મહાકાલ : ગુજરાતનું એક જાણીતું આધ્યાત્મિક માસિક. શ્રીમન્નૃસિંહાચાર્યે ઈ.સ. 1882માં ‘શ્રી શ્રેયસ્સાધક અધિકારી વર્ગ’ની સ્થાપના કરી. વર્ગના વિદ્વાન સાધકો છોટાલાલ જીવણલાલ માસ્તર (વિશ્વવંદ્ય), નર્મદાશંકર મહેતા, નગીનદાસ સંઘવી વગેરેને લાગ્યું કે આર્ય સનાતન ધર્મના મૂળભૂત સિદ્ધાન્તોના પ્રસાર માટે, ધર્મક્ષેત્રમાં પ્રવર્તતી અણસમજ કે ગેરસમજણને દૂર કરવા માટે તથા અધ્યાત્મજીવનનાં મૂલ્યોનું સંમાર્જન કરવા માટે વર્ગે પોતાનું એકાદ પત્ર શરૂ કરવાની જરૂર છે. તેમાં સદગુરુ શ્રી નૃસિંહાચાર્યજીની સંમતિ મળતાં ‘મહાકાલ’ માસિકનો પ્રારંભ સં. 1945(ઈ.સ. 1888)માં કાર્તિક કૃષ્ણ ચતુર્દશીએ થયો.

પ્રથમ વર્ષના અંકોનું કદ નાનું હતું. અને તેમાં માત્ર આચાર્યશ્રીનાં જ લખાણો પ્રસિદ્ધ થતાં હતાં. ક્યારેક તેમાં છોટાલાલ જીવણલાલ(માસ્તરસાહેબ)ના ‘વાણીનિરોધ’ જેવા લેખો પ્રગટ થતા. માસ્તરસાહેબ મુખ્યત્વે ‘મહાકાલ’ના પ્રકાશનની, વહીવટી અને વિતરણની વ્યવસ્થા કાળજીપૂર્વક સંભાળતા. શ્રી નૃસિંહાચાર્યજીનું સં. 1953(ઈ.સ. 1897)માં સ્વરૂપાવસ્થાન થતાં ‘મહાકાલ’ની સમગ્ર જવાબદારી માસ્તરસાહેબના શિરે આવી પડી. તેમણે ‘મહાકાલ’ના મુખ્ય ઉદ્દેશને અકબંધ રાખી–જાળવી, તેનું કદ વિસ્તાર્યું. વર્ગના વિદ્વાન સાધકો જેકિનશદાસ કણિયા, નર્મદાશંકર મહેતા, નગીનદાસ સંઘવી, મણિશંકર હ. ભટ્ટ, કૌશિકરામ મહેતા વગેરેની કલમનો ‘મહાકાલ’ને લાભ મળવા લાગ્યો. મોટાભાગનાં લખાણો તો માસ્તરસાહેબ પોતે જ લખતા. તેમાં તેમણે સાહિત્ય, શાસ્ત્ર, વિજ્ઞાન વગેરે વિશે વર્ગના વિદ્વાનોનાં ગંભીર શૈલીનાં લખાણોને પ્રસિદ્ધ કર્યાં, તો તે જ અંકોનાં અર્ધ ઉપરાંત પૃષ્ઠોમાં આરોગ્ય, ઉદ્યોગ, કર્તવ્યપરાયણતા, હુન્નર, કલા, સ્ત્રીકેળવણી, સમાજજીવન વગેરે સામાજિક જીવનને સુખમય બનાવનારા – પ્રેયસમાં ગણાવી શકાય તેવા, પણ – પાયાના પ્રાણપૂરક પ્રશ્નોને સરળ, સુબોધમય છતાં તેજસ્વી શૈલીમાં ચર્ચતા લેખો પણ પોતે જ લખવા માંડ્યા. શ્રી નૃસિંહાચાર્યજીનું સ્વરૂપાવસ્થાન થયા બાદ, અનેક સાધકોના પ્રેમાગ્રહને વશ થઈ માસ્તરસાહેબે સદગુરુના જીવનપ્રસંગો પર પ્રકાશ પાડતી ‘શ્રીનૃસિંહલીલામૃત’ નામની લેખમાળા શરૂ કરી હતી. પરંતુ સં. 1960થી આરંભાયેલી ‘યોગિની’ નવલકથાએ તો સાધકો ઉપરાંત વર્ગ બહારના સજ્જનો-વિદ્વાનોનું પણ સવિશેષ ધ્યાન ખેચ્યું હતું તથા ‘મહાકાલ’ના વાચકોગ્રાહકોની સંખ્યા ઘણી વધી ગઈ હતી. ‘જ્વાલામાંથી પ્રાદુર્ભાવ’ નામની બીજી નવલકથા પણ માસ્તરસાહેબે શરૂ કરી. વર્ગની–તેમાંય વિશેષત: વિશ્વવંદ્ય માસ્તરસાહેબની–સાહિત્યપ્રવૃત્તિથી પ્રભાવિત થયેલા. ‘મોરબી આર્યસુબોધ નાટક કંપની’ના માલિક શ્રી મૂળજીભાઈ આશારામ ઓઝાએ તો પોતાની કંપની માટે બોધક રસપ્રદ નાટક લખી આપવાની માસ્તરસાહેબને વિનંતી કરી હતી. સદગુરુમય બનેલા માસ્તરસાહેબે આથી યોગસિદ્ધ શ્રી નૃસિંહાચાર્યજીની બોધપ્રધાન વાર્તા ‘સતી સુવર્ણા’નું નાટ્યરૂપાંતર કરવાની શુભપ્રવૃત્તિ આરંભી હતી. સં. 1968ના પોષ માસના ‘મહાકાલ’થી આ રૂપાંતર કકડે કકડે પ્રકાશિત થયેલું જોવા મળે છે. ‘પ્રાસંગિક ઉક્તિઓ’ નામના સ્તંભમાં તંત્રી માસ્તરસાહેબ સાધકોએ પૂછેલા પ્રશ્નોના જવાબો કે અન્ય માહિતી પ્રસ્તુત કરતા. વર્ષાન્તે ‘રૂપની પ્રભાવલિ’માં સમગ્ર વર્ષનાં કાવ્યો, લેખો, ધારાવાહી વાર્તાઓ, કાયમી સ્તંભો વગેરેની ક્રમબદ્ધ સૂચિ આપવામાં આવતી હતી.

માસ્તરસાહેબના દેહાવસાન બાદ સંવત 1968(ઈ.સ. 1911)થી શ્રી ઉપેન્દ્રાચાર્યે આ કામ ઉપાડી લીધું હતું. ત્રણેય મહાનુભાવો વેદશ્રુતિપ્રણીત તત્વધારાને વહેતી રાખવાનો ઉપક્રમ સેવતા હોવા છતાં માસિકોના પ્રકાશન અને ગ્રાહકો સંબંધી તેમની ર્દષ્ટિમાં પણ સૂક્ષ્મ તફાવત વર્તાઈ આવે છે. બ્રહ્મખુમારીમાં મસ્ત રહેનારા વીતરાગી પ્રકૃતિ ધરાવનારા શ્રી નૃસિંહાચાર્યજી માનતા કે જે જિજ્ઞાસુ વાચકને ગરજ હશે તે ‘મહાકાલ’નો ગ્રાહકસભ્ય થશે અને જ્ઞાનકૂંચી પ્રાપ્ત કરવાનો ઉપક્રમ સેવશે. તેથી શ્રીનૃસિંહાચાર્યે પહેલા જ અંકથી ખુમારીપૂર્વક સૂચના આપી છે : ‘આ મહાકાલના ઉપાસક થવાની ખાસ વિજ્ઞપ્તિ કોઈને કરવામાં નહિ જ આવે. માટે જેને એના ઉપાસક થવાની ઇચ્છા હોય, તેણે પત્ર દ્વારા ગેઝેટ ઑફિસમાં મહાકાલના મૅનેજરને પોતાની ઇચ્છા જણાવવી.’ વિશ્વવંદ્ય માસ્તરસાહેબ વર્ગની વાટિકા વિકસે અને તેના સાત્વિક પરિમલનો લાભ અનેકને મળે તેવી અભીપ્સા સેવતા. તેથી તેઓ વર્ગના માસિકને પગભર, સુવ્યવસ્થિત અને સુરુચિપૂર્ણ બનાવવા અત્યંત પરિશ્રમ લેતા. આને કારણે ‘મહાકાલ’ની ગ્રાહકસંખ્યા આશ્ચર્ય પમાડે તે રીતે વૃદ્ધિ પામવા લાગી. ઈ.સ. 1906માં માસ્તરસાહેબ નોંધે છે, ‘આ વર્ષના આરંભમાં મહાકાલના માત્ર સત્તરસેં ગ્રાહક હતા. આ વર્ષના અંતમાં તે સંખ્યા વધીને પચીસસેં ઉપરની થઈ છે.’ શ્રી ઉપેન્દ્રાચાર્યે વર્ગની પ્રવૃત્તિઓનો વ્યાપ વધારતાં તથા ‘મહાકાલ’ ઉપરાંત ‘બાલકોનો બંધુ’ (સં. 1968), ‘દંપતીમિત્ર’ (સં. 1969), ‘જીવન’ (સં. 1969), ‘શ્રેયસ્સાધક’ (સં. 1969) જેવાં અનેક માસિકોનો પ્રારંભ કરતાં ‘મહાકાલ’ના પ્રકાશનમાં અનિયમિતતા અને અવ્યવસ્થા સર્જાય છે. અને પછી તે બંધ થાય છે. તત્વચર્ચા, જીવનચર્યા, વિજ્ઞાનવાર્તા અને અધ્યાત્મવિદ્યાને વણી લેતા ‘મહાકાલ’ માસિકે તેના સમયમાં એક પ્રભાવક અસર ઊભી કરી હતી.

લવકુમાર દેસાઈ