહોશ મુસ્લિમ સલાહકાર અને મંત્રી હતો. મારવાડથી આવેલો અમલદાર જુલમી હોવાથી અજિતસિંહનો વહીવટ અપ્રિય બન્યો હતો. આ દરમિયાન અમદાવાદમાં એક કોમી ગંભીર બનાવ બન્યો. બકરી ઈદના દિવસે કાલુપુર વિસ્તારના સુન્ની વહોરાઓએ કુરબાની આપવા મોટી સંખ્યામાં ગાયો અને ભેંસો એકત્ર કરી. ફરજ પરના મુસ્લિમ હવાલદારે દયાથી પ્રેરાઈને કે હિંદુ સૂબેદારની કૃપા મેળવવાના ઇરાદાથી બળ વાપરી એક ગાય છોડાવી. આથી ઉશ્કેરાટ વ્યાપ્યો અને હુલ્લડની એંધાણીઓ વરતાવા લાગી. બગડેલું વાતાવરણ સુધારવા કેટલીક શાંતિ-ચાહક વ્યક્તિઓએ સૂબેદારને સમજાવ્યો અને શાંતિ સ્થપાઈ.
ઈ. સ. 1717માં મહારાજા અજિતસિંહ સૌરાષ્ટ્રમાં વ્યવસ્થા સ્થાપવા અને સરદારો તથા મુખીઓ પાસેથી ખંડણી વસૂલ લેવા લશ્કર સાથે નીકળ્યા. એમની ખંડણીની માગણી વધુપડતી હતી તેથી નવાનગર તરફથી સશસ્ત્ર સામનો થયો; પરંતુ અજિતસિંહે પોતાના હુકમનો અમલ કડકાઈથી કરાવ્યો. દરમિયાનમાં બાદશાહ પાસે ગુજરાતમાંના મારવાડી અધિકારીઓની જુલમી નીતિ વિશે ફરિયાદો થતાં બાદશાહે અજિતસિંહની જગ્યાએ ખાન દૌરાન શમ્સુદ્દૌલાની ગુજરાતના સૂબેદાર તરીકે નિમણૂક કરી. અજિતસિંહ કોઈ પણ અથડામણ કે સંઘર્ષમાં આવ્યા વગર (10 જૂન, 1717), જોધપુર જવા વિદાય થઈ ગયા.
ઈ. સ. 1719માં દિલ્હીમાં સર્વશક્તિશાળી બનેલા સૈયદ ભાઈઓએ ફર્રુખસિયરને મારી નખાવ્યો. રફીઉદ્-દરજાતને બાદશાહ બનાવ્યો. મહારાજા અજિતસિંહ સૈયદ ભાઈઓને વફાદાર રહ્યા હોવાથી ફરી અજિતસિંહને (ઈ. સ. 1719 –1721) ગુજરાતની સૂબેદારી અપાઈ. 18 ફેબ્રુઆરી 1719ના બાદશાહી ફરમાનમાં મહારાજા અજિતસિંહની વિનંતીથી જજિયાવેરો નાબૂદ કરવામાં આવ્યો હતો.
રામજીભાઈ ઠા. સાવલિયા