મહાપ્રસ્થાનમ્ (1950) : તેલુગુ કાવ્ય. તેલુગુ કવિતામાં પ્રગતિવાદ અને આધુનિકતાના પ્રણેતા વિદ્રોહી કવિ શ્રી શ્રીનો કાવ્યસંગ્રહ. તેમાં 40 જેટલાં કાવ્યો ગ્રંથસ્થ થયાં છે. એ કાવ્યો જૂન 1933થી જૂન 1947ના ગાળામાં રચાયેલાં છે. એ કાવ્યો પુસ્તકાકારે પ્રગટ થતાં પૂર્વે જ લોકપ્રિય બની ગયાં હતાં અને લોકોએ એમને મહાકવિનું બિરુદ પણ આપ્યું હતું. એમાંનાં કાવ્યોમાં પરંપરાનો વિરોધ છે. એમાં ગરીબ શ્રમજીવી વર્ગ બુદ્ધિજીવી પર વિજય મેળવશે અને નજીકના ભવિષ્યમાં સમાજનું નેતૃત્વ કરશે એવી આગાહી કરવામાં આવી છે. એમની કવિતામાં પશ્ચિમના કવિઓ સ્વિનબર્ન, બૉદલેર, મોપાસાં, પો વગેરેની ઘેરી અસર છે. એ સંગ્રહના પ્રથમ કાવ્ય ‘મહાપ્રસ્થાનમ્’માં કવિ નવા વિષય અને નવા કાવ્યસ્વરૂપમાં પ્રવર્તમાન આર્થિક, રાજકીય અને સામાજિક પરિસ્થિતિ સામે વિદ્રોહ અને આક્રમણનો સૂર સંભળાવે છે. એમની કવિતા પર હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયની વિદ્રોહની કવિતાની પ્રબળ અસર છે. એમણે કવિતામાં વર્ગવિહીન સમાજની હિમાયત કરી છે અને સમાજના વર્તમાન માળખાનો તોડી-ફોડીને વિનાશ કરવાની હાકલ કરી છે. દલિત-પીડિત લોકો કાવ્યનો મર્મ સમજી શકે તે માટે એમણે લોકપ્રચલિત એવી તળપદી અને ચલણી ભાષા તથા અલંકારો પ્રયોજ્યાં છે. એ માને છે કે દરેક વિષય કાવ્ય દ્વારા નિરૂપી શકાય : વપરાયેલો સાબુ પણ કાવ્યવિષય બની શકે. એમના ‘બટાસટી’ કાવ્યમાં આત્મવિહીન શહેરમાં ભળનારની દુર્દશાનું હૃદયદ્રાવક વર્ણન છે. અન્ય એક કાવ્યમાં તાજમહેલની રચના માટે પથ્થર તોડતા મજૂરની કરુણ દશા દર્શાવી શાહજહાં પર પ્રહાર કર્યો છે. ‘ખાલી ઓરડો’માં આજના માનવીનું એકાકીપણું વર્ણવી, શોષિતોને શોષકોનો વિનાશ કરવાની હાકલ કરી છે. આ સંગ્રહની અત્યાર સુધીમાં 17 આવૃત્તિઓ થઈ છે.
શ્રી મિરિયાલા રામકૃષ્ણે તેમના પીએચ.ડી.ના શોધનિબંધ ‘શ્રી શ્રી કવિત્વમ્’(1980)માં તેમની સમગ્ર કવિતાની વિસ્તૃત વિવેચના રજૂ કરી છે.
ચન્દ્રકાન્ત મહેતા