મહાનયપ્રકાશ : તેરમી સદીના શૈવ પંડિત શતિકાંતની કાશ્મીરીમાં લખાયેલી અતિ પ્રાચીન કૃતિ. પુરાવા પરથી સાબિત થયું છે કે તે કૃતિ મહારાજા જયસિંહની સૂચનાથી રચવામાં આવી હતી અને તેના રચયિતા પદમપોર(હાલ પમપોર)ના વતની હતા.
આ કૃતિની ભાષામાં કાશ્મીરીના પહેલાંના નમૂનાઓ જોવા મળે છે. તેમાં પુષ્કળ સંસ્કૃત ‘તત્સમ’ અને ‘તદભવ’ અને ટૅકનિકલ શબ્દોનો સમાવેશ થયેલો છે. ‘મહાનયપ્રકાશ’માંની ભાષા-શૈલી દર્શાવે છે કે તેરમીથી ચૌદમી સદીના મધ્ય ભાગ સુધી કાશ્મીરમાં સંસ્કૃતનું વર્ચસ્ હતું.
કાશ્મીરી ભાષા અને સાહિત્યના ઇતિહાસમાં આ કૃતિ ભાષાકીય ર્દષ્ટિએ મહત્વનું સીમાચિહ્ન છે. કાશ્મીરી ભાષાનો ઇતિહાસ ‘મહાનયપ્રકાશ’થી આરંભાય છે અને તેથી જ તે ભાષાવિદોને કાશ્મીરી ભાષાનાં સ્વરૂપોની ખાસિયતો સમજવામાં અને ઉકેલવામાં મદદરૂપ નીવડે છે.
આ કૃતિની વિગતો જોતાં પદ્યવાળો ભાગ (વખ) કાશ્મીરીના પહેલાંના નમૂનાઓનો છે. એમાં વખની ટીકા સંસ્કૃતમાં છે. વખની ભાષા કાલગ્રસ્ત હોઈ, જાણીતા વિદ્વાનો માટે પણ ઉકેલવાનું-સમજવાનું મુશ્કેલ છે.
આ ગ્રંથની ભાષા 700 વર્ષ જૂની છે. તે ‘કૌલા’ તરીકે જાણીતા કાશ્મીરી શૈવ પંથની શાખા ‘તંત્રયોગ’ સાથે સંબંધ ધરાવે છે. તે ‘ત્રિક’ ફિલસૂફીનું મહત્વનું અંગ રચે છે. હિંદુ સમય દરમિયાન કાશ્મીરમાં તાંત્રિક માર્ગ મહત્વનો ધાર્મિક સંપ્રદાય હતો.
કાશ્મીરી ભાષામાં કવિતાના સ્વરૂપ તરીકે ‘વખ’ ઘણા લાંબા સમયથી પ્રચલિત હતું. આ કૃતિમાં વખની કુલ સંખ્યા 94 છે. આ કૃતિની મૂળ પ્રત ‘શારદા’ લિપિમાં લખાયેલ છે, જે કાશ્મીરી સાથે સંસ્કૃત લખવા માટે વપરાતી હતી. 1919માં રાજ્યના સંશોધન અને પ્રકાશન વિભાગને પ્રેસ મારફત આ ગ્રંથ જોવા મળ્યો હતો. સંશોધન વિભાગના મુકુન્દરામ શાસ્ત્રીએ આ ગ્રંથનું દેવનાગરીમાં સંપાદન કર્યું છે અને તેની શારદા લિપિની અસલ હસ્તપ્રત શ્રીનગરની કાશ્મીર યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સેન્ટ્રલ એશિયન સ્ટડીઝની લાઇબ્રેરીમાં સાચવી રાખવામાં આવી છે.
આ કૃતિ એક સાહિત્યિક મૂલ્ય ધરાવતા ગ્રંથ ઉપરાંત મહત્વનો દસ્તાવેજ બને છે. તે કાશ્મીરી ભાષાને ફિલસૂફીભરી ચર્ચા અને અધ્યાત્મવિદ્યાવિષયક વિચારણાનું સાધન બનાવવાનો પ્રથમ મહત્વનો પ્રયત્ન છે.
બળદેવભાઈ કનીજિયા