મહાનદી : ઓરિસા રાજ્યની મુખ્ય નદી. આ નદી મોટી હોવાથી તેનું નામ મહાનદી પડેલું છે. તેની કુલ લંબાઈ 896 કિમી. જેટલી છે. તેનો સ્રાવ-વિસ્તાર 1,32,100 ચોકિમી. જેટલો છે. ભારતીય ઉપખંડની વધુ પ્રમાણમાં કાંપનિક્ષેપ કરતી નદીઓ પૈકીની તે એક ગણાય છે. તે મધ્યપ્રદેશના બસ્તર જિલ્લાની ટેકરીઓમાંથી નીકળે છે. એના મૂળના ભાગે તે નાના ઝરણા રૂપે વહે છે. ત્યાં તેનો પ્રવાહ ઉત્તર તરફનો છે. ત્યાંથી તે પૂર્વીય છત્તીસગઢના મેદાનમાંથી પસાર થાય છે. બલોદા બાઝારથી હેઠવાસમાં શિવનાથ નદી તેને મળે તે પછી તેનું વહેણ પૂર્વ તરફનું બને છે. તે પછીથી આ નદી ઓરિસા રાજ્યમાં પ્રવેશે છે. અહીં ઉત્તર-દક્ષિણ બંને બાજુ ટેકરીઓ આવેલી હોવાથી તેમાંથી ઉદભવતાં ઝરણાંનું જળ તેમાં ઉમેરાય છે. આ નદીમાંથી મુખ્યત્વે કટક નજીક, સિંચાઈ માટેની ઘણી નહેરો કાઢવામાં આવેલી છે. તેના મુખ પર જગન્નાથપુરીનું પ્રસિદ્ધ યાત્રાધામ આવેલું છે.
સંબલપુર ખાતે આ નદી પર હીરાકુડ બંધ બાંધેલો છે. તેનું જળાશય 55 કિમી. લંબાઈવાળું છે. માટીની પૂરણીથી બનાવેલો આ બંધ વિશ્વભરમાં મોટામાં મોટો ગણાય છે. અહીં ઘણા જળવિદ્યુત-એકમો પણ આવેલા છે. બંધના હેઠવાસ પછી આ નદી દક્ષિણ તરફનો વાંકોચૂંકો તથા ગૂંચવણભર્યો માર્ગ ગ્રહણ કરે છે. અહીંથી તે પૂર્વઘાટને વીંધીને વૃક્ષાચ્છાદિત કોતરોમાંથી બહાર પડે છે. અહીંથી પૂર્વ તરફ વળીને, કટક પાસેના મેદાની વિસ્તારમાંથી વહેતાં, ઘણા ફાંટાઓમાં વિભાજિત થાય છે. છેવટે ફૉલ્સ પૉઇન્ટ ખાતે તે બંગાળાના ઉપસાગરને મળે છે.
જાહ્નવી ભટ્ટ